StepFunએ રજૂ કર્યો ‘Step X Neo’; AI આધારિત ઓપરેટિંગ સિસ્ટમ અને ‘Step Amoo’ ઇન્ટેલિજન્ટ એજન્ટ હશે સૌથી મોટું આકર્ષણ
નવી દિલ્હી
ચીનની AI કંપની StepFunએ દુનિયાનો પ્રથમ AI એજેન્ટિક સ્માર્ટફોન રજૂ કરવાનો દાવો કર્યો છે. Step X Neo નામનો આ સ્માર્ટફોન પરંપરાગત Android અથવા iOS પર નહીં પરંતુ AI-કેન્દ્રિત ઓપરેટિંગ સિસ્ટમ પર કાર્ય કરે છે. કંપનીના જણાવ્યા અનુસાર ફોનમાં Step Amoo નામનો પર્સનલ AI એજન્ટ આપવામાં આવ્યો છે, જે વપરાશકર્તા સાથે સામાન્ય ભાષામાં વાતચીત કરી શકે છે અને ઇન્ટરનેટ વિના પણ અનેક કાર્યો પૂર્ણ કરી શકે છે.
AI-કેન્દ્રિત ઓપરેટિંગ સિસ્ટમ
Step X Neoમાં કંપનીનું નવું Step AOS ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવ્યું છે. StepFunનું કહેવું છે કે આ સિસ્ટમ Android, Linux અને RTOSના સંયોજન પર આધારિત છે, જે AI એજન્ટને વધુ અસરકારક રીતે નિર્ણય લેવા, મેમરી મેનેજ કરવા અને વિવિધ કાર્યો ઝડપથી પૂર્ણ કરવામાં મદદ કરે છે.
‘Step Amoo’ બનાવે છે ફોનને ખાસ
ફોનમાં સમાવાયેલ Step Amoo AI એજન્ટ સાથે વપરાશકર્તા કુદરતી ભાષામાં વાતચીત કરી શકે છે. કંપનીનો દાવો છે કે આ AI એજન્ટ વપરાશકર્તાની જરૂરિયાતોને સમજીને સ્વતંત્ર રીતે અનેક કામ કરી શકે છે. ફોનમાં ઉપયોગમાં લેવાયેલ Step Edge નામનું ઓન-ડિવાઇસ AI મોડેલ માત્ર 15 મિલિસેકન્ડમાં મેમરી રિકોલ કરવાની ક્ષમતા ધરાવે છે.
ઇન્ટરનેટ વગર પણ કામ કરવાની ક્ષમતા
StepFunનો સૌથી મોટો દાવો એ છે કે Step X Neoનું AI મોડેલ મોટા ભાગના કાર્યો ઇન્ટરનેટ વિના પણ કરી શકે છે. જ્યારે વધુ જટિલ કાર્ય કરવાની જરૂર પડે ત્યારે તે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે, પરંતુ કંપનીના જણાવ્યા મુજબ વપરાશકર્તાનો વ્યક્તિગત ડેટા ફોનની બહાર મોકલવામાં આવતો નથી, જેથી પ્રાઇવસી જળવાઈ રહે છે.
ડિઝાઇન અને અન્ય સુવિધાઓ
કંપનીએ હજુ સુધી ફોનના તમામ હાર્ડવેર સ્પેસિફિકેશન્સ જાહેર કર્યા નથી. જોકે સામે આવેલા વીડિયોમાં ફોનમાં ડોટ-મેટ્રિક્સ LED ડિસ્પ્લે જોવા મળે છે, જે ડિઝાઇનની દ્રષ્ટિએ Nothing Phone જેવી ઝલક આપે છે.
StepFunએ ચીનની લોકપ્રિય સેવાઓ Alipay, Baidu અને Didi સાથે ભાગીદારીની પણ જાહેરાત કરી છે, જેથી AI એજન્ટ વિવિધ ડિજિટલ સેવાઓ સાથે વધુ સારી રીતે સંકલિત થઈ શકે.
Androidથી અલગ કે નવી સ્કિન?
હાલ સુધી એ સ્પષ્ટ થયું નથી કે Step AOS સંપૂર્ણપણે નવી ઓપરેટિંગ સિસ્ટમ છે કે Android પર આધારિત કસ્ટમ સ્કિન. જોકે કંપની તેને AI-ફર્સ્ટ પ્લેટફોર્મ તરીકે રજૂ કરી રહી છે, જે પરંપરાગત સ્માર્ટફોન અનુભવથી અલગ હોવાનો દાવો કરે છે.
AI સ્માર્ટફોન માર્કેટમાં નવી હરીફાઈ
Step X Neoની જાહેરાત એવા સમયે થઈ છે જ્યારે OpenAI સહિત અનેક વૈશ્વિક ટેક કંપનીઓ AI આધારિત સ્માર્ટ ડિવાઇસ પર કામ કરી રહી હોવાનું માનવામાં આવે છે. જો StepFunના દાવા સાચા સાબિત થાય તો AI સ્માર્ટફોન ક્ષેત્રમાં નવી સ્પર્ધા શરૂ થઈ શકે છે.
