અફઘાનિસ્તાન સામેની પ્રથમ વન-ડેમાં 37 વર્ષ જૂનો રેકોર્ડ તૂટશે, 2027 વર્લ્ડ કપ પર રોહિતની નજર

એસવીએન,નવી દિલ્હી
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 13 જૂનથી શરૂ થનારી ત્રણ મેચોની વન-ડે સીરિઝ ભારતીય ક્રિકેટ માટે ખાસ મહત્વ ધરાવે છે. ધર્મશાલામાં રમાનારી પ્રથમ મેચમાં મેદાન પર ઉતરતાની સાથે જ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા એક ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે નોંધાવશે. રોહિત ભારત માટે વન-ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર સૌથી વધુ વયના ખેલાડી બનશે અને 37 વર્ષ જૂનો રેકોર્ડ તોડી દેશે.
મોહિન્દર અમરનાથનો રેકોર્ડ તૂટશે
અફઘાનિસ્તાન સામેની પ્રથમ વન-ડે દરમિયાન રોહિત શર્માની ઉંમર 39 વર્ષ અને 44 દિવસની હશે. આ સાથે તે ભારતીય ક્રિકેટના દિગ્ગજ મોહિન્દર અમરનાથનો લાંબા સમયથી અખંડ રહેલો રેકોર્ડ પાછળ છોડી દેશે. અમરનાથે 1989માં ભારત માટે પોતાની છેલ્લી વન-ડે મેચ 39 વર્ષ અને 36 દિવસની ઉંમરે રમી હતી. હવે રોહિત આ સિદ્ધિ સાથે ભારતીય વન-ડે ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વયોવૃદ્ધ ખેલાડી તરીકે નોંધાશે.
2027 વર્લ્ડ કપ પર નજર
ટેસ્ટ અને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા રોહિત શર્માનું મુખ્ય લક્ષ્ય હવે 2027નો વન-ડે વર્લ્ડ કપ છે. ભારતને વધુ એક વિશ્વ કપ જીતાડીને કારકિર્દીને યાદગાર બનાવવાનું તેમનું સ્વપ્ન છે. જોકે વધતી ઉંમર અને ફિટનેસના પડકારો વચ્ચે આગામી સમય તેમના માટે મહત્વપૂર્ણ રહેશે.
ભારત અને અફઘાનિસ્તાનની ટીમ
ભારતની વન-ડે ટીમ:
શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, શ્રેયસ અય્યર (ઉપકેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, પ્રિન્સ યાદવ, ગુરનૂર બરાર અને હર્ષ દુબે.
અફઘાનિસ્તાનની વન-ડે ટીમ:
હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), રહમાનુલ્લાહ ગુરબાઝ (વિકેટકીપર), ઇબ્રાહિમ ઝદરાન, સેદિકુલ્લાહ અટલ, દરવિશ રસૂલી, રહમત શાહ, ઇક્રમ અલીખિલ (વિકેટકીપર), મોહમ્મદ નબી, અજમતુલ્લાહ ઓમરઝાઈ, રશીદ ખાન, નાંગ્યાલ ખારોટાઈ, એએમ ગઝનફર, જિયા ઉર રહમાન શરીફી, ફરીદ મલિક, બિલાલ સામી અને મોહમ્મદ સલીમ.
