ફિફા વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બન્યો લિયોનેલ મેસી

Spread the love

ઓસ્ટ્રિયા સામે બે ગોલ ફટકારી રચ્યો નવો ઇતિહાસ, વર્લ્ડ કપના સર્વકાલીન મહાન ગોલસ્કોરરની યાદીમાં ટોચે પહોંચ્યો

નવી દિલ્હી:

ફિફા વર્લ્ડ કપ-2026 દરમિયાન અર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ વધુ એક ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે નોંધાવી છે. ઓસ્ટ્રિયા સામેની મેચમાં બે ગોલ નોંધાવી મેસી વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બની ગયા છે. તેમના નામે હવે 28 મેચમાં કુલ 18 ગોલ નોંધાયા છે. આ સાથે તેમણે જર્મનીના પૂર્વ સ્ટ્રાઇકર મિરોસ્લાવ ક્લોસનો લાંબા સમયથી અખંડ રહેલો રેકોર્ડ પાછળ છોડી દીધો છે.

છઠ્ઠા વર્લ્ડ કપમાં પણ મેસીનો જાદુ યથાવત

મેસીએ 2006માં પોતાના પ્રથમ વર્લ્ડ કપમાં એક ગોલ નોંધાવ્યો હતો. 2010માં તેઓ ગોલ કરવામાં નિષ્ફળ રહ્યા હતા, પરંતુ 2014માં ચાર ગોલ કરીને અર્જેન્ટિનાને ફાઇનલ સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 2018માં એક અને 2022માં સાત ગોલ સાથે તેમણે પોતાની ટીમને વિશ્વ ચેમ્પિયન બનાવવામાં યોગદાન આપ્યું હતું. હાલ ચાલી રહેલા 2026ના વર્લ્ડ કપમાં પણ મેસી શાનદાર ફોર્મમાં છે અને અત્યાર સુધી પાંચ ગોલ કરી ચૂક્યા છે.

ક્લોઝનો રેકોર્ડ તૂટ્યો

જર્મનીના મહાન સ્ટ્રાઇકર મિરોસ્લાવ ક્લોઝે 24 મેચમાં 16 ગોલ નોંધાવી લાંબા સમય સુધી વર્લ્ડ કપના સર્વોચ્ચ ગોલસ્કોરર તરીકે સ્થાન જાળવી રાખ્યું હતું. 2002 અને 2006ના વર્લ્ડ કપમાં તેમણે પાંચ-પાંચ ગોલ નોંધાવ્યા હતા. તેમની સતત સફળતાને કારણે તેઓ વિશ્વ ફૂટબોલના શ્રેષ્ઠ સ્ટ્રાઇકરોમાં ગણાય છે.

એમ્બાપ્પે ભવિષ્યના દાવેદાર

ફ્રાન્સના સ્ટાર ફોરવર્ડ કેલિયન મબ્બાપેએ માત્ર 16 મેચમાં 16 ગોલ નોંધાવી પોતાની આગવી ઓળખ બનાવી છે. તેમની ગોલ પ્રતિ મેચની સરેરાશ આ યાદીમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. વર્તમાન ફોર્મને જોતા તેઓ ભવિષ્યમાં આ રેકોર્ડ પોતાના નામે કરી શકે તેવી સંભાવના છે.

રોનાલ્ડો અને મુલર પણ યાદીમાં

બ્રાઝિલના દિગ્ગજ રોનાલ્ડોએ 19 મેચમાં 15 ગોલ નોંધાવ્યા હતા, જ્યારે જર્મનીના મહાન સ્ટ્રાઇકર ગ્રેડ મુલરએ માત્ર 13 મેચમાં 14 ગોલ ફટકારી વિશ્વ ફૂટબોલમાં પોતાનું અમીટ સ્થાન બનાવ્યું હતું. મેસીના નવા રેકોર્ડ સાથે વર્લ્ડ કપના ઇતિહાસમાં એક વધુ સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *