માત્ર 12 કલાકમાં 40 હજારથી વધુ ટિકિટ વેચાઈ; અક્ષય કુમારની મલ્ટીસ્ટારર ફિલ્મને જબરદસ્ત શરૂઆતની આશા
મુંબઈ: બોલિવૂડના ખેલાડી કુમાર તરીકે જાણીતા અક્ષય કુમારની બહુપ્રતિક્ષિત કોમેડી ફિલ્મ વેલકમ ટૂ ધ જંગલ શુક્રવારે 26 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. રિલીઝ પહેલાં જ ફિલ્મે એડવાન્સ બુકિંગમાં જોરદાર પ્રતિસાદ મેળવ્યો છે. બુકિંગ શરૂ થયાના માત્ર 12 કલાકમાં 40 હજારથી વધુ ટિકિટ વેચાઈ ગઈ છે, જેના કારણે ફિલ્મના બોક્સ ઓફિસ પ્રદર્શનને લઈને આશાવાદ વધી ગયો છે.
કરોડોની ગ્રોસ કમાણી
ટ્રેડ વેબસાઇટોના આંકડા મુજબ ફિલ્મ માટે દેશભરમાં 6,253થી વધુ શો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. પ્રથમ દિવસ માટે અત્યાર સુધીમાં 40,112 ટિકિટનું પ્રી-બુકિંગ નોંધાયું છે, જેના દ્વારા લગભગ 91.78 લાખ રૂપિયાની ગ્રોસ આવક થઈ છે. બ્લોક સીટ સહિત કુલ ગ્રોસ કલેક્શન 2.77 કરોડ રૂપિયાને પાર પહોંચી ગયું છે.
મોટા શહેરોમાં જબરદસ્ત ક્રેઝ
ફિલ્મ માટે સૌથી વધુ એડવાન્સ બુકિંગ દિલ્હી-એનસીઆર, મુંબઈ, બેંગલુરુ અને હૈદરાબાદમાં જોવા મળી રહી છે. અમદાવાદ અને સુરત જેવા ગુજરાતના શહેરોમાં પણ દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ટ્રેડ નિષ્ણાતોના મતે આગામી 24 કલાકમાં શોની સંખ્યા વધતા બુકિંગમાં વધુ તેજી આવી શકે છે.
સ્ટારકાસ્ટ બની સૌથી મોટું આકર્ષણ
ફિલ્મનું સૌથી મોટું આકર્ષણ તેની વિશાળ સ્ટારકાસ્ટ છે. અક્ષય કુમાર ઉપરાંત પરેશ રાવલ, સુનીલ શેટ્ટી, જેકી શ્રોફ, અર્શદ વારસી,દીશા પટની, જેક્વેલિન ફર્નાન્ડીસ, લારા દત્તા અને અન્ય અનેક કલાકારો ફિલ્મમાં જોવા મળશે. જોકે અગાઉની ફિલ્મોના લોકપ્રિય પાત્રો ભજવનાર નાના પાટેકર અને અનિલ કપુર આ વખતે ફિલ્મમાં નથી.
પ્રથમ દિવસે 15થી 20 કરોડની કમાણીની સંભાવના
ટ્રેડ વિશ્લેષકોનું માનવું છે કે ફિલ્મ પ્રથમ દિવસે 12થી 15 કરોડ રૂપિયાની નેટ કમાણી સરળતાથી કરી શકે છે. જો પ્રેક્ષકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળશે તો પ્રથમ દિવસનું કલેક્શન 20 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. ખાસ કરીને કોમેડી અને પરિવાર સાથે માણી શકાય તેવી ફિલ્મ હોવાને કારણે દર્શકોમાં ઉત્સુકતા વધી રહી છે.
સફળ ફ્રેન્ચાઇઝીનો લાભ
2007માં આવેલી વેલકમ અને 2015માં આવેલી વેલકમ બેક બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. હવે ‘વેલકમ ટુ ધ જંગલ’ પણ આ સફળતાની પરંપરા જાળવી રાખે છે કે નહીં તે જોવા માટે ફિલ્મપ્રેમીઓ આતુર બન્યા છે.
