ગોધરા તાલુકામાં ચાંદીપુરા વાયરસથી બે માસૂમ બાળકોનાં મોત, આરોગ્ય વિભાગ હાઈ એલર્ટ પર

Spread the love

વીંઝોલ અને જીતપુરા ગામમાં સઘન સર્વે, દવા છંટકાવ અને વિશેષ મેડિકલ ટીમો તૈનાત; ગભરાવાની નહીં, સાવચેતી રાખવાની જરૂર: આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા


ગાંધીનગર

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના વીંઝોલ અને જીતપુરા ગામના બે માસૂમ બાળકોના ચાંદીપુરા વાયરસથી મૃત્યુ થયા હોવાની પુષ્ટિ થતાં ગુજરાતનું આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક નિયંત્રણના પગલાં, સઘન સર્વે, દવાનો છંટકાવ અને આરોગ્ય સેવાઓની સમીક્ષા કરવામાં આવી હતી. મંત્રીશ્રીએ નાગરિકોને ગભરાવાને બદલે સાવચેતી રાખવા અપીલ કરી છે.

બે બાળકોનાં મોત બાદ તંત્રની તાત્કાલિક કાર્યવાહી

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે વીંઝોલ અને જીતપુરા ગામના બે બાળકોના લેબોરેટરી રિપોર્ટમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થતાં આરોગ્ય વિભાગે સમગ્ર ઘટનાને અત્યંત ગંભીરતાથી લીધી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે નિયંત્રણ અને નિવારણની કામગીરી શરૂ કરવામાં આવી છે.

‘સેન્ડ ફ્લાય’ સામે સઘન દવા છંટકાવ

તપાસ દરમિયાન બંને ગામોમાં ‘સેન્ડ ફ્લાય’ નામની માખીની હાજરી નોંધાઈ છે. આ માખી સામાન્ય રીતે માટીના કાચા મકાનોની તિરાડોમાં વસવાટ કરતી હોવાથી સમગ્ર વિસ્તારમાં અને આસપાસના ઘરોમાં જંતુનાશક દવાનો સઘન છંટકાવ હાથ ધરવામાં આવ્યો છે. કાચા મકાનોની તિરાડો પૂરવા અને આસપાસની સ્વચ્છતા જાળવવા માટે પણ સ્થાનિક લોકોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

વિશેષ મેડિકલ ટીમો દ્વારા ઘરે-ઘરે સર્વે

ગોધરા અને વડોદરા મેડિકલ કોલેજની બે વિશેષ તબીબી ટીમોને અસરગ્રસ્ત ગામોમાં મોકલવામાં આવી છે. ગોધરા તાલુકાની આરોગ્ય ટીમો ઘરે-ઘરે જઈ બાળકો અને અન્ય રહેવાસીઓની આરોગ્ય તપાસ કરી રહી છે. ઉપરાંત વર્ષ 2024 દરમિયાન જ્યાં ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા હતા તેવા તમામ ગામોમાં પણ તકેદારીના ભાગરૂપે ફરીથી સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે.

આરોગ્ય કેન્દ્રોમાં દવાઓનો પૂરતો જથ્થો

આરોગ્ય વિભાગે રાજ્યના તમામ સંબંધિત આરોગ્ય કેન્દ્રોમાં જરૂરી દવાઓ, જંતુનાશક પાવડર અને અન્ય આરોગ્ય સામગ્રીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવ્યો છે. મંત્રીશ્રીએ જણાવ્યું કે જો કોઈ બાળકમાં તાવ, સતત ઉલ્ટી, બેભાન થવું અથવા અન્ય ગંભીર લક્ષણો દેખાય તો વિલંબ કર્યા વગર નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે પહોંચવું જોઈએ.

ગભરાવાની નહીં, સાવચેતી રાખવાની અપીલ

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે હાલ વીંઝોલ અને જીતપુરા ગામ સિવાય રાજ્યના અન્ય કોઈ વિસ્તારમાં ચાંદીપુરા વાયરસના નવા કેસ નોંધાયા નથી. તેમણે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને સાવચેતીના પગલાં અપનાવવા અપીલ કરી હતી. ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવી, કાચા મકાનોની તિરાડો પૂરવી તેમજ બાળકોને માખી અને મચ્છરના સંપર્કથી બચાવવા જેવી સામાન્ય સાવચેતીઓથી ચાંદીપુરા વાયરસના જોખમને નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે. રાજ્ય સરકાર સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને જરૂરી તમામ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ હોવાનું પણ તેમણે જણાવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *