હરિયાણાના જીંદથી સોનીપત વચ્ચે દોડશે દેશની પહેલી સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન; ધુમાડાના સ્થાને માત્ર પાણીની વરાળ છોડીને પર્યાવરણનું જતન કરશે
નવી દિલ્હી
ભારતીય રેલવે ટૂંક સમયમાં જ ઇતિહાસ રચવા જઈ રહી છે. હરિયાણાના જીંદ અને સોનીપત વચ્ચે દેશની સર્વપ્રથમ હાઇડ્રોજનથી ચાલતી ટ્રેન શરૂ થવા જઈ રહી છે. સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજી પર આધારિત આ ટ્રેન પર્યાવરણ અને ટેકનોલોજી બંને દ્રષ્ટિએ ક્રાંતિકારી સાબિત થશે. પરંપરાગત ડીઝલ કે વીજળીના બદલે આ ટ્રેન અત્યંત આધુનિક ‘હાઇડ્રોજન ફ્યુલ સેલ ટેકનોલોજી’ (Hydrogen Fuel Cell Technology) પર ચાલશે, જેમાંથી પ્રદૂષણ ફેલાવતા ધુમાડાના બદલે માત્ર શુદ્ધ પાણીની વરાળ (Water Vapor) બહાર નીકળશે.
શું છે હાઇડ્રોજન ફ્યુલ સેલ ટેકનોલોજી?
આ ટેકનોલોજીમાં હાઇડ્રોજન ગેસનો ઉપયોગ કરીને વીજળી પેદા કરવામાં આવે છે. ટ્રેનની ઉપર અથવા અંદર ખાસ હાઇડ્રોજન ટેન્ક અને ફ્યુલ સેલ ફીટ કરવામાં આવ્યા છે.
- ઇલેક્ટ્રોકેમિકલ પ્રતિક્રિયા: જ્યારે ટેન્કમાંથી હાઇડ્રોજન ગેસ ફ્યુલ સેલમાં પહોંચે છે, ત્યારે તે બહારની હવામાં રહેલા ઓક્સિજન સાથે ભળે છે. આ બંને વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયા (Electro-chemical Reaction)થી વીજળી ઉત્પન્ન થાય છે.
- એન્જિનનું સંચાલન: આ રીતે બનેલી વીજળીથી ટ્રેનની ઇલેક્ટ્રિક મોટર ચાલે છે અને ટ્રેન પાટા પર દોડે છે.
- બાય-પ્રોડક્ટ તરીકે માત્ર પાણી: આ સમગ્ર પ્રક્રિયામાં કોઈ ઝેરી ગેસ કે ધુમાડો ઉત્પન્ન થતો નથી. બાય-પ્રોડક્ટ તરીકે માત્ર શુદ્ધ પાણીની વરાળ જ બહાર નીકળે છે, જે પર્યાવરણને સહેજ પણ નુકસાન પહોંચાડતી નથી.
લિથિયમ-આયન બેટરી આપશે ‘એક્સ્ટ્રા પાવર’
આ ટ્રેનમાં હાઇડ્રોજન સ્ટોરેજ સિલિન્ડર અને ફ્યુલ સેલ ઉપરાંત શક્તિશાળી લિથિયમ-આયન બેટરીઓ પણ લગાવવામાં આવી છે.
જ્યારે ફ્યુલ સેલ દ્વારા જરૂરિયાત કરતાં વધુ વીજળી ઉત્પન્ન થાય છે, ત્યારે આ વધારાની વીજળીને લિથિયમ-આયન બેટરીમાં સ્ટોર (સંગ્રહ) કરી લેવામાં આવે છે. જ્યારે ટ્રેનને ઝડપથી આગળ વધવું હોય અથવા કોઈ ચઢાણવાળા રસ્તા પર ચઢવાનું હોય, ત્યારે બેટરીમાં સંગ્રહિત આ ઊર્જાનો ઉપયોગ અતિરિક્ત શક્તિ તરીકે કરવામાં આવે છે.
જીંદમાં બન્યું દેશનું સૌથી મોટું હાઇડ્રોજન રિફ્યુલિંગ સ્ટેશન
આ ખાસ ટ્રેનમાં ઇંધણ ભરવા માટે હરિયાણાના જીંદમાં દેશનું સૌથી મોટું રેલવે હાઇડ્રોજન રિફ્યુલિંગ સ્ટેશન સ્થાપિત કરવામાં આવ્યું છે.
- આ પ્લાન્ટમાં વીજળીની મદદથી પાણીમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજનને અલગ કરવામાં આવે છે.
- ત્યારબાદ હાઇડ્રોજનને અત્યંત સુરક્ષિત ટેન્કોમાં સંગ્રહિત કરાય છે.
- સ્ટેશન પર બે હાઇડ્રોજન ડિસ્પેન્સર લગાવવામાં આવ્યા છે, જે ટ્રેનની આગળ અને પાછળ રહેલા બંને એન્જિનોમાં એક સાથે ઇંધણ ભરી શકે છે. આ સ્ટેશનની સંગ્રહ ક્ષમતા આશરે ૩,૦૦૦ કિલોગ્રામ હાઇડ્રોજનની છે.
શા માટે આ ટ્રેન છે ખાસ અને સુરક્ષિત?
- અવાજ વિનાની શાંત સફર: પરંપરાગત ટ્રેનોની સરખામણીએ હાઇડ્રોજન ફ્યુલ સેલ એન્જિન અતિશય શાંત હોય છે. જેના કારણે મુસાફરો શાંતિપૂર્ણ અને આરામદાયક મુસાફરીનો આનંદ લઈ શકશે.
- ખોટા ખર્ચમાંથી મુક્તિ: આ ટ્રેન માટે રેલવે લાઇન પર મોંઘા ઓવરહેડ વીજળીના તાર (OHE) લગાવવાનો કરોડો રૂપિયાનો ખર્ચ બચી જશે.
- અત્યાધુનિક સુરક્ષા ચક્ર: હાઇડ્રોજન અત્યંત જ્વલનશીલ અને ગંધહીન ગેસ હોવાથી સુરક્ષાની ખાસ તકેદારી રખાઈ છે. ટ્રેન અને રિફ્યુલિંગ સ્ટેશનમાં એડવાન્સ લિકેજ ડિટેક્ટર્સ, ફ્લેમ ડિટેક્ટર્સ અને ઓટોમેટિક શટડાઉન સિસ્ટમ લગાવવામાં આવી છે. કોઈપણ પ્રકારના લીકેજની સ્થિતિમાં સિસ્ટમ આપમેળે જ હાઇડ્રોજન સપ્લાય સેકન્ડોમાં બ્લોક કરી દેશે.
આ ૧૦ ડબ્બા ધરાવતી ટ્રેન (૨ એન્જિન ડબ્બા અને ૮ મુસાફર કોચ) ભારતીય રેલવેના હરિયાળા અને પ્રદૂષણમુક્ત ભવિષ્ય તરફનું ખૂબ જ મજબૂત પગલું છે.
