ગાઝિયાબાદમાં ચોંકાવનારી ઘટના; મૃત માની અંતિમ સંસ્કાર કરાયેલા વ્યક્તિ અચાનક ઘરે પહોંચતા સૌ સ્તબ્ધ
ગાઝિયાબાદ: ઉત્તર પ્રદેશના ગાઝીયાબાદના વૈશાલી વિસ્તારમાં એક એવી ઘટના સામે આવી છે, જેને કારણે પરિવારજનો, પોલીસ અને સ્થાનિક લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. કલ્પના એપાર્ટમેન્ટમાં રહેતા 38 વર્ષીય ગિરધર સિંહ બિષ્ટને મૃત માનીને તેના અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યા હતા. એટલું જ નહીં, તેના અવસાન પછીની તેરમીનો કાર્યક્રમ પણ ચાલી રહ્યો હતો. પરંતુ તે દરમિયાન ગિરધર અચાનક જીવતો અને સુરક્ષિત હાલતમાં પોતાના ઘરે પરત ફરતાં સૌના હોશ ઉડી ગયા.
સમગ્ર ઘટનાક્રમ
માહિતી મુજબ, 16 મેના રોજ સ્થાનિક દુકાનદારો સાથે થયેલા વિવાદ બાદ પોલીસે ગિરધરને શાંતિભંગના આરોપસર જેલમાં મોકલ્યો હતો. 21 મેના રોજ જેલમાંથી મુક્ત થયા પછી તે ઘરે પરત ફર્યો નહોતો. પરિવારજનો તેની શોધખોળમાં લાગ્યા હતા.
આ દરમિયાન 13 જૂને મસૂરી વિસ્તારથી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળ્યો હતો. પોલીસની જાણ બાદ ગિરધરના પરિવારજનો ત્યાં પહોંચ્યા અને મૃતદેહની ઓળખ ગિરધર તરીકે કરી હતી. ત્યારબાદ પોલીસે પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહ પરિવારને સોંપ્યો હતો અને પરિવારે તેના અંતિમ સંસ્કાર પણ કરી દીધા હતા.
હત્યાનો આરોપ પણ લગાવ્યો
મૃતદેહની ઓળખ બાદ પરિવારજનોએ કૌશાંબી પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો હતો અને કેટલાક સ્થાનિક દુકાનદારો પર ગિરધરની હત્યાનો આરોપ મૂકીને કેસ પણ નોંધાવ્યો હતો. પરંતુ હવે ગિરધર જીવતો ઘરે પરત ફરતાં સમગ્ર મામલો શંકાના ઘેરામાં આવી ગયો છે.
પોલીસની કાર્યવાહી પર પ્રશ્નો
આ ઘટનાએ પોલીસની ઓળખ પ્રક્રિયા પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. પરિવારજનોની ઓળખના આધારે પોલીસે કોઈ ડીએનએ પરીક્ષણ કે અન્ય વૈજ્ઞાનિક તપાસ કર્યા વિના મૃતદેહ સોંપી દીધો હતો. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જે અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ અંતિમ સંસ્કાર માટે સોંપવામાં આવ્યો હતો તે ખરેખર કોણ હતો?
હવે તપાસના બે મોટા મુદ્દા
પોલીસ માટે હાલ બે મહત્વના પ્રશ્નો છે. પ્રથમ, ગિરધર છેલ્લા એક મહિના કરતાં વધુ સમય સુધી ક્યાં હતો અને શા માટે ગાયબ રહ્યો? બીજું, જે મૃતદેહને ગિરધર માની અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો તેની સાચી ઓળખ શું છે?
ગિરધર હાલ મૌન
પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ ગિરધર હાલમાં કોઈ નિવેદન આપવા યોગ્ય સ્થિતિમાં નથી. તેને સામાન્ય થવા માટે સમય આપવામાં આવ્યો છે. તેની અને પરિવારજનોની પૂછપરછ બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સામે આવી શકશે. હાલ પોલીસે પરિવારને ગિરધર પર નજર રાખવા અને તેને વધુ પ્રશ્નો પૂછીને પરેશાન ન કરવા સૂચના આપી છે.
