સુપ્રીમ કોર્ટમાં હવે કડક નિયમો: હંગામા બાદ સ્વ-પક્ષકારો માટે નવા પ્રોટોકોલ લાગુ

Spread the love

CJIને અપશબ્દો, કાગળ ફેંકવા અને કોર્ટરૂમમાં હંગામાની ઘટનાઓ બાદ સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય; હવે ફિઝિકલ હાજરી માટે ખાસ શરતો રહેશે

નવી દિલ્હી:

સુપ્રીમ કોર્ટે કોર્ટરૂમની ગૌરવ અને શિસ્ત જાળવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પોતાના કેસની દલીલ પોતે જ રજૂ કરવા ઇચ્છતા (Party-in-Person) અરજદારો માટે હવે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. તાજેતરમાં કોર્ટરૂમમાં થયેલા હંગામા અને અયોગ્ય વર્તન બાદ સુપ્રીમ કોર્ટની ફુલ કોર્ટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવા નિયમો અનુસાર, શક્ય હોય ત્યાં સુધી આવા પક્ષકારોને વર્ચ્યુઅલ રીતે હાજર રહેવા પ્રોત્સાહિત કરવામાં આવશે.

હંગામા બાદ ફુલ કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય

સુપ્રીમ કોર્ટે જાહેર કરેલા સત્તાવાર નિવેદન મુજબ, સુપ્રીમ કોર્ટ રૂલ્સ, 2013 હેઠળ આ નવી વ્યવસ્થા અમલમાં મુકવામાં આવી છે. 10 જુલાઈ, 2026ના રોજ કોર્ટરૂમમાં બનેલી અણછાજતી ઘટનાને ધ્યાનમાં રાખીને તમામ ન્યાયાધીશોએ મળીને આ નિર્ણય લીધો છે. કોર્ટનું માનવું છે કે ન્યાયિક પ્રક્રિયા દરમિયાન શિસ્ત અને ગૌરવ જાળવવું અત્યંત જરૂરી છે.

ફિઝિકલ હાજરી માંગશો તો લાઇવ સ્ટ્રીમિંગ નહીં

નવા નિયમો મુજબ, જે વ્યક્તિ પોતાનો કેસ પોતે જ લડવા માંગે છે તેને સૌપ્રથમ વર્ચ્યુઅલ સુનાવણીનો વિકલ્પ આપવામાં આવશે. જો કોઈ અરજદાર કોર્ટરૂમમાં વ્યક્તિગત રીતે હાજર રહેવાનો આગ્રહ રાખશે તો તે કેસની કાર્યવાહીનું લાઇવ સ્ટ્રીમિંગ અથવા વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવશે નહીં. કોર્ટનું માનવું છે કે આ પગલાથી અણઘડ વર્તનની ઘટનાઓના પ્રસારને રોકી શકાશે અને કોર્ટની પ્રતિષ્ઠા જળવાઈ રહેશે.

કોર્ટની ગરિમા જાળવવાનો મુખ્ય હેતુ

સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે આ નિર્ણયનો હેતુ કોઈના ન્યાય મેળવવાના અધિકારને મર્યાદિત કરવાનો નથી, પરંતુ કોર્ટરૂમમાં શાંતિપૂર્ણ અને ગૌરવપૂર્ણ વાતાવરણ જાળવવાનો છે. છેલ્લા કેટલાક સમયથી કોર્ટમાં બનેલી અમર્યાદિત ઘટનાઓને ધ્યાનમાં રાખીને આવી વ્યવસ્થા જરૂરી બની હતી.

CJIને અપશબ્દો અને કાગળ ફેંકવાની ઘટના

ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટના કોર્ટ નંબર-13માં પોતાના કેસની દલીલ કરવા આવેલા એક વ્યક્તિએ કોર્ટરૂમમાં ભારે હંગામો કર્યો હતો. આરોપ મુજબ તેણે ન્યાયાધીશો પ્રત્યે અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો, ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) વિશે અપશબ્દો કહ્યા અને કોર્ટરૂમમાં કાગળો ફેંક્યા હતા. ત્યારબાદ સુરક્ષાકર્મીઓએ તેને કોર્ટરૂમની બહાર લઈ જવો પડ્યો હતો.

જસ્ટિસ કે. વી. વિશ્વનાથનની આગેવાની હેઠળની બેન્ચે તેની માનસિક સ્થિતિને ધ્યાનમાં રાખીને તેના વિરુદ્ધ કોર્ટની અવમાનનાની કાર્યવાહી ન કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, દિલ્હી પોલીસે આરોપી અને તેના એક સાથીની સરકારી કર્મચારીઓ સાથે મારપીટ અને ન્યાયિક કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવાના આરોપસર ધરપકડ કરી હતી.

અગાઉ પણ બની હતી આવી ઘટના

સુપ્રીમ કોર્ટમાં આ પ્રકારની ઘટના પ્રથમ વખત બની નથી. ઓક્ટોબર 2025માં એક વકીલે તે સમયના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈ તરફ જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે પણ સુપ્રીમ કોર્ટે અવમાનનાની કાર્યવાહી કરતાં ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે અસરકારક વ્યવસ્થા ઉભી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. હાલનો નિર્ણય પણ એ જ દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *