પેટ્રોલ-ડીઝલ ફરી મોંઘું થવાની આશંકા, ક્રૂડ ઓઇલ 150 ડોલર સુધી પહોંચે તેવી ચેતવણી

Spread the love

અમેરિકા-ઈરાન તણાવ વધતાં વૈશ્વિક ઓઇલ સપ્લાય પર સંકટ, શેરબજાર અને અર્થતંત્ર પર પણ પડી શકે મોટી અસર

એસ.વી.એન. નવી દિલ્હી

અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે વૈશ્વિક ઊર્જા બજારમાં ફરી એકવાર અનિશ્ચિતતા સર્જાઈ છે. એનર્જી રિસર્ચ ફર્મ ‘રિસ્ટાડ એનર્જી’ના અહેવાલ મુજબ જો બંને દેશો વચ્ચેનો વિવાદ વધુ ઉગ્ર બનશે અથવા યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થશે તો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ 150 ડોલર સુધી પહોંચી શકે છે. આવી સ્થિતિ સર્જાય તો ભારત સહિત વિશ્વભરના દેશોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થવાની શક્યતા છે.

ઓઇલ સપ્લાય પર સૌથી મોટું સંકટ

અહેવાલ અનુસાર મધ્યપૂર્વમાં વધેલા સંઘર્ષને કારણે ખાડી ક્ષેત્રના છ મુખ્ય તેલ ઉત્પાદક દેશોનું આશરે 11.8 મિલિયન બેરલ પ્રતિ દિવસનું ઉત્પાદન પ્રભાવિત થયું છે. ઊર્જા બજારના આધુનિક ઇતિહાસમાં આ પ્રકારની સપ્લાય કટોકટી સૌથી ગંભીર માનવામાં આવી રહી છે. નિષ્ણાતોનું કહેવું છે કે જો ટૂંક સમયમાં રાજદ્વારી ઉકેલ નહીં આવે તો વૈશ્વિક બજારમાં વધુ અસ્થિરતા જોવા મળી શકે છે.

એક અબજ બેરલ સપ્લાય બજારમાંથી ગાયબ

માત્ર ત્રણ મહિનાના ગાળામાં વૈશ્વિક બજારમાંથી અંદાજે એક અબજ બેરલ ક્રૂડ ઓઇલનો પુરવઠો ઘટી ગયો હોવાનું અહેવાલમાં જણાવાયું છે. આ જથ્થો અમેરિકાના વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડાર કરતાં પણ ઘણો વધારે છે. ચીનની ઘટતી આયાત અને સાઉદી અરેબિયાના વૈકલ્પિક નિકાસ માર્ગો દ્વારા કેટલીક હદે સ્થિતિને નિયંત્રિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, પરંતુ લાંબા ગાળે તે પૂરતું સાબિત ન થઈ શકે.

શેરબજાર અને અર્થતંત્ર પર અસર

ક્રૂડ ઓઇલના ભાવમાં તેજી આવતા વિશ્વભરના શેરબજારોમાં દબાણ જોવા મળ્યું છે. ઊર્જા ખર્ચ વધવાથી ઉત્પાદન અને પરિવહન ખર્ચમાં વધારો થાય છે, જેના કારણે મોંઘવારી વધવાની શક્યતા રહે છે. આ સ્થિતિ વૈશ્વિક અર્થતંત્રની વૃદ્ધિ પર પણ નકારાત્મક અસર કરી શકે છે.

બ્રેન્ટ અને WTI ક્રૂડમાં ઉછાળો

ગુરુવારે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ 2 ટકાથી વધુ વધીને પ્રતિ બેરલ 95 ડોલરની આસપાસ પહોંચી ગયા હતા. બીજી તરફ અમેરિકન બેન્ચમાર્ક WTI ક્રૂડમાં લગભગ 4 ટકાનો ઉછાળો નોંધાયો હતો અને તે 93.64 ડોલર પ્રતિ બેરલના સ્તરે ટ્રેડ થઈ રહ્યું હતું. વિશ્લેષકોના મતે જો અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીત નિષ્ફળ જશે તો આગામી દિવસોમાં ક્રૂડ ઓઇલ વધુ મોંઘું બની શકે છે, જેના પરિણામે સામાન્ય નાગરિકોના બજેટ પર સીધી અસર પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *