ઇન્ટરનેટને સુરક્ષિત અને જવાબદેહ બનાવવાની દિશામાં કેન્દ્ર સરકારનું મોટું પગલું; IT એક્ટ અને અન્ય કાયદાઓનું ઉલ્લંઘન કરનારા પ્લેટફોર્મ્સ સામે કાર્યવાહી
નવી દિલ્હી
વધતી જતી અશ્લીલતા અને કાયદાકીય ઉલ્લંઘનો સામે અંકુશ મેળવવા માટે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. છેલ્લા બે વર્ષમાં સરકારે અશ્લીલ કન્ટેન્ટ પ્રસારિત કરતા અને નિયમોનું ઉલ્લંઘન કરતા કુલ 50 OTT પ્લેટફોર્મ્સને પબ્લિક એક્સેસ માટે સંપૂર્ણપણે બ્લોક કરી દીધા છે. લોકસભામાં આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, ઇન્ટરનેટ જગતને વધુ સુરક્ષિત, પારદર્શક અને જવાબદેહ બનાવવા માટે આ કડક પગલાં લેવામાં આવ્યા છે.
કેમ લેવાયું આ કડક પગલું?
સરકાર દ્વારા લેવાયેલા આ કડક પગલાં પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના દરેક નાગરિક માટે ઇન્ટરનેટને સુરક્ષિત અને ભરોસાપાત્ર બનાવવાનો છે. ખાસ કરીને નાના બાળકોને ઓનલાઇન અશ્લીલતા, પર્સનલ ડેટાનો દુરુપયોગ, ટ્રેકિંગ, ડિજિટલ લત અને આર્થિક નુકસાનથી બચાવવા માટે આ કાર્યવાહી અનિવાર્ય બની ગઈ હતી. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, સરકારની નીતિઓનો મૂળ હેતુ બાળકો સહિત તમામ યૂઝર્સને એક સુરક્ષિત અને ભરોસાપાત્ર ઓનલાઇન પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.
કયા કાયદાઓ હેઠળ કરવામાં આવી કાર્યવાહી?
ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY) દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન મુજબ, આ કાર્યવાહી ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) એક્ટ, 2000, ભારતીય ન્યાય સંહિતા (BNS) અને મહિલાઓના અશ્લીલ ચિત્રણ (પ્રતિબંધ) અધિનિયમ, 1986 ની જોગવાઈઓ હેઠળ કરવામાં આવી છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે નવા IT નિયમો (2021) મુજબ, જો કોઈ કોર્ટ કે સરકારી આદેશ દ્વારા ગેરકાયદેસર કન્ટેન્ટ હટાવવા માટે કહેવામાં આવે, તો સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મ્સે તે કન્ટેન્ટને માત્ર 3 કલાકની અંદર હટાવવું ફરજિયાત છે.
કઈ કલમો અને કાયદાઓનો ઉપયોગ થયો?
સરકારે IT એક્ટની કલમ 67 અને 67A, BNS ની કલમ 294 તેમજ અન્ય સંબંધિત કાનૂની જોગવાઈઓ હેઠળ અશ્લીલ કન્ટેન્ટ ફેલાવવા બદલ આ 50 OTT પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્લેટફોર્મ્સ યૂઝર્સ માટે અગમ્ય (inaccessible) બનાવી દેવામાં આવ્યા છે જેથી કોઈ પણ વ્યક્તિ તેનો દુરુપયોગ ન કરી શકે.
ડિજિટલ લત અને ડેટા સુરક્ષા સામે સુરક્ષા કવચ
આગામી સમયમાં બાળકો અને યુવાઓની સુરક્ષા માટે સરકારે ‘ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ, 2023’ પર પણ વિશેષ ભાર મૂક્યો છે. આ કાયદો બાળકોના પર્સનલ ડેટાને પ્રોસેસ કરવા માટે માતા-પિતાની મંજૂરી ફરજિયાત બનાવે છે. સાથે જ બાળકોની ઓનલાઇન ટ્રેકિંગ, તેમના વ્યવહારની નજર રાખવી અને ટાર્ગેટેડ જાહેરાતો બતાવવા પર રોક લગાવે છે. આ ઉપરાંત, ઓનલાઈન ગેમિંગને પ્રોત્સાહન અને નિયંત્રિત કરતો એક્ટ યુવાનોમાં વધતી ડિજિટલ લત અને આર્થિક નુકસાનની સમસ્યાને ડામવા માટે એક મહત્વપૂર્ણ ડપલું સાબિત થઈ રહ્યો છે.
