8 શહેરોની ફ્રેન્ચાઇઝી ટીમો વચ્ચે થશે ટક્કર, 20 લાખના રોકાણ સાથે ફ્રેન્ચાઈઝી ખરીદી શકાશે
અમદાવાદ
ગુજરાતમાં કબડ્ડી રમતને વ્યાવસાયિક સ્તરે નવી ઓળખ અપાવવા માટે ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિએશન (GSKA)ની દેખરેખ હેઠળ ગુજરાત કબડ્ડી લીગ (GKL)નો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે. લીગના આયોજન અને સંચાલનના વિશેષ અધિકારો PROSPORTZ Pvt. Ltd.ને સોંપવામાં આવ્યા છે. રાજ્યના કબડ્ડી ખેલાડીઓને વ્યાવસાયિક મંચ પૂરો પાડવા અને રમતગમતના માળખાને વધુ મજબૂત બનાવવાના હેતુ સાથે આ લીગ શરૂ કરવામાં આવી છે.
8 શહેરોની ટીમો મેદાનમાં
ગુજરાત કબડ્ડી લીગની પ્રથમ આવૃત્તિ ઓપન એજ પુરુષ વર્ગ માટે યોજાશે. તેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, ભાવનગર, જામનગર અને કચ્છની કુલ 8 શહેર આધારિત ફ્રેન્ચાઇઝી ટીમો ભાગ લેશે. ફ્રેન્ચાઇઝી માલિકી માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને દરેક ફ્રેન્ચાઇઝી ₹20 લાખની નિશ્ચિત ફી પર ઉપલબ્ધ રહેશે.
સપ્ટેમ્બરમાં રમાશે 31 મેચો
લીગની પ્રથમ સીઝન સપ્ટેમ્બર 2026 દરમિયાન અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાવાની છે. ટુર્નામેન્ટ કુલ 9 દિવસ સુધી ચાલશે અને તેમાં 31 મેચો રમાશે. લીગ તબક્કામાં તમામ ટીમો સિંગલ રાઉન્ડ-રોબિન ફોર્મેટ મુજબ એકબીજા સામે રમશે. ત્યારબાદ ટોચની ચાર ટીમો પ્લેઑફમાં પ્રવેશ કરશે અને અંતે ચેમ્પિયન ટીમ નક્કી થશે.
ખેલાડીઓ માટે આકર્ષક તક
સ્પર્ધામાં કુલ ₹25 લાખની ઇનામ રકમ જાહેર કરવામાં આવી છે. દરેક ફ્રેન્ચાઇઝીને ખેલાડીઓની પસંદગી માટે ₹5 લાખનો પ્લેયર પર્સ આપવામાં આવશે. દરેક ટીમમાં 14 ખેલાડીઓનો સમાવેશ થશે અને તેમની પસંદગી પારદર્શક હરાજી પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે. આયોજકોના જણાવ્યા મુજબ લીગ રાજ્યના યુવા ખેલાડીઓને પોતાની પ્રતિભા રજૂ કરવાની મોટી તક આપશે.
પ્રસારણ અને બ્રાન્ડિંગ પર ભાર
લીગની મેચોના પ્રસારણ માટે ફેનકોડ, ઝી5,સોની લિવ, યુટ્યુબ સહિત વિવિધ ડિજિટલ અને OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમિંગ કરવાની યોજના છે. સાથે જ ફ્રેન્ચાઇઝી માલિકોને પ્રાયોજકો જોડવા, મર્ચેન્ડાઇઝ વિકસાવવા અને બ્રાન્ડ પ્રમોશનની વિશાળ તકો ઉપલબ્ધ કરાવવામાં આવશે.
રાજ્યમાં કબડ્ડીના નવા યુગની શરૂઆત
લીગના લોન્ચ પ્રસંગે GSKAના પ્રમુખ ભગવાનસહાય યોગી, ટ્રેઝરર જયંતી પરમાર, રેફરી બોર્ડના ચેરમેન પરેશ પટેલ, કન્વીનર રોનક પટેલ, એસએઆઈ કોચ કે.સી. સુથાર, પ્રો કબડ્ડી રેફરી રોનક રાવલ તેમજ પ્રોસ્પોર્ટસ પ્રા. લિ.ના ડાયરેક્ટર રોશન પોલ અને સીઓઓ સંગ્રામ ઓટી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. આયોજકોએ જણાવ્યું હતું કે ગુજરાત કબડ્ડી લીગ રાજ્યમાં કબડ્ડીના નવા યુગની શરૂઆત સાબિત થશે.
