રૂ. 100 કરોડથી વધુના રોકાણ સાથે સાણંદમાં 17મું ઉત્પાદન એકમ કાર્યરત; આગામી વર્ષે 300થી વધુ રોજગારી સર્જવાનું લક્ષ્ય, આયાતી ગ્લોવ્સના સ્થાનિક ઉત્પાદન પર ભાર

અમદાવાદ
ભારતમાં પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વીપમેન્ટ (પીપીઈ) ક્ષેત્રે અગ્રણી સ્થાન ધરાવતી મોલકોમ ઇન્ડિયા લિમિટેડે ગુજરાતના સાણંદ ખાતે આવેલી પોતાની અદ્યતન ઉત્પાદન સવલતને કેન્દ્રમાં રાખીને ઉત્પાદન ક્ષમતાના વિસ્તરણ અને સ્થાનિકીકરણની દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિની જાહેરાત કરી છે. કંપનીના જણાવ્યા અનુસાર, રૂ. 100 કરોડથી વધુના રોકાણ સાથે વિકસાવાયેલ આ પ્લાન્ટ મોલકોમનું 17મું ઉત્પાદન એકમ છે, જે ભારતને વૈશ્વિક પીપીઈ ઉત્પાદન હબ તરીકે વિકસાવવાના તેના વિઝનને વધુ મજબૂત બનાવે છે.
હાલમાં આ એકમમાં આશરે 200થી વધુ લોકોને રોજગારી મળી રહી છે, જેમાં 50 જેટલી પ્રત્યક્ષ અને 160થી વધુ પરોક્ષ નોકરીઓનો સમાવેશ થાય છે. કંપની આગામી વર્ષ દરમિયાન આ સંખ્યાને વધારીને 300થી વધુ રોજગારી તકો ઊભી કરવાની યોજના ધરાવે છે. સાણંદ પ્લાન્ટમાં એનબીઆર અને પીયુ ગ્લોવ્સ ડીપિંગ લાઇન્સ, ઇન્જેક્શન મોલ્ડિંગ મશીનો, ગ્લોવ્સ પ્રિન્ટિંગ લાઇન્સ, સેફ્ટી હેલ્મેટ્સ તથા બમ્પ કેપ્સ સહિતના વિવિધ પીપીઈનું ઉત્પાદન કરવામાં આવે છે.
કંપનીએ તાજેતરમાં ઓનલાઈન પ્રિન્ટિંગ અને સ્ટ્રિપિંગ સુવિધા ધરાવતી નવી એનબીઆર ડીપિંગ લાઇન શરૂ કરી છે. સાથે જ, અગાઉ મોટા ભાગે આયાત થતા પ્રોટેક પીયુ ગ્લોવ્સ જેવા ઉત્પાદનોનું સ્થાનિક સ્તરે ઉત્પાદન શરૂ કરીને આયાત પરની નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ પણ હાથ ધર્યો છે. હાલમાં કેટલાક વિશિષ્ટ કાચા માલ માટે ચીન, ઇટાલી, શ્રીલંકા, બ્રાઝિલ અને નેધરલેન્ડ્સ જેવા દેશો પર નિર્ભરતા હોવા છતાં, કંપની સ્થાનિક સપ્લાય ચેઇનને વધુ મજબૂત બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે.
સાણંદની આ સવલત માત્ર ઉત્પાદન સુધી મર્યાદિત નથી, પરંતુ સંશોધન, ગુણવત્તા નિયંત્રણ અને ટકાઉ વિકાસના માપદંડો પર પણ વિશેષ ભાર મૂકે છે. પ્લાન્ટમાં બાયોમાસ પેલેટ આધારિત ઊર્જા ઉત્પાદન, ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ સિસ્ટમ દ્વારા જળ સંરક્ષણ અને સીડેક્સના નૈતિક ઉત્પાદન ધોરણોનું પાલન કરવામાં આવે છે. કંપનીના વર્ટિકલ ઇન્ટિગ્રેટેડ ઓપરેશન્સને કારણે ઉત્પાદનની દરેક પ્રક્રિયામાં કડક ગુણવત્તા નિયંત્રણ જાળવવામાં આવે છે, જેના કારણે ઈએન, આન્સી અને આઈએસ જેવા આંતરરાષ્ટ્રીય સુરક્ષા ધોરણોનું અનુપાલન સુનિશ્ચિત થાય છે.
મોલકોમ ઇન્ડિયા લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ગિરીરાજ મોલે જણાવ્યું હતું કે, “ગુજરાત સરકાર સાથે થયેલા એમઓયુના પરિણામે સાણંદ સવલત અમારી વિકાસયાત્રામાં મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થઈ છે. નવીનતા, ટકાઉપણું અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાના અમારા પ્રયાસો ભારતને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ઉત્પાદન કેન્દ્ર બનાવવા માટે મહત્વપૂર્ણ છે.”
કંપનીના રોહિત મોલે જણાવ્યું હતું કે, “અદ્યતન ટેક્નોલોજી, વિસ્તૃત ઉત્પાદન ક્ષમતા અને ગુણવત્તા પ્રત્યેની પ્રતિબદ્ધતા અમને ઉદ્યોગની વધતી માંગને પૂર્ણ કરવામાં મદદરૂપ બની રહી છે. સાથે જ અમે રોજગારી સર્જન અને હિસ્સાધારકો માટે લાંબા ગાળાના મૂલ્ય સર્જન પર પણ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છીએ.”
વિશેષ નોંધનીય બાબત એ છે કે મોલકોમે સાણંદ ખાતે ભારતનું પ્રથમ ડીટીએ (ડોમેસ્ટિક ટેરિફ એરિયા) આધારિત પ્રોટેક પીયુ ગ્લોવ્સ ઉત્પાદન એકમ પણ સ્થાપિત કર્યું છે. આ પહેલ ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાનને પ્રોત્સાહન આપવાની સાથે આયાતી પીયુ ગ્લોવ્સ પરની નિર્ભરતા ઘટાડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
કંપનીના જણાવ્યા મુજબ, સાણંદ પ્લાન્ટ આગામી વર્ષોમાં તેની વૃદ્ધિ વ્યૂહરચનાનું કેન્દ્ર બનશે. પશ્ચિમ બંગાળ અને ઉત્તરાખંડમાં આવેલી ઉત્પાદન સવલતોની સાથે હવે ગુજરાતમાં પણ મજબૂત હાજરી ઉભી કરીને મોલકોમ પીપીઈ ક્ષેત્રમાં નવીનતા, સ્થાનિકીકરણ અને ગુણવત્તાના નવા ધોરણો સ્થાપિત કરવાની દિશામાં આગળ વધી રહી છે.
