રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ સહિત મહાનુભાવોએ વિકાસ પ્રકલ્પોનું અવલોકન કર્યું, યુવાનોને વિકસિત ભારત@2047ના નિર્માણમાં સહભાગી બનવા આહ્વાન
એસવીએન, એકતા નગર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે નર્મદા જિલ્લામાં ‘પ્રગતિપથ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. વિકાસલક્ષી કાર્યો અને લોકભાગીદારી આધારિત વિકાસ મોડેલને નજીકથી સમજવાના હેતુથી આયોજિત આ યાત્રામાં રાજ્યમંત્રી તથા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખ સહિતના મહાનુભાવોએ સરદાર સરોવર ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના વિવિધ વિકાસ પ્રકલ્પોની મુલાકાત લીધી હતી.
સરદાર સરોવર ડેમની કાર્યપ્રણાલી અંગે માહિતી મેળવી
પ્રગતિપથ યાત્રા અંતર્ગત મહાનુભાવો સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઇલેક્ટ્રિક બસ મારફતે સરદાર સરોવર નર્મદા ડેમ પહોંચ્યા હતા. અહીં તેમણે ડેમની જળસંગ્રહ ક્ષમતા, પીવાના પાણી અને સિંચાઈ માટેની તેની ઉપયોગિતા તેમજ નર્મદા યોજનાના રાજ્ય અને દેશના વિકાસમાં રહેલા મહત્વ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી.
અધિકારીઓએ ડેમના સંચાલન, જળવ્યવસ્થાપન અને પ્રદેશના આર્થિક તથા સામાજિક વિકાસમાં તેની ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલને પુષ્પાંજલિ
ત્યારબાદ મહાનુભાવો વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરાએ તેમનું સ્વાગત કર્યું હતું. રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરીને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે તેમના યોગદાનને યાદ કર્યું હતું.
વિકાસ અને પ્રવાસન પ્રકલ્પોનું અવલોકન
યાત્રા દરમિયાન મહાનુભાવોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર ડેમ, બોન્સાઈ ગાર્ડન સહિત એકતા નગર ખાતે વિકસાવવામાં આવેલા વિવિધ પ્રવાસન અને વિકાસ પ્રકલ્પોની મુલાકાત લીધી હતી. સમગ્ર યાત્રા દરમિયાન તમામ મહાનુભાવોએ પર્યાવરણમૈત્રી ઇલેક્ટ્રિક બસ દ્વારા મુસાફરી કરી હતી.
યુવાનોને રાષ્ટ્ર નિર્માણમાં જોડાવા આહ્વાન
પ્રગતિપથ યાત્રા દરમિયાન રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે રેડિયો યુનિટી 90 FM મારફતે જનસંદેશ આપતા કેન્દ્ર સરકારના 12 વર્ષ દરમિયાન થયેલા વિકાસ કાર્યોની માહિતી આપી હતી. તેમણે દેશના યુવાનોને વિકસિત ભારત@2047ના સંકલ્પને સાકાર કરવા માટે સક્રિય સહભાગી બનવા, આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યોગદાન આપવા અને રાષ્ટ્ર વિકાસમાં પોતાની જવાબદારી નિભાવવા અપીલ કરી હતી.
વહીવટી તંત્રના અધિકારીઓ રહ્યા ઉપસ્થિત
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ગંગા સિંઘ, જિલ્લા વિકાસ અધિકારી આર.વી. વાળા, સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર ગોપાલ બામણિયા, નાયબ કલેક્ટર પ્રિતેશ પટેલ અને અભિષેક સિન્હા સહિત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રગતિપથ યાત્રા દ્વારા વિકાસના વિવિધ આયામોને નજીકથી સમજવાની અને જનજાગૃતિ વધારવાની મહત્વપૂર્ણ તક મળી હોવાનું મહાનુભાવોએ જણાવ્યું હતું.
