રાજ્યમાં દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ; PHC-CHC, 108 એમ્બ્યુલન્સ અને તબીબી ટીમોને 24 કલાક તૈયાર રહેવા સૂચના, રેડ એલર્ટ જિલ્લાઓમાં વિશેષ દેખરેખ

ગાંધીનગર
ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારનું આરોગ્ય તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાયેલી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં રાજ્યના તમામ જિલ્લાઓની આરોગ્ય સેવાઓ, દવાઓની ઉપલબ્ધતા તેમજ વરસાદી સ્થિતિમાં તાત્કાલિક સારવારની તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
વરસાદી સ્થિતિ સામે આરોગ્ય તંત્રની સજ્જતા
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે વરસાદની મોસમ દરમિયાન પાણીજન્ય રોગો તેમજ ઝેરી જીવજંતુઓ કરડવાના બનાવોમાં વધારો થવાની સંભાવના રહેતી હોવાથી રાજ્યભરમાં આરોગ્ય સેવાઓને વધુ સક્રિય બનાવવામાં આવી છે. તમામ જિલ્લા આરોગ્ય તંત્રને સાવચેતીના પગલાં લેવા અને જરૂરિયાત ઊભી થાય ત્યારે તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરાવવા સૂચનાઓ આપવામાં આવી છે.
108 એમ્બ્યુલન્સ અને આરોગ્ય કેન્દ્રોમાં પૂરતો દવાનો જથ્થો
મંત્રીએ જણાવ્યું કે રાજ્યની તમામ 108 એમ્બ્યુલન્સમાં જરૂરી દવાઓ અને જીવનરક્ષક સામગ્રીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. ઉપરાંત, કોઈપણ વિસ્તારમાં દવાઓની અછત સર્જાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) અથવા સામુદાયિક આરોગ્ય કેન્દ્ર (CHC)માંથી તાત્કાલિક દવાઓ પહોંચાડી શકાય તેવી સુવ્યવસ્થિત વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તમામ આરોગ્ય કેન્દ્રોમાં તબીબો, નર્સિંગ સ્ટાફ અને પેરામેડિકલ કર્મચારીઓને 24 કલાક સેવા માટે તૈયાર રાખવામાં આવ્યા છે.
રેડ એલર્ટ ધરાવતા જિલ્લાઓમાં વિશેષ નજર
ભારે વરસાદની આગાહી અને રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને અમરેલી, રાજુલા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તાર તેમજ સુરત, નવસારી, વલસાડ અને દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં આરોગ્ય તંત્રને વિશેષ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. આ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓમાં કોઈ વિક્ષેપ ન આવે અને જરૂરિયાત સમયે તાત્કાલિક સારવાર ઉપલબ્ધ રહે તે માટે વિશેષ મોનિટરિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
દરેક જિલ્લાના આરોગ્ય તંત્રની સમીક્ષા
ઉચ્ચસ્તરીય બેઠક દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓમાંથી આરોગ્ય સેવાઓની સ્થિતિ, દવાઓનો જથ્થો, તબીબી કર્મચારીઓની ઉપલબ્ધતા તેમજ વરસાદને કારણે સર્જાઈ શકે તેવી સંભવિત પરિસ્થિતિઓ અંગે વિગતવાર માહિતી મેળવવામાં આવી હતી. જ્યાં પણ કોઈ પ્રકારની ખામી જણાય ત્યાં તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.
નાગરિકોને ગભરાવાની જરૂર નથી
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટ કર્યું કે હાલ રાજ્યમાં કોઈ ગંભીર કે ચિંતાજનક આરોગ્ય પરિસ્થિતિ નથી. સરકાર માત્ર અગમચેતીના ભાગરૂપે તમામ તૈયારીઓ પૂર્ણ કરી રહી છે જેથી કોઈપણ આપત્તિજનક સ્થિતિમાં નાગરિકોને સમયસર અને અસરકારક આરોગ્ય સેવાઓ મળી રહે. તેમણે લોકોને સાવચેત રહેવા, વરસાદી મોસમમાં સ્વચ્છતા જાળવવા અને આરોગ્ય સંબંધિત સમસ્યા જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા 108 એમ્બ્યુલન્સ સેવાનો સંપર્ક કરવા પણ અપીલ કરી હતી.
