દવાઓનો સ્ટોક, આરોગ્ય સેવાઓ અને સ્વચ્છતાની કરી સમીક્ષા; ઉત્તમ કામગીરી બદલ સમગ્ર સ્ટાફનું કર્યું સન્માન
સુરત
રાજ્યના આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનસેરિયાએ શનિવારે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઓરણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)ની ઓચિંતી મુલાકાત લઈને આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી હતી. નિરીક્ષણ દરમિયાન તેમણે દવાઓનો સ્ટોક, સ્વચ્છતા અને સ્ટાફની કામગીરીનું ઝીણવટભર્યું મૂલ્યાંકન કર્યું હતું.
દવાઓના સ્ટોક અને આરોગ્ય સેવાઓની તપાસ
આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનસેરિયાએ PHCમાં ઉપલબ્ધ દવાઓના સ્ટોકની ચકાસણી કરી હતી. સાથે જ દર્દીઓને આપવામાં આવતી આરોગ્ય સેવાઓ અને કેન્દ્રની કામગીરી અંગે માહિતી મેળવી હતી, જેથી આરોગ્ય સેવાઓની ગુણવત્તાનું મૂલ્યાંકન કરી શકાય.
સ્ટાફ સાથે કર્યો સીધો સંવાદ
મુલાકાત દરમિયાન પ્રધાને ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ અને અન્ય કર્મચારીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. તેમણે દૈનિક કામગીરી, દર્દીઓની સંખ્યા, ઉપલબ્ધ સુવિધાઓ અને પડકારો અંગે માહિતી મેળવી હતી તેમજ આરોગ્ય સેવાઓને વધુ અસરકારક બનાવવા સૂચનો પણ આપ્યા હતા.
સ્વચ્છતા જોઈ વ્યક્ત કર્યો સંતોષ
નિરીક્ષણ દરમિયાન આરોગ્ય કેન્દ્રની સ્વચ્છતા અને વ્યવસ્થાનું પણ તેમણે ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. PHCમાં જળવાયેલી સ્વચ્છતા અને સુવ્યવસ્થિત કામગીરીથી પ્રભાવિત થઈ આરોગ્ય પ્રધાને સંતોષ વ્યક્ત કર્યો હતો.
સ્ટાફનું કર્યું સન્માન
ઉત્તમ કામગીરી, દર્દીકેન્દ્રિત અભિગમ અને સ્વચ્છતા જાળવવા બદલ આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનસેરિયાએ ઓરણા PHCના સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા અને તેમનું સન્માન કરીને તેમની કામગીરીની પ્રશંસા કરી હતી.
