નવી ગાડીઓ માટે દર વર્ષે પ્રદૂષણ ચકાસણીની ઝંઝટ ઘટશે, જૂની ગાડીઓ માટે નિયમો વધુ કડક બનશે

નવી દિલ્હી
વાહન માલિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. દિલ્હીમાં BS-VI ધોરણની ખાનગી ગાડીઓ માટે ‘પોલ્યુશન અન્ડર કન્ટ્રોલ સર્ટિફિકેટ’ (PUC)ની માન્યતા વધારવાની યોજના પર કામ ચાલી રહ્યું છે. પ્રસ્તાવ મુજબ છ વર્ષ સુધી જૂની BS-VI ખાનગી ગાડીઓ માટે PUC પ્રમાણપત્રની માન્યતા એક વર્ષના બદલે ત્રણ વર્ષ કરવામાં આવી શકે છે. આ ફેરફાર અમલમાં આવ્યા બાદ લાખો વાહન માલિકોને દર વર્ષે પ્રમાણપત્ર રિન્યૂ કરાવવાની જરૂર નહીં રહે.
PUCC 3.0 હેઠળ નવા નિયમોની તૈયારી
સરકાર ‘PUCC 3.0’ નામની નવી વ્યવસ્થા અમલમાં મૂકવાની તૈયારી કરી રહી છે. આ યોજના હેઠળ વાહનોના પ્રદૂષણ સ્તર અને તેમની ઉંમરને ધ્યાનમાં રાખીને PUCની માન્યતા નક્કી કરવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર BS-VI વાહનો જૂના મોડલની સરખામણીએ ઘણું ઓછું પ્રદૂષણ ફેલાવતા હોવાથી તેમના માટે રાહતભર્યા નિયમો બનાવવામાં આવી રહ્યા છે.
જૂની ગાડીઓ માટે કડક નિયમો
પ્રસ્તાવ અનુસાર છથી દસ વર્ષ જૂની BS-VI ગાડીઓ માટે PUC દર વર્ષે રિન્યૂ કરાવવું પડશે, જ્યારે દસ વર્ષથી વધુ જૂની ગાડીઓ માટે દર છ મહિને ચકાસણી ફરજિયાત બની શકે છે. બીજી તરફ માર્ચ 2020 પહેલાં બનેલી BS-IV ગાડીઓ માટે પણ દર છ મહિને PUC રિન્યૂ કરવાની જોગવાઈ લાવવાનો વિચાર ચાલી રહ્યો છે. BS-Iથી BS-III વાહનો માટે તો આ સમયગાળો ત્રણ મહિના સુધી ઘટાડવાની ભલામણ કરવામાં આવી છે.
કમર્શિયલ વાહનો માટે અલગ જોગવાઈ
BS-VI કમર્શિયલ વાહનો માટે પણ અલગ નિયમોનો પ્રસ્તાવ છે. છ વર્ષ સુધી જૂના કમર્શિયલ વાહનો માટે PUCની માન્યતા બે વર્ષ રાખવામાં આવી શકે છે. ત્યારબાદ તેમના માટે ખાનગી વાહનો જેવા જ નિયમો લાગુ પડશે.
શું છે PUC પ્રમાણપત્ર?
PUC એટલે ‘પોલ્યુશન અન્ડર કન્ટ્રોલ’ પ્રમાણપત્ર, જે દર્શાવે છે કે વાહનમાંથી નીકળતો ધુમાડો સરકાર દ્વારા નક્કી કરાયેલા પર્યાવરણીય ધોરણો મુજબ છે કે નહીં. વાહનના સાયલેન્સરમાંથી નીકળતી કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોકાર્બન જેવી હાનિકારક વાયુઓનું પરીક્ષણ કરવામાં આવે છે.
નિયમ ભંગ પર ભારે દંડ
માન્ય PUC પ્રમાણપત્ર વગર વાહન ચલાવતાં ઝડપાય તો ₹10,000 સુધીનો દંડ અથવા ત્રણ મહિનાની જેલની સજા થઈ શકે છે. દિલ્હી જેવા શહેરોમાં “નો PUC, નો ફ્યુઅલ” નિયમ હેઠળ પેટ્રોલ પંપ પર ઇંધણ આપવાનો પણ ઇનકાર થઈ શકે છે. નવી વ્યવસ્થાનો મુખ્ય હેતુ સ્વચ્છ વાહનોને પ્રોત્સાહન આપવાનો અને વધુ પ્રદૂષણ ફેલાવતાં જૂના વાહનોના ઉપયોગને ઘટાડવાનો છે.
