એવીસી મેન્સ કપ 2026 : કઝાકિસ્તાન અને થાઈલેન્ડની જીત, ચાઇનીઝ તાઇપેઈ સામે ભારતની કસોટી

Spread the love

અમદાવાદમાં વોલીબોલનો રોમાંચ યથાવત્; પૂલ-એમાં ભારત ટોચ પર, પૂલ-બીમાં થાઈલેન્ડ અગ્રેસર

અમદાવાદ

અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહેલી એવીસી મેન્સ કપ 2026 વોલીબોલ સ્પર્ધામાં રવિવારે રમાયેલી મેચોમાં કઝાકિસ્તાન અને થાઈલેન્ડે મહત્વપૂર્ણ જીત નોંધાવી હતી. બીજી તરફ યજમાન ભારત આજે રાત્રે ચાઇનીઝ તાઇપેઈ સામે મેદાનમાં ઉતરશે. પૂલ-એમાં ભારત હાલમાં છ પોઇન્ટ સાથે ટોચના સ્થાને છે.

કઝાકિસ્તાનની શાનદાર વાપસી

પૂલ-એની મેચમાં કઝાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જબરદસ્ત સંઘર્ષ જોવા મળ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બે સેટ 25-15 અને 25-21થી જીતીને 2-0ની લીડ મેળવી હતી. જોકે ત્યારબાદ કઝાકિસ્તાને જોરદાર વાપસી કરતાં ત્રીજો સેટ 25-23, ચોથો સેટ 26-24 અને નિર્ણાયક પાંચમો સેટ 16-14થી જીતી 3-2થી યાદગાર વિજય મેળવ્યો હતો.

થાઈલેન્ડે ઓમાનને હરાવ્યું

પૂલ-બીની બીજી મેચમાં થાઈલેન્ડે ઓમાનને 3-1થી પરાજય આપ્યો હતો. ઓમાને પ્રથમ સેટ 25-17થી જીતી સારી શરૂઆત કરી હતી, પરંતુ ત્યારબાદ થાઈલેન્ડે સતત ત્રણ સેટ 25-15, 25-18 અને 25-20થી જીતી મેચ પોતાના નામે કરી હતી. આ જીત સાથે થાઈલેન્ડે પોઇન્ટ ટેબલમાં પોતાનું પ્રથમ સ્થાન વધુ મજબૂત બનાવ્યું છે.

આજે બે મહત્વપૂર્ણ મુકાબલા

સ્પર્ધામાં આજે સાંજે 6 વાગ્યે કતાર અને ઇન્ડોનેશિયા વચ્ચે પૂલ-બીની મેચ રમાશે. ત્યારબાદ રાત્રે 9 વાગ્યે યજમાન ભારત અને ચાઇનીઝ તાઇપેઈ વચ્ચે મહત્વપૂર્ણ મુકાબલો યોજાશે. ભારતે પોતાની અગાઉની બંને મેચ જીતી હોવાથી ટીમ આત્મવિશ્વાસથી ભરપૂર છે.

પોઇન્ટ ટેબલની સ્થિતિ

પૂલ-એમાં ભારત અને બહેરીન બંનેના 6-6 પોઇન્ટ છે, પરંતુ સેટ રેશિયોના આધારે ભારત પ્રથમ સ્થાને છે. ચાઇનીઝ તાઇપેઈ ત્રણ પોઇન્ટ સાથે ત્રીજા અને કઝાકિસ્તાન બે પોઇન્ટ સાથે ચોથા ક્રમે છે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ અનુક્રમે પાંચમા અને છઠ્ઠા સ્થાને છે.

પૂલ-બીમાં થાઈલેન્ડ પાંચ પોઇન્ટ સાથે અગ્રેસર છે. કતાર અને કોરિયા ચાર-ચાર પોઇન્ટ સાથે બીજા અને ત્રીજા સ્થાને છે, જ્યારે ઓમાન બે પોઇન્ટ સાથે ચોથા ક્રમે છે. ઇન્ડોનેશિયા હજુ પોતાનું ખાતું ખોલી શક્યું નથી.

અમદાવાદમાં ચાલી રહેલી આ પ્રતિષ્ઠિત એશિયન સ્પર્ધામાં હવે દરેક મેચ સાથે નોકઆઉટ રાઉન્ડની સ્પર્ધા વધુ રસપ્રદ બની રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *