અમદાવાદમાં યજમાન ટીમનો દબદબો યથાવત્; ઇન્ડોનેશિયાએ થાઇલેન્ડને પાંચ સેટની રોમાંચક મેચમાં હરાવ્યું
અમદાવાદ
અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહેલી AVC મેન્સ કપ 2026 સ્પર્ધામાં ભારતીય પુરુષ વોલીબોલ ટીમે વધુ એક શાનદાર દેખાવ કરતાં બહેરીનને સીધા ત્રણ સેટમાં હરાવી સતત ચોથી જીત નોંધાવી છે. ભારતે 25-21, 25-16 અને 25-22ના સ્કોર સાથે 3-0થી વિજય મેળવી પૂલ-એમાં પોતાનું ટોચનું સ્થાન મજબૂત બનાવ્યું છે.
શરૂઆતથી જ ભારતનું પ્રભુત્વ
ભારત અને બહેરીન વચ્ચેની મહત્વપૂર્ણ મેચમાં ભારતીય ખેલાડીઓએ શરૂઆતથી જ આક્રમક રમત દર્શાવી હતી. પ્રથમ સેટમાં બહેરીને કેટલીક ક્ષણો માટે પડકાર ઊભો કર્યો હતો, પરંતુ ભારતે 25-21થી સેટ જીતી લીધો હતો. બીજા સેટમાં ભારતીય ટીમે સંપૂર્ણ નિયંત્રણ જમાવી 25-16થી એકતરફી જીત મેળવી હતી. ત્રીજા સેટમાં બહેરીને જોરદાર લડત આપી હતી, છતાં ભારતે 25-22થી સેટ જીતી મેચ પોતાના નામે કરી હતી.
પૂલ-એમાં ભારત અપરાજિત
આ જીત સાથે ભારતે ચારેય મેચ જીતીને 12 પોઇન્ટ મેળવ્યા છે અને પૂલ-એમાં પ્રથમ સ્થાને યથાવત્ રહ્યું છે. ભારતનો સેટ રેશિયો 12.000 અને પોઇન્ટ રેશિયો 1.288 રહ્યો છે. બહેરીન 6 પોઇન્ટ સાથે બીજા સ્થાને છે, જ્યારે કઝાકિસ્તાન, ચાઇનીઝ તાઇપેઇ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા અનુક્રમે ત્યારબાદના ક્રમે છે.
ઇન્ડોનેશિયા-થાઇલેન્ડ વચ્ચે રોમાંચક ટક્કર
પૂલ-બીમાં ઇન્ડોનેશિયા અને થાઇલેન્ડ વચ્ચે દિવસની સૌથી રોમાંચક મેચ રમાઈ હતી. થાઇલેન્ડે પ્રથમ સેટ 25-19થી જીત્યો હતો, પરંતુ ઇન્ડોનેશિયાએ બીજા અને ત્રીજા સેટ અનુક્રમે 25-19 અને 25-22થી જીતી મેચમાં વાપસી કરી હતી. ચોથા સેટમાં થાઇલેન્ડે 25-23થી જીત મેળવી મેચને નિર્ણાયક પાંચમા સેટ સુધી પહોંચાડી હતી.
નિર્ણાયક સેટમાં ઇન્ડોનેશિયાનો વિજય
પાંચમા અને અંતિમ સેટમાં બંને ટીમો વચ્ચે જોરદાર સંઘર્ષ જોવા મળ્યો હતો. જોકે ઇન્ડોનેશિયાએ 15-12થી જીત મેળવી મેચ 3-2થી પોતાના નામે કરી હતી. પૂલ-બીમાં હાલ થાઇલેન્ડ 6 પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે ઇન્ડોનેશિયા બીજા સ્થાને છે. સ્પર્ધા આગળ વધતાં નોકઆઉટ તબક્કા માટેની રેસ વધુ રસપ્રદ બની રહી છે.
