લખનૌના કોચિંગ સેન્ટરમાં ભીષણ આગ: 14 વિદ્યાર્થીઓનાં મોત

Spread the love

“મેં મારી આંખે 14 મૃતદેહ જોયા છે”, કહેતા કહેતા રડી પડ્યા બ્રજેશ પાઠક

લખનૌ

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના અલીગંજ વિસ્તારમાં આવેલી એક ઇમારતમાં સોમવારે બપોરે ભીષણ આગ લાગતા 14 વિદ્યાર્થીઓનાં મોત થયાં હોવાની માહિતી સામે આવી છે. આગ જે ઇમારતમાં લાગી હતી તેમાં એનિમેશન કોચિંગ સેન્ટર ચાલતું હતું. ઘટનાને લઈને સમગ્ર રાજ્યમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

આગ લાગતા વિદ્યાર્થીઓમાં નાસભાગ

પ્રાથમિક માહિતી અનુસાર કોચિંગ સેન્ટરમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ વચ્ચે આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. આગની જ્વાળાઓ અને ગાઢ ધુમાડાના કારણે વિદ્યાર્થીઓ બચવા માટે ઇમારતના પાછળના ભાગ તરફ દોડ્યા હતા. જોકે ત્યાં ધુમાડો એટલો વધી ગયો કે અનેક વિદ્યાર્થીઓ બહાર નીકળી શક્યા નહોતા. મૃતકોમાં મોટાભાગે 15થી 17 વર્ષની વયના વિદ્યાર્થીઓ હોવાનું જણાવવામાં આવ્યું છે.

બચાવ કામગીરીમાં ફાયર બ્રિગેડ અને એનડીઆરએફ

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, પોલીસ અને એનડીઆરએફની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ધુમાડો ખૂબ જ વધુ હોવાથી બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલી પડી હતી. ઇમારતની અંદર પહોંચવા માટે કેટલાક ભાગોમાં દિવાલ તોડવાની પણ જરૂર પડી હતી. હાલમાં પણ ઇમારતના દરેક રૂમ અને ખૂણાની તપાસ કરવામાં આવી રહી છે.

બ્રજેશ પાઠક માહિતી આપતાં રડી પડ્યા

ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ ઉત્તર પ્રદેશના ઉપમુખમંત્રી બ્રજેશ પાઠક મીડિયા સમક્ષ માહિતી આપતાં ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. તેમણે જણાવ્યું કે, “અંદર ધુમાડો જ ધુમાડો છે. એક-એક સામાન હટાવીને તપાસ કરવામાં આવી રહી છે. મેં મારી આંખે 14 મૃતદેહ જોયા છે. આ અત્યંત દુઃખદ ઘટના છે.”

તેમણે વધુમાં જણાવ્યું કે ઉનાળાની રજાઓને કારણે મોટી સંખ્યામાં બાળકો એનિમેશન શીખવા માટે અહીં આવતા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.

ઘાયલોની સારવાર શરૂ

અગ્નિકાંડમાં ઘાયલ થયેલા તમામ લોકોને કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી (કેજીએમયુ)ના ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તબીબોની ટીમ તેમની સારવારમાં વ્યસ્ત છે.

ઉચ્ચસ્તરીય તપાસના આદેશ

બિલ્ડિંગ માલિક સામે કાર્યવાહી અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં બ્રજેશ પાઠકે જણાવ્યું કે હાલ પ્રાથમિકતા બાળકોને બચાવવાની છે. રાજ્ય સરકારે ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપી દીધા છે. ગૃહ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ તથા ડીજીપીને પણ સ્થળ પર બોલાવવામાં આવ્યા છે અને ઘટનાની જવાબદારી નક્કી કરીને કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *