ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપ 2025-26માં ગુજરાતની ટીમનો શાનદાર દેખાવ, મિલત એફસીને 10-1થી હરાવ્યું

ભાવનગર
ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા ભાવનગર ખાતે આયોજિત ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપ 2025-26માં પ્રોગ્રેસિવ એસએ (ગુજરાત)ની ટીમે શાનદાર પ્રદર્શન કરતાં ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. ટુર્નામેન્ટના મુકાબલા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) ભાવનગરના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રમાઈ રહ્યા છે.
ગુજરાતની ટીમનો ધમાકેદાર વિજય
આજના ત્રીજા મુકાબલામાં પ્રોગ્રેસિવ એસએ (ગુજરાત)એ મિલત એફસી (મહારાષ્ટ્ર)ને એકતરફી મુકાબલામાં 10-1થી હરાવી શાનદાર જીત મેળવી હતી. ગુજરાત તરફથી નિખિલ મલી અને લાલસાપૂનીયાએ ચાર-ચાર ગોલ ફટકાર્યા હતા. જ્યારે ચૈતન કોમરપાન્ત અને સેયઓન ડિસોઝાએ એક-એક ગોલ નોંધાવ્યો હતો.
આ વિજય સાથે ગ્રુપ-Bમાંથી પ્રોગ્રેસિવ એસએ (ગુજરાત) અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ગોલ હંટર્સ (દિલ્હી)એ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે.
ગ્રુપ-Aમાં કોર્બેટ એફસી અને બિલ્ડ અપ સ્પોર્ટ્સ આગળ
આજના પ્રથમ મુકાબલામાં કોર્બેટ એફસી (ઉત્તરાખંડ)એ પોંડા ફૂટબોલર (ગોવા)ને 6-1થી હરાવી શાનદાર જીત મેળવી હતી. ગ્રુપ-Aમાંથી કોર્બેટ એફસી અને બિલ્ડ અપ સ્પોર્ટ્સ (મધ્ય પ્રદેશ) ક્વાર્ટર ફાઇનલ માટે ક્વોલિફાઇ થયા છે, જ્યારે પોંડા ફૂટબોલર ત્રીજા સ્થાને રહ્યું છે.
મિનરવા અને ગોલ હંટર્સ વચ્ચે રોમાંચક ડ્રો
બીજા મુકાબલામાં મિનરવા એકેડેમી (પંજાબ) અને ગોલ હંટર્સ (દિલ્હી – ડિફેન્ડિંગ ચેમ્પિયન) વચ્ચેનો મુકાબલો 5-5થી ડ્રોમાં સમાપ્ત થયો હતો.
ક્વાર્ટર ફાઇનલની રેસમાં 13 ટીમો
આ ચેમ્પિયનશીપમાં 13 ટીમોને ચાર ગ્રુપ-A, B, C અને Dમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપની ટોચની બે ટીમો ક્વાર્ટર ફાઇનલ માટે ક્વોલિફાઇ કરશે.
આવતીકાલના મુકાબલા
આવતીકાલે બે મહત્વપૂર્ણ મેચ રમાશે. પ્રથમ મુકાબલો ત્લંગ્નુયમ એફસી (મિઝોરમ) અને કોરમંડલ એફસી (આંધ્ર પ્રદેશ) વચ્ચે યોજાશે. જ્યારે બીજા મુકાબલામાં યંગ હાર્ટ્સ એફસી (દાદરા નગર હવેલી, દમણ-દીવ) અને સાઉથ કોસ્ટલ યુનાઇટેડ એફસી (કર્ણાટક) સામસામે ટકરાશે.
આ મેચોના પરિણામ બાદ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનારી બાકીની ટીમો નક્કી થશે.
