રિપોર્ટમાં દાવો: દેશના 341 જિલ્લાઓમાં કરાયેલા સર્વેમાં 74,000થી વધુ મોબાઈલ યુઝર્સના ડેટા દ્વારા ટેલિકોમ કંપનીઓની ગ્રાહક વિરોધી નીતિઓ ઉજાગર થઈ છે
નવી દિલ્હી
દેશમાં 5જી અને ડિજિટલ સેવામાં સતત વધારો થઈ રહ્યો છે, પરંતુ બીજી તરફ ટેલિકોમ કંપનીઓ પર ગ્રાહકોનો વિશ્વાસ ઘટી રહ્યો છે. ‘લોકલસર્કલ’ (LocalCircles) દ્વારા હાલમાં જ કરવામાં આવેલા એક મોટા સર્વેમાં સામે આવ્યું છે કે રિલાયન્સ જિયો (Reliance Jio), ભારતી એરટેલ (Bharti Airtel) અને વોડાફોન આઈડિયા (Vodafone Idea) જેવા મોટા ઓપરેટર્સ ગ્રાહકોને છેતરવા માટે ડિજિટલ ચાલાકીઓ એટલે કે ‘ડાર્ક પેટર્ન’ (Dark Patterns) નો ઉપયોગ કરી રહ્યા છે. આ સર્વે મુજબ, ભારતમાં આશરે 81 ટકા મોબાઈલ યુઝર્સ આ ચાલાકીઓનો શિકાર બની ચૂક્યા છે.
સર્વેના ચોંકાવનારા આંકડાઓ
આ સર્વેમાં દેશભરના 341 જિલ્લાઓમાંથી 74,000 કરતા વધુ મોબાઈલ યુઝર્સના અભિપ્રાય લેવામાં આવ્યા હતા. રિપોર્ટ અનુસાર, દર 10માંથી 8 થી વધુ યુઝર્સે સ્વીકાર્યું કે જ્યારે પણ તેઓએ ટેલિકોમ સેવાઓ અથવા કસ્ટમર કેરનો ઉપયોગ કર્યો, ત્યારે તેમની સાથે કોઈને કોઈ પ્રકારે છેતરપિંડી કે ચાલાકી કરવામાં આવી છે. આ સ્થિતિ દર્શાવે છે કે ટેલિકોમ સેક્ટરમાં ગ્રાહકોની સુરક્ષા માટે કડક પગલાં લેવાની તાતી જરૂર છે.
શું હોય છે ‘ડાર્ક પેટર્ન’?
ડાર્ક પેટર્ન એ ડિજિટલ દુનિયાની એવી છુપી યુક્તિઓ અથવા ચાલાકીઓ છે, જેના દ્વારા યુઝર્સને ગૂમરાહ કરીને તેમની મરજી વગર કામ કરાવવામાં આવે છે. દાખલા તરીકે, પૂછ્યા વગર ખાતામાંથી પૈસા કપાઈ જવા, મોંઘા પ્લાન સજેસ્ટ કરવા, સર્વે બંધ કરવામાં મુશ્કેલી ઊભી કરવી અને નિયમોમાં છુપી શરતો રાખવી.
- ડ્રિપ પ્રાઇસિંગ (59% યુઝર્સ): આમાં જાહેરાતમાં દર્શાવવામાં આવેલી કિંમત કરતા અંતિમ બિલ વધારે આવે છે, કારણ કે તેમાં પ્રોસેસિંગ કે અન્ય છુપી ફી ઉમેરી દેવામાં આવે છે.
- સબસ્ક્રિપ્શન ટ્રેપ (53% યુઝર્સ): કંપનીઓ ગ્રાહકોને વન-ટાઇમ સર્વિસ વેચે છે, પરંતુ બાદમાં જાણ કર્યા વગર તેને દર મહિને ઓટો-ડેબિટ થતા સબસ્ક્રિપ્શન પ્લાનમાં બદલી નાખે છે.
- ફોર્સ્ડ એક્શન (આધે યુઝર્સ): ટ્રાન્ઝેક્શન પૂરું કરવા માટે વધારાની સેવાઓ ખરીદવા અથવા બિનજરૂરી વ્યક્તિગત માહિતી શેર કરવા ગ્રાહકોને મજબૂર કરવામાં આવે છે.
જિયો, એરટેલ અને વીઆઈ સામે ગ્રાહકોની ફરિયાદો
લોકલસર્કલના રિપોર્ટ મુજબ, યુઝર્સે ત્રણેય પ્રાઇવેટ ઓપરેટર્સ વિરુદ્ધ વ્યાપક ફરિયાદો નોંધાવી છે. જાહેરાત મુજબના લાભો ન મળવા, રિચાર્જ પ્લાનની શરતોમાં છુપા ફેરફારો કરવા, વારંવાર સબસ્ક્રિપ્શન ફી કાપવી અને પ્રમોશનલ ઓફર રદ કરવામાં મુશ્કેલીઓ જેવી બાબતો સામે આવી છે. ખાસ કરીને એરટેલના કેટલાક અનલિમિટેડ 5જી પ્લાન્સ પર હોટસ્પોટના ઉપયોગને મર્યાદિત કરવાના નિર્ણયને પણ ‘ફોર્સ્ડ એક્શન’ શ્રેણીના ડાર્ક પેટર્ન તરીકે ગણાવવામાં આવ્યો છે.
TRAI અને CCPA પાસે કડક નિયમોની માંગ
લોકલસર્કલનું માનવું છે કે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) ની ગાઈડલાઈન્સ હોવા છતાં ટેલિકોમ સેક્ટરમાં આવી ગેરરીતિઓ અટકતી નથી. છેલ્લા બે વર્ષમાં આ ડાર્ક પેટર્નને લઈને એક પણ નોટિસ જારી કરવામાં આવી નથી. સંસ્થાએ TRAI (ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફઈન્ડિયા) અને CCPA પાસે માંગ કરી છે કે ટેલિકોમ પ્લેટફોર્મ્સ પરથી આ ડાર્ક પેટર્નને તાત્કાલિક દૂર કરવા માટે કડક નિયમો અને દંડની જોગવાઈ કરવામાં આવે, જેથી ગ્રાહકોનો ઘટી રહેલો વિશ્વાસ ફરીથી સ્થાપિત થઈ શકે.
