27 કરોડથી 15 કરોડ પર પહોંચ્યો પંત, જ્યારે વૈભવ સૂર્યવંશી બન્યો સૌથી ‘અન્ડરપ્રાઇસ’ ખેલાડી
નવી દિલ્હી:
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ઋષભ પંતની દિલ્હી કેપિટલ્સમાં વાપસી માત્ર એક મોટા ટ્રાન્સફર તરીકે જ નહીં, પરંતુ ખેલાડીઓના મૂલ્યાંકનમાં આવી રહેલા બદલાવના સંકેત તરીકે પણ જોવામાં આવી રહી છે. લક્નૌ સુપર જાયન્ટ્સે IPL 2025ની હરાજીમાં પંતને રેકોર્ડ 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ હવે તે દિલ્હી કેપિટલ્સમાં 15 કરોડ રૂપિયામાં પરત ફર્યો છે. એટલે કે તેની કિંમતમાં સીધો 12 કરોડ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.
પ્રદર્શન આધારિત મૂલ્યાંકન તરફ IPL
ક્રિકેટ નિષ્ણાતોનું માનવું છે કે આ સોદો દર્શાવે છે કે હવે IPL ફ્રેન્ચાઇઝીઓ માત્ર ખેલાડીના નામ કે લોકપ્રિયતા કરતાં તેના વાસ્તવિક પ્રદર્શનને વધુ મહત્વ આપી રહી છે. ઋષભ પંત ભારતીય ક્રિકેટના મોટા સ્ટાર, વિકેટકીપર અને અનુભવી કેપ્ટન હોવા છતાં તેમની કિંમતમાં થયેલો ઘટાડો બજારમાં આવેલા ‘કરેક્શન’નું ઉદાહરણ માનવામાં આવે છે.
પંતનું પ્રદર્શન અપેક્ષા મુજબ નહોતું
IPL 2026 દરમિયાન પંતે 14 મેચમાં 312 રન બનાવ્યા હતા અને તેનો સ્ટ્રાઈક રેટ 138.05 રહ્યો હતો. આ આંકડા સારા ગણાય, પરંતુ 27 કરોડ રૂપિયાના ખેલાડી પાસેથી જે પ્રકારની મેચ વિનિંગ અસરની અપેક્ષા રાખવામાં આવે છે તે મુજબનું પ્રદર્શન માનવામાં આવ્યું નથી. તેથી 15 કરોડ રૂપિયાનું નવું મૂલ્યાંકન વધુ વાસ્તવિક ગણાઈ રહ્યું છે.
વૈભવ સૂર્યવંશી સાથે ‘ન્યાય’ થયો?
જ્યાં પંતની કિંમતમાં ઘટાડો થયો છે, ત્યાં રાજસ્થાન રોયલ્સના યુવા બેટર વૈભવ સૂર્યવંશીના કિસ્સામાં વિપરીત સ્થિતિ જોવા મળી છે. રાજસ્થાને તેમને માત્ર 1.10 કરોડ રૂપિયામાં જાળવી રાખ્યો હતો, પરંતુ તેમણે IPL 2026માં 16 મેચમાં 776 રન ફટકાર્યા હતા. તેનો સરેરાશ 48.50 અને સ્ટ્રાઈક રેટ 237થી વધુ રહ્યો હતો. આ દરમિયાન તેણે એક સદી, પાંચ અડધી સદી અને 72 છગ્ગા ફટકાર્યા હતા.
આગામી હરાજીમાં વધી શકે કિંમત
વૈભવ સૂર્યવંશીના ધમાકેદાર પ્રદર્શનને ધ્યાનમાં લેતા ક્રિકેટ વર્તુળોમાં ચર્ચા છે કે તેઓ IPL ઇતિહાસના સૌથી ‘વેલ્યુ ફોર મની’ ખેલાડીઓમાં સામેલ થયા છે. નિષ્ણાતોનું માનવું છે કે આગામી હરાજી અથવા કરાર પ્રક્રિયામાં તેમની કિંમતમાં મોટો વધારો જોવા મળી શકે છે. બીજી તરફ, ઋષભ પંતનો કિસ્સો દર્શાવે છે કે IPL હવે વધુ પ્રદર્શન આધારિત બજાર તરફ આગળ વધી રહી છે.
