અમદાવાદ
હીરામણિ પ્રાયમરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ) ખાતે શૈક્ષણિક વર્ષ 2026-27 માટે સ્ટૂડન્ટ કાઉન્સિલના સભ્યોનો શપથ ગ્રહણ સમારોહ ઉત્સાહભેર યોજાયો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ જવાબદારી, શિસ્ત અને નેતૃત્વના મૂલ્યોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ કર્યો.
આ શપથ ગ્રહણ સમારોહમાં અશોકા, સરદાર, ટેગોર અને વિવેકાનંદ હાઉસના કુલ 40 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થી પરિષદમાં હેડ બોય, હેડ ગર્લ, કો-હેડ બોય, કો-હેડ ગર્લ, સ્પોર્ટ્સ કેપ્ટન, સ્પોર્ટ્સ વાઈસ કેપ્ટન, વિવિધ હાઉસના કેપ્ટન, વાઈસ કેપ્ટન તેમજ ડિસિપ્લિન ઇન્ચાર્જ સહિતના હોદ્દાઓ માટે વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન નવનિયુક્ત વિદ્યાર્થી પ્રતિનિધિઓએ શાળામાં યોજાતી વિવિધ શૈક્ષણિક, સાંસ્કૃતિક અને રમતગમતની પ્રવૃત્તિઓનું સફળ આયોજન કરવામાં સહયોગ આપવાનો, શાળામાં શિસ્ત જાળવવાની, સહાધ્યાયીઓને પ્રેરણા આપવાની તેમજ નેતૃત્વની જવાબદારી નિષ્ઠા, પ્રામાણિકતા અને ઉત્સાહ સાથે નિભાવવાનો શપથ લીધો.
આ પ્રસંગે શાળાના આચાર્ય અને શિક્ષકગણે વિદ્યાર્થી પરિષદના સભ્યોને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે આવી જવાબદારીઓ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, નેતૃત્વ, ટીમવર્ક અને જવાબદારીની ભાવના વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે તમામ વિદ્યાર્થીઓને પોતાની ફરજો નિષ્ઠાપૂર્વક નિભાવી શાળાનું ગૌરવ વધારવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
સમગ્ર કાર્યક્રમ ગૌરવપૂર્ણ અને પ્રેરણાદાયી વાતાવરણમાં સંપન્ન થયો હતો.
