ગુજરાતમાં પ્રથમવાર બે પ્રતિષ્ઠિત ડાર્ટ્સ ક્વોલિફાયર ટૂર્નામેન્ટનું આયોજન

Spread the love

23થી 28 જૂન દરમિયાન કર્ણાવતી ક્લબ ખાતે યોજાશે સ્પર્ધા; દેશભરમાંથી 300થી વધુ ખેલાડીઓ ભાગ લેશે

અમદાવાદ,

યુરોપિયન દેશોમાં અત્યંત લોકપ્રિય બની રહેલી ડાર્ટ્સની રમત હવે ગુજરાતમાં પણ ઝડપી ગતિએ વિકાસ પામી રહી છે. રાજ્યમાં આ રમતને વધુ પ્રોત્સાહન આપવા માટે ગુજરાત ડાર્ટ્સ સ્પોર્ટ્સ કાઉન્સિલે મહત્વપૂર્ણ પહેલ કરી છે. કોમનવેલ્થ ગેમ્સ-2030ની યજમાની તરફ આગળ વધી રહેલા ગુજરાત માટે આ રમતને નવી ઓળખ અપાવવા કાઉન્સિલે પ્રથમ વખત બે પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ક્વોલિફાયર ટૂર્નામેન્ટની યજમાની હાંસલ કરી છે.

આ ટૂર્નામેન્ટ 23થી 28 જૂન, 2026 દરમિયાન અમદાવાદના કર્ણાવતી ક્લબ ખાતે યોજાશે. ટૂર્નામેન્ટમાં દેશભરમાંથી આશરે 300થી વધુ ખેલાડીઓ ભાગ લે તેવી શક્યતા છે. રસ ધરાવતા ખેલાડીઓ માટે નોંધણી પ્રક્રિયા 16 જૂન સુધી ખુલ્લી રાખવામાં આવી છે.

ગુજરાત ડાર્ટ્સ સ્પોર્ટ્સ કાઉન્સિલના પ્રમુખ પ્રમેશ મોદી અને રિંજુ ઝવેરીએ જણાવ્યું હતું કે, ગુજરાત ડાર્ટ્સ સ્પોર્ટ્સ કાઉન્સિલ દેશની પ્રથમ અદ્યતન અને વ્યાવસાયિક ડાર્ટ્સ તાલીમ સુવિધા ધરાવતી સંસ્થા છે. અહીં ખેલાડીઓને તાલીમ ઉપરાંત નિયમિત ટૂર્નામેન્ટમાં ભાગ લેવાની તક પણ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં કાઉન્સિલ દ્વારા 1,000થી વધુ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ તેમજ 500થી વધુ સિનિયર નાગરિકોને ડાર્ટ્સની તાલીમ આપવામાં આવી છે.

તેમણે જણાવ્યું કે ડાર્ટ્સ એવી રમત છે, જેને ખૂબ ઓછી જગ્યામાં પણ સરળતાથી રમી શકાય છે અને વ્યક્તિગત રીતે પણ તેની પ્રેક્ટિસ શક્ય છે. આ વિશેષતાઓને કારણે યુવાનોમાં તેનો વ્યાપ ઝડપથી વધી રહ્યો છે. કાઉન્સિલ અમદાવાદના પલોડિયા ઉપરાંત શહેરના અન્ય વિસ્તારોમાં પણ નવી એકેડેમીઓ શરૂ કરવાની યોજના બનાવી રહી છે. ખેલાડીઓને આકર્ષવા માટે ભવિષ્યમાં મોટા ઇનામો ધરાવતી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. વર્ષ 2030 માટે 20 કરોડ રૂપિયાની મેગા પ્રાઈઝમનીની જાહેરાત પણ કરવામાં આવી છે.

આ ક્વોલિફાયર ટૂર્નામેન્ટમાં ગુજરાતના 120થી વધુ ખેલાડીઓ ઉપરાંત મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, દિલ્હી, કર્ણાટક, તામિલનાડુ અને તેલંગાણા સહિતના રાજ્યોના ખેલાડીઓ ભાગ લેશે. ટૂર્નામેન્ટમાં આ વર્ષે વર્લ્ડ કપ ઓફ ડાર્ટ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા ટોચના ખેલાડીઓ નીતિન કુમાર અને અંકિત ગોએન્કા પણ મેદાનમાં ઉતરશે. ઉપરાંત ભારતની નંબર-1 મહિલા ડાર્ટ્સ ખેલાડી માહિ બોસમીયા પણ સ્પર્ધામાં ભાગ લઈ વધુ એક આંતરરાષ્ટ્રીય ક્વોલિફિકેશન સ્થાન મેળવવા માટે પ્રયત્નશીલ રહેશે.

ટૂર્નામેન્ટમાં કુલ 4 લાખ રૂપિયાથી વધુની પ્રાઈઝમની રાખવામાં આવી છે. ખાસ કરીને ડાર્ટ્સની દુનિયાના સૌથી મુશ્કેલ પડકારોમાં ગણાતા ‘નાઇન-ડાર્ટ ફિનિશ’ હાંસલ કરનાર ખેલાડીને 10 લાખ રૂપિયાનું વિશેષ રોકડ ઇનામ આપવામાં આવશે. ઉપરાંત દરેક સફળ 170 ચેકઆઉટ માટે 25 હજાર રૂપિયાની પ્રાઈઝમની પણ જાહેર કરવામાં આવી છે.

સ્પર્ધાના પરિણામો ખેલાડીઓ માટે આંતરરાષ્ટ્રીય મંચ સુધી પહોંચવાનો માર્ગ પણ ખુલ્લો કરશે. ટૂર્નામેન્ટના ટોચના ચાર જુનિયર ખેલાડીઓને જિબ્રાલ્ટરમાં યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળશે, જ્યારે સિનિયર વિભાગમાંથી એક ખેલાડી એશિયન ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય થશે. આ એશિયન ચેમ્પિયનશિપ વિશ્વ ચેમ્પિયનશિપમાં સ્થાન મેળવવા માટે મહત્વપૂર્ણ મંચ સાબિત થશે.

પ્રમેશ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે યુરોપના અનેક દેશોમાં ડાર્ટ્સ ફૂટબોલ પછી સૌથી વધુ લોકપ્રિય રમતોમાંની એક છે. ભારતમાં ખાસ કરીને કોલકાતા અને સુરતમાં આ રમતને સારો પ્રતિસાદ મળ્યો છે. હવે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ડાર્ટ્સને લોકપ્રિય બનાવવા માટે શાળાઓ, કોલેજો, કોર્પોરેટ સંસ્થાઓ અને અન્ય વિવિધ સ્થળોએ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

તેમણે ઉમેર્યું કે અમદાવાદમાં યોજાનારી વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સમાં પણ ડાર્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે અને ભવિષ્યમાં આ રમત કોમનવેલ્થ ગેમ્સનો પણ ભાગ બની શકે છે. કેલ્ક્યુલેશન, એકાગ્રતા અને મસલ મેમરી પર આધારિત આ રમત યુવાનોને મોબાઇલની લતથી દૂર રાખવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *