આર્યવીર ચોખાની, પ્રથમ પટેલ, મન દેવાની અને નિખિલ રૉય જુનિયર વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

અમદાવાદ
ગુજરાત ડાર્ટ્સ સ્પોર્ટ્સ કાઉન્સિલના આયોજન હેઠળ અમદાવાદની કર્ણાવતી ક્લબ ખાતે યોજાયેલી જેડીસી-વર્લ્ડ કપ ઓફ ડાર્ટ્સ (ઈન્ડિયા ક્વોલિફાયર) સ્પર્ધાનું સફળ સમાપન થયું છે. ત્રણ દિવસ સુધી ચાલેલી સ્પર્ધાના અંતે 70 ખેલાડીઓમાંથી ચાર શ્રેષ્ઠ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે, જે યુરોપના જીબ્રાલ્ટર ખાતે યોજાનાર જુનિયર વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. પસંદગી પામેલા ખેલાડીઓમાં આર્યવીર ચોખાની, પ્રથમ પટેલ, મન દેવાની અને નિખિલ રૉયનો સમાવેશ થાય છે.
આર્યવીરનો સર્વાંગી દબદબો
સ્પર્ધામાં ટોપ સીડ ખેલાડી આર્યવીર ચોખાનીએ શાનદાર રમતનું પ્રદર્શન કરતાં તમામ ત્રણેય ટૂર ઈવેન્ટ્સમાં ખિતાબ જીતી પોતાનો દબદબો સાબિત કર્યો હતો. સતત ત્રણ વિજય સાથે તેણે સમગ્ર ક્વોલિફાયરમાં સૌથી સફળ ખેલાડી તરીકે સ્થાન મેળવ્યું. ખાસ વાત એ છે કે ગત વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા ચારેય ખેલાડીઓએ ફરી એકવાર પસંદગી મેળવી છે.
ટૂર-2 અને ટૂર-3માં પણ વિજયી સફર
ટૂર-2 ઈવેન્ટની ફાઈનલમાં આર્યવીર ચોખાનીએ સુરતના પ્રથમ પટેલને એકતરફી મુકાબલામાં 4-0થી હરાવ્યો હતો. આ ઈવેન્ટમાં નક્ષ રૉય અને સિદ્ધાર્થ જૈન સેમિફાઈનલ સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા.
જ્યારે ટૂર-3 ઈવેન્ટની ફાઈનલમાં આર્યવીરે મન દેવાનીને 4-1થી પરાજય આપીને વધુ એક ખિતાબ પોતાના નામે કર્યો હતો. આ ઈવેન્ટની સેમિફાઈનલમાં પ્રથમ પટેલ અને નિખિલ રૉયે સ્થાન મેળવ્યું હતું.
પ્રથમ પટેલનું પણ નોંધપાત્ર પ્રદર્શન
સુરતના પ્રથમ પટેલે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન સતત સારું પ્રદર્શન કર્યું હતું. તેણે બે અલગ-અલગ ઈવેન્ટ્સની ફાઈનલમાં સ્થાન મેળવી પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો. મન દેવાની અને નિખિલ રૉયે પણ સ્થિર પ્રદર્શનના આધારે વર્લ્ડ કપ માટેની ટિકિટ સુનિશ્ચિત કરી હતી.
હવે નજર એશિયન ચેમ્પિયનશિપ ક્વોલિફાયર પર
જુનિયર વર્લ્ડ કપ ક્વોલિફાયર પૂર્ણ થયા બાદ હવે ખેલાડીઓની નજર આગામી મહત્વપૂર્ણ સ્પર્ધાઓ પર છે. શુક્રવારે સિનિયર નેશનલ રેન્કિંગ ટુર્નામેન્ટ યોજાશે, જ્યારે શનિવાર અને રવિવારે પીડીસી એશિયન ચેમ્પિયનશિપ-2026 (ઈન્ડિયા ક્વોલિફાયર)નું આયોજન થશે.
આ સ્પર્ધામાં 16 વર્ષથી વધુ વયના ખેલાડીઓ ભાગ લઈ શકશે. ક્વોલિફાયરમાં વિજેતા બનનાર એક ખેલાડીને ચીનમાં યોજાનારી એશિયન ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળશે. આયોજકોના જણાવ્યા અનુસાર એશિયન ચેમ્પિયનશિપ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પ્રવેશ મેળવવા માટેનું મહત્વપૂર્ણ મંચ સાબિત થશે.
