ભ્રામક જાહેરાત બદલ બે મોટી ફૂડ કંપનીઓ પર દંડ; ગ્રાહકોને સાચી અને સ્પષ્ટ માહિતી આપવાનો કાયદો વધુ કડક બન્યો
નવી દિલ્હી:
ખાદ્ય પદાર્થો પર ‘100% નેચરલ’, ‘100% ઓર્ગેનિક’ અથવા ‘100%’ જેવા આકર્ષક દાવા કરીને ગ્રાહકોને આકર્ષતી કંપનીઓ સામે હવે કેન્દ્ર સરકાર કડક વલણ અપનાવી રહી છે. કેન્દ્રીય ગ્રાહક સંરક્ષણ પ્રાધિકરણ (CCPA)એ ભ્રામક જાહેરાતો અને અન્યાયી વેપાર પદ્ધતિઓ સામે કાર્યવાહી કરતાં બે જાણીતી ફૂડ કંપનીઓ – મિસિસ બેક્ટર્સ ફૂડ સ્પેશિયાલિટીઝ લિમિટેડ અને સ્ટોરિયા ફૂડ્સ એન્ડ બેવરેજિસ પ્રાઇવેટ લિમિટેડ – પર દંડ ફટકાર્યો છે. ગ્રાહકોને ગેરમાર્ગે દોરતા દાવાઓ સામે આ કાર્યવાહી ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
પેકેટ પર મોટા દાવા, પાછળ નાના અક્ષરોમાં ડિસ્ક્લેમર
CCPAના જણાવ્યા મુજબ બંને કંપનીઓએ પોતાના ઉત્પાદનોના પેકેટ પર ‘100%’ જેવા દાવાઓ મોટા અક્ષરોમાં દર્શાવ્યા હતા, જ્યારે તેની મર્યાદા અથવા હકીકત અંગેની માહિતી પાછળ નાના અક્ષરોમાં લખવામાં આવી હતી. પ્રાધિકરણનું માનવું છે કે આવા ડિસ્ક્લેમર ભ્રામક દાવાને યોગ્ય ઠેરવી શકતા નથી. ગ્રાહકને પ્રથમ નજરે મળતી માહિતી સ્પષ્ટ, સાચી અને ગેરસમજ ઊભી ન કરે તેવી હોવી જરૂરી છે.
‘100% આટા બ્રેડ’ના દાવા પર પ્રશ્ન
મિસિસ બેક્ટર્સ ફૂડ સ્પેશિયાલિટીઝ લિમિટેડના ‘100% આટા બ્રેડ’ અંગેની તપાસમાં કંપનીએ સ્વીકાર્યું હતું કે બ્રેડમાં વાસ્તવિક ઘઉંના લોટનું પ્રમાણ લગભગ 87 ટકા હતું. કંપનીએ દલીલ કરી હતી કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)ના નિયમો મુજબ 75 ટકા કરતાં વધુ ઘઉંનો લોટ હોય તો તેને આટા બ્રેડ તરીકે વર્ગીકૃત કરી શકાય છે. જોકે CCPAએ સ્પષ્ટ કર્યું કે આ નિયમના આધારે ‘100% આટા બ્રેડ’ જેવા નિશ્ચિત દાવાને યોગ્ય ઠેરવી શકાય નહીં.
નાળિયેર પાણી અને જ્યૂસના દાવા પણ ભ્રામક
સ્ટોરિયા ફૂડ્સ એન્ડ બેવરેજિસના ‘100% ટેન્ડર કોકોનટ વોટર’ અને વિવિધ ‘100% જ્યૂસ’ ઉત્પાદનોની તપાસ દરમિયાન પણ અનેક ગેરમેળ સામે આવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે કંપનીનું નાળિયેર પાણી સીધું તાજા નાળિયેરમાંથી મેળવેલું નહોતું, પરંતુ લગભગ 9.6 ટકા નાળિયેરના કોન્સન્ટ્રેટમાંથી તૈયાર કરવામાં આવ્યું હતું. ઉપરાંત વિવિધ ફળોના જ્યૂસમાં પણ ફળના પલ્પ અથવા કોન્સન્ટ્રેટનું પ્રમાણ માત્ર 4થી 16 ટકા વચ્ચે હોવાનું સામે આવ્યું હતું, જ્યારે બાકીનો મોટો હિસ્સો પાણીનો હતો.
ગ્રાહકોના અધિકારોને મળ્યું વધુ રક્ષણ
ગ્રાહક સંરક્ષણ અધિનિયમ, 2019 હેઠળ CCPAને ભ્રામક જાહેરાતોની તપાસ કરવા, તેને પાછી ખેંચાવવાનો આદેશ આપવા, દંડ ફટકારવા અને જરૂરી સૂચનાઓ જારી કરવાની સત્તા આપવામાં આવી છે. કાયદા મુજબ ગ્રાહકને કોઈપણ ઉત્પાદન અંગે સંપૂર્ણ, સાચી અને સ્પષ્ટ માહિતી મળવી જોઈએ જેથી તે યોગ્ય નિર્ણય લઈ શકે.
કંપનીઓ માટે ચેતવણી, ગ્રાહકો માટે રાહત
CCPAનું કહેવું છે કે ‘100%’ શબ્દનો અર્થ સંપૂર્ણ અને નિર્વિવાદ હોય છે. જો કોઈ ઉત્પાદન તે દાવા પર સંપૂર્ણપણે ખરો ઉતરતું ન હોય તો એવો દાવો ભ્રામક ગણાશે. આ કાર્યવાહી માત્ર બે કંપનીઓ પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર ફૂડ ઉદ્યોગ માટે ચેતવણી સમાન છે કે માર્કેટિંગના નામે ગેરમાર્ગે દોરતા દાવાઓ હવે સ્વીકારવામાં આવશે નહીં. નિષ્ણાતોના મતે આ પગલાથી ગ્રાહકોનો વિશ્વાસ વધશે અને કંપનીઓ વધુ પારદર્શક માહિતી આપવા માટે પ્રેરિત થશે. જો ગ્રાહકોને કોઈ ઉત્પાદન અંગે ભ્રામક દાવો જોવા મળે તો તેઓ CCPA સમક્ષ ફરિયાદ નોંધાવી પોતાના અધિકારોનું રક્ષણ મેળવી શકે છે.
