સાગબારા નજીક કન્ટેનરમાંથી રૂ. 31.77 લાખનો દારૂ મળી આવ્યો; ટ્રક સહિત કુલ રૂ. 46.82 લાખનો મુદ્દામાલ જપ્ત, એક આરોપીની ધરપકડ
નર્મદા:
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રાજ્યમાં વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસો યથાવત્ હોવાનું વધુ એક વખત સામે આવ્યું છે. નર્મદા જિલ્લા એલસીબી (LCB)એ મહારાષ્ટ્ર-ગુજરાત સરહદ નજીકથી વિદેશી દારૂથી ભરેલું કન્ટેનર ઝડપી પાડી મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે દારૂના જથ્થા સાથે ટ્રક અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 46.82 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ડેડીયાપાડા અને સાગબારા વિસ્તારની આંતરરાજ્ય સરહદ પર ખાસ વોચ ગોઠવવામાં આવી હતી. પેટ્રોલિંગ દરમિયાન મહારાષ્ટ્ર તરફથી ગુજરાતમાં પ્રવેશી રહેલા એક શંકાસ્પદ કન્ટેનરને રોકી તપાસ કરવામાં આવતા તેમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
તપાસ દરમિયાન પોલીસે ટ્રકના ચાલક અને રાજસ્થાનના બાડમેર જિલ્લાના રહેવાસી 26 વર્ષીય અર્જુનરામ ધીમારામ બિશ્નોઇની ધરપકડ કરી હતી. પ્રાથમિક પૂછપરછના આધારે દારૂના જથ્થાના સ્ત્રોત અને તેના ગંતવ્ય સ્થળ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા મુજબ, જપ્ત કરાયેલા મુદ્દામાલમાં રૂ. 31,77,465ની કિંમતનો વિદેશી દારૂ, રૂ. 15 લાખની કિંમતની અશોક લેલેન્ડ ટ્રક અને એક મોબાઇલ ફોનનો સમાવેશ થાય છે. આમ કુલ રૂ. 46,82,465નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.
આ કાર્યવાહી એવા સમયે સામે આવી છે જ્યારે થોડા દિવસો અગાઉ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ રાજ્યના ગૃહમંત્રીને પત્ર લખીને મહારાષ્ટ્ર સરહદેથી ગુજરાતમાં મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી થતી હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે પોતાના પત્રમાં નર્મદા જિલ્લામાંથી પસાર થતા દારૂના રૂટ અંગે વિગતો રજૂ કરી હતી તેમજ કેટલાક વિસ્તારોમાં પોલીસની ભૂમિકાને લઈને પણ સવાલો ઉઠાવ્યા હતા.
સાંસદે પત્રમાં દાવો કર્યો હતો કે સરહદી વિસ્તારો મારફતે નર્મદા જિલ્લામાં પ્રવેશતો દારૂ બાદમાં ઉમલ્લા, રાજપારડી, કરજણ અને શિનોર જેવા વિસ્તારો સુધી પહોંચાડવામાં આવે છે. આ રજૂઆત બાદ દારૂની હેરાફેરી સામે વધુ કડક કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી હતી.
નર્મદા એલસીબીની તાજેતરની કાર્યવાહીને સરહદી વિસ્તારોમાં ચાલી રહેલા ગેરકાયદે દારૂના કારોબાર સામે મહત્વપૂર્ણ સફળતા તરીકે જોવામાં આવી રહી છે. પોલીસ હવે આ કેસમાં સંકળાયેલા અન્ય શખ્સો, સપ્લાય ચેઇન અને સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા માટે તપાસ આગળ વધારી રહી છે.
