300થી વધુ યુવતીઓએ ત્રણ દિવસીય શિબિરમાં લીધો ભાગ; શિક્ષણ, સંસ્કાર અને આત્મવિશ્વાસથી સમાજ પરિવર્તનનો સંકલ્પ વ્યક્ત

પીરાણા
અખિલ ભારતીય સનાતન સત્યપંથ મહિલા સંઘ અને સ્ત્રી ચેતના–ગુજરાત (ભારતીય સ્ત્રી શક્તિ સંલગ્ન)ના સંયુક્ત ઉપક્રમે નિષ્કલંકાણી પ્રેરણાપીઠ તીર્થધામ, પીરાણા ખાતે 4થી 6 જૂન દરમિયાન યોજાયેલી “યુવતી પ્રેરણા શિબિર”નો સમાપન કાર્યક્રમ ભવ્યતા અને ઉત્સાહ સાથે સંપન્ન થયો. યુવતીઓના સર્વાંગી વિકાસ, વ્યક્તિત્વ નિર્માણ અને સામાજિક જાગૃતિના ઉદ્દેશ સાથે આયોજિત આ શિબિરમાં 300થી વધુ યુવતીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
ગુજરાત સહિત વિવિધ રાજ્યોની યુવતીઓની ભાગીદારી
ત્રણ દિવસીય શિબિરમાં કુલ 300થી વધુ યુવતીઓ જોડાઈ હતી, જેમાંથી 260 યુવતીઓ ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી આવી હતી, જ્યારે બાકીની યુવતીઓ અન્ય રાજ્યોમાંથી ઉપસ્થિત રહી હતી. આ શિબિર યુવતીઓ માટે જ્ઞાન, સંસ્કાર અને વ્યક્તિત્વ વિકાસનું અનોખું મંચ બની હતી.
યોગ, ડિજિટલ સાક્ષરતા અને જીવન મૂલ્યો પર માર્ગદર્શન
શિબિર દરમિયાન યુવતીઓને યોગ, પ્રાણાયામ અને ધ્યાન દ્વારા આંતરિક શાંતિ અને માનસિક સશક્તિકરણનો અનુભવ કરાવવામાં આવ્યો હતો. ઉપરાંત ડિજિટલ સાક્ષરતા, સંવાદ કૌશલ્ય, પરિવારના મૂલ્યો, આરોગ્ય અને સ્વચ્છતા જેવા મહત્વપૂર્ણ વિષયો પર નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડો. માયાબેન કોડનાની, શ્રીમતી કલ્પનાબેન વ્યાસ, ડો. મીનલબેન રાવલ, ડો. આસમાની સુર્વે, ડો. ટ્વિંકલ પટેલ, શ્રીમતી સુહાલી તિપરે સહિતના વક્તાઓએ યુવતીઓને પ્રેરણાદાયી પ્રવચનો આપ્યા હતા.
રિવાબા જાડેજાનો સશક્તિકરણનો સંદેશ
સમાપન સત્રમાં ગુજરાત રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે યુવતીઓને સંબોધતા જણાવ્યું કે યુવતીઓ સમાજની શક્તિ છે અને શિક્ષણ, સંસ્કાર તથા આત્મવિશ્વાસથી સજ્જ યુવતીઓ માત્ર પોતાના જીવનને જ નહીં પરંતુ સમગ્ર સમાજને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી શકે છે. તેમણે યુવતીઓને શિબિરમાંથી પ્રાપ્ત મૂલ્યોને જીવનમાં ઉતારી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો સંકલ્પ કરવાની અપીલ કરી હતી.
પ્રશ્નોત્તરી સત્રમાં યુવતીઓ સાથે સંવાદ
કાર્યક્રમ દરમિયાન રિવાબા જાડેજાએ યુવતીઓ સાથે પ્રશ્નોત્તરી સત્ર પણ યોજ્યું હતું. શિક્ષણ, કારકિર્દી, સમાજસેવા અને જીવન મૂલ્યોને લગતા વિવિધ પ્રશ્નોના તેમણે માર્ગદર્શક અને પ્રેરણાત્મક જવાબો આપ્યા હતા. આ સત્ર યુવતીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
શૈલેશ સુધારાના પ્રયત્નોથી સફળ આયોજન
આ સમગ્ર શિબિરનું સુવ્યવસ્થિત આયોજન સ્ત્રી ચેતનાના અધ્યક્ષ શૈલેશ સુધારાના માર્ગદર્શન અને પ્રયાસોથી શક્ય બન્યું હતું. વર્તમાન સમયની જરૂરિયાતોને અનુરૂપ વિષયોની પસંદગી અને યોગ્ય વક્તાઓના માર્ગદર્શનને કારણે શિબિર અસરકારક અને સમયોચિત બની હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.
પ્રમાણપત્ર વિતરણ સાથે સમાપન
કાર્યક્રમના અંતે તમામ ભાગ લેનાર યુવતીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. સાથે જ શિબિરના સફળ આયોજનમાં સહયોગ આપનાર સંસ્થાઓ, વક્તાઓ અને કાર્યકરોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ત્રણ દિવસીય આ શિબિર યુવતીઓમાં આત્મવિશ્વાસ, નેતૃત્વ અને રાષ્ટ્રનિર્માણની ભાવના વિકસાવવાના ઉદ્દેશને સફળતાપૂર્વક સાકાર કરતી યાદગાર પહેલ બની હતી.
