મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય, શારીરિક કસોટીમાંથી મુક્તિ અને વયમર્યાદામાં છૂટછાટ પણ મળશે
ગાંધીનગર:
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્એદ્ર પટેલે પૂર્વ અગ્નિવીરોના ભવિષ્યને વધુ સુરક્ષિત બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં વર્ગ-3 સંવર્ગની સીધી ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 20 ટકા અનામત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ તેમને શારીરિક ક્ષમતા કસોટીમાંથી મુક્તિ અને નિયત ઉપલી વય મર્યાદામાં છૂટછાટનો લાભ પણ આપવામાં આવશે.
ભરતીમાં મળશે વિશેષ અનામત
રાજ્ય પોલીસ દળના હથિયારી વિભાગ, એસઆરપી, જેલ વિભાગ તેમજ વન અને પર્યાવરણ વિભાગ હેઠળની વિવિધ વર્ગ-3ની સીધી ભરતીમાં પૂર્વ અગ્નિવીરો માટે 20 ટકા અનામત રાખવામાં આવશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી અગ્નિવીર તરીકે દેશસેવા પૂર્ણ કરનારા યુવાનોને સરકારી નોકરી મેળવવામાં મહત્વપૂર્ણ તક મળશે.
શારીરિક કસોટીમાંથી મુક્તિ
મુખ્યમંત્રીના નિર્ણય મુજબ, ભરતી પ્રક્રિયામાં પૂર્વ અગ્નિવીરોને શારીરિક ક્ષમતા કસોટી (ફિઝિકલ ટેસ્ટ)માંથી મુક્તિ આપવામાં આવશે. સશસ્ત્ર દળોમાં સેવા દરમિયાન તેઓ જરૂરી શારીરિક માપદંડો પૂર્ણ કરી ચૂક્યા હોવાથી આ રાહત આપવામાં આવી છે.
વયમર્યાદામાં પણ રાહત
પૂર્વ અગ્નિવીરોને સીધી ભરતી માટે નિયત ઉપલી વય મર્યાદામાં ત્રણ વર્ષ સુધીની છૂટછાટ આપવામાં આવશે. જ્યારે અગ્નિવીર યોજનાની પ્રથમ બેચના સભ્યોને પાંચ વર્ષ સુધીની વયમર્યાદા રાહત આપવાના પણ મુખ્યમંત્રીએ દિશાનિર્દેશ આપ્યા છે.
કયા પદો માટે મળશે લાભ?
આ નિર્ણયનો લાભ હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, એસઆરપીના પ્લાટૂન કમાન્ડર અને પોલીસ કોન્સ્ટેબલની ભરતીમાં મળશે. ઉપરાંત જેલ વિભાગના જેલર ગ્રુપ-2 અને જેલ સિપાઈ તેમજ વન અને પર્યાવરણ વિભાગના વનરક્ષક વર્ગ-3 અને વન પાલ વર્ગ-3 સંવર્ગોની ભરતીમાં પણ પૂર્વ અગ્નિવીરોને અનામત અને અન્ય રાહતોનો લાભ મળશે.
યુવાનો માટે નવી તકો
રાજ્ય સરકારના આ નિર્ણયથી અગ્નિવીર યોજના હેઠળ સેવા પૂર્ણ કરનારા યુવાનો માટે સરકારી ક્ષેત્રમાં રોજગારીની નવી તકો ઊભી થશે. સાથે જ તેમના અનુભવ અને શિસ્તનો લાભ રાજ્યના સુરક્ષા અને વહીવટી તંત્રને પણ મળશે. પૂર્વ અગ્નિવીરોના પુનર્વસન અને કારકિર્દી વિકાસ માટે આ નિર્ણય મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
