100 વર્ષ જૂના માર્ગને બંધ કરવાના નિર્ણય સામે સ્થાનિકોની અરજી, હાઇકોર્ટે સરકાર પાસેથી માગ્યો સ્પષ્ટ જવાબ
એસવીએન,અમદાવાદ
ગીર સોમનાથ જિલ્લામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મંદિરથી સાગર દર્શન સુધી જતાં વર્ષો જૂના જાહેર માર્ગને બંધ કરવાના નિર્ણયને લઈને ગુજરાત હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. સ્થાનિક રહેવાસીઓ દ્વારા દાખલ કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે જિલ્લા તંત્ર અને સરકાર સામે અનેક આકરા સવાલો ઉઠાવ્યા હતા. હાઇકોર્ટે સ્પષ્ટ જણાવ્યું કે જાહેર માર્ગ બંધ કરવાનો નિર્ણય કયા કાનૂની અધિકાર હેઠળ લેવામાં આવ્યો તે અંગે સરકારને જવાબ આપવો પડશે.
સ્થાનિકોની અરજી બાદ મામલો હાઇકોર્ટમાં
સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે સોમનાથ મંદિરથી સાગર દર્શન તરફ જતો આશરે 100 વર્ષ જૂનો માર્ગ અચાનક બંધ કરી દેવામાં આવ્યો છે. આ મુદ્દે અનેક વખત કલેક્ટર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં ચારથી પાંચ મહિના સુધી કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો. અંતે સ્થાનિકોએ ન્યાય મેળવવા માટે ગુજરાત હાઇકોર્ટનો આશરો લીધો હતો.
કલેક્ટરના વલણ પર કોર્ટે વ્યક્ત કરી નારાજગી
કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ નિખિલ એસ. કેરીયલે કલેક્ટરના વલણ અંગે ગંભીર નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે ટકોર કરી હતી કે નાગરિકોની રજૂઆતનો સમયસર જવાબ આપવો તંત્રની ફરજ છે. લોકોની સમસ્યાઓને અવગણવાની પ્રથા સ્વીકારી શકાય નહીં. કોર્ટે સવાલ કર્યો કે જો લોકો વારંવાર રજૂઆત કરે તો તેનો જવાબ આપવાનો સમય પણ કલેક્ટર પાસે કેમ ન હતો.
મંદિર ટ્રસ્ટ અને તંત્રની ભૂમિકા પર પ્રશ્ન
હાઇકોર્ટે વધુમાં પૂછ્યું કે મંદિર ટ્રસ્ટ પાસે જાહેર માર્ગ બંધ કરવાની સત્તા કેવી રીતે આવી. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે નાગરિકોએ કયા માર્ગે ચાલવું તે કોઈ સંસ્થા કે સત્તાધીશ એકતરફી રીતે નક્કી કરી શકે નહીં. “મંદિર ટ્રસ્ટ જિલ્લો ચલાવે છે કે કલેક્ટર?” જેવી ટકોર સાથે કોર્ટે સમગ્ર પ્રક્રિયા પર સવાલો ઉઠાવ્યા હતા.
વીડિયો અને નકશો રજૂ કરાશે
સરકારપક્ષે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે અહિલ્યાબાઈ હોલકરના પૂતળાથી સાગર દર્શન સુધીના માર્ગનો વીડિયો અને તાજેતરનો નકશો કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સાથે જ કોર્ટે નોંધ્યું કે વર્ષ 1820ના નકશામાં પણ આ માર્ગ દર્શાવવામાં આવ્યો છે. સમગ્ર મામલે વધુ તથ્યો મેળવવા માટે કેસની આગામી સુનાવણી 22 જૂને નિર્ધારિત કરવામાં આવી છે.
જાહેર માર્ગ બંધ કરવો પ્રથમદર્શનીય રીતે ગેરકાનૂની
સુનાવણી દરમિયાન કોર્ટે નોંધ્યું કે આ વિસ્તાર કોઈ સૈન્ય ક્ષેત્ર નથી પરંતુ લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. જાહેર માર્ગ બંધ કરવો પ્રથમદર્શનીય રીતે ગેરકાનૂની જણાય છે અને આ અંગે તંત્રએ સ્પષ્ટતા કરવી જરૂરી છે. હાઇકોર્ટની આ કડક ટકોર બાદ હવે સરકાર અને જિલ્લા તંત્ર શું જવાબ આપે છે તેના પર સૌની નજર મંડાઈ છે.
