દિલ્હીનું જંતર-મંતર આજે લોકતાંત્રિક ભારતના અવાજનું પ્રતીક બની ગયું છે, પરંતુ તેનો ઇતિહાસ ૩૦૦ વર્ષથી વધુ જૂનો છે. મુગલ કાળમાં એક હિન્દુ મહારાજા દ્વારા તેને વેધશાળા તરીકે બનાવવામાં આવ્યું હતું અને ક્યારેક અહીંથી ગ્રહ-નક્ષત્રોની ગણતરી કરવામાં આવતી હતી
નવી દિલ્હી
દિલ્હીના કનોટ પ્લેસ પાસે સંસદ માર્ગ (પાર્લામેન્ટ સ્ટ્રીટ) પર સ્થિત જંતર-મંતર ભારતના પ્રાચીન ખગોળીય જ્ઞાનનું ઉત્તમ ઉદાહરણ છે. ૧૭૨૪માં મુગલ કાળ દરમિયાન આનું નિર્માણ થયું હતું. મુગલ સમ્રાટ મુહમ્મદ શાહના શાસનકાળ દરમિયાન જયપુરના મહારાજા સવાઈ જય સિંહ દ્વિતીય દ્વારા દિલ્હીમાં જંતર-મંતરની સ્થાપના કરવામાં આવી હતી.
‘જંતર-મંતર’ નામ ‘યંત્ર’ (એટલે કે સાધન) અને ‘મંત્ર’ (એટલે કે સૂત્ર કે ગણતરી) શબ્દોથી મળીને બન્યું છે. તે ખગોળીય ગતિવિધિઓને માપવાના ઉપકરણોનું પ્રતીક છે. શરૂઆતમાં આ સ્થળનો હેતુ સૂર્ય, ચંદ્ર અને ગ્રહ-નક્ષત્રોની સ્થિતિ તથા સમયની સચોટ ગણતરી કરવાનો હતો. મહારાજા જય સિંહ ખગોળશાસ્ત્ર અને ગણિતના પ્રખર જાણકાર હતા. તે સમયના નાના પિત્તળના સાધનોની અચોકસાઈથી અસંતુષ્ટ થઈને તેમણે પથ્થરની વિશાળ સંરચનાઓવાળી વેધશાળાની રચના કરી હતી, જેથી ગ્રહોની ચાલ અને ગ્રહણોનું સચોટ અનુમાન લગાવી શકાય.
સરકારો સામે વિરોધ પ્રદર્શન અને લોકતાંત્રિક અવાજનું કેન્દ્ર
સમય બદલાયો તેમ વિજ્ઞાનથી લઈને લોકશાહીના અવાજ સુધીની સફર જંતર-મંતરે ખેડી છે. આજે દિલ્હીનું આ સ્થળ દેશમાં વિરોધ-પ્રદર્શનોનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે, જ્યાં વિવિધ સંસ્થાઓ અને નાગરિકો પોતાની માંગણીઓ સાથે સરકારો સામે અવાજુલંદ કરે છે. વર્ષ ૧૯૯૩થી જંતર-મંતર દિલ્હીનું મુખ્ય ધરણા સ્થળ બની ગયું છે.
છેલ્લા કેટલાક દાયકાઓમાં આ સ્થળ અનેક મોટા ઐતિહાસિક આંદોલનોનું સાક્ષી બન્યું છે. અન્ના હજારેનું જનલોકપાલ આંદોલન (૨૦૧૧), નિર્ભયા ન્યાય આંદોલન (૨૦૧૨), નીડો તાનિયા વિરોધ (૨૦૧૪), CAA-NRC વિરોધ (૨૦૧૯-૨૦) અને કુસ્તીબાજોનું આંદોલન (૨૦૨૩) જેવા અનેક મોટા વિરોધ-પ્રદર્શનોમાં લોકોએ અહીંથી પોતાની અવાજ બુલંદ કરી છે.
જંતર-મંતર વિશેની મુખ્ય વિશેષતાઓ
- નિર્માણ વર્ષ: ૧૭૨૪ ઈસવીસવીમાં મહારાજા સવાઈ જય સિંહ દ્વિતીય દ્વારા નિર્મિત.
- મૂળ ઉદ્દેશ્ય: ખગોળીય ગણતરીઓ (Astronomical Observations) અને સૂર્ય, ચંદ્ર તથા ગ્રહોની ગતિવિધિઓનો અભ્યાસ કરવો.
- મુખ્ય સંરચનાઓ: કુલ ૧૩ મુખ્ય પથ્થરના ખગોળીય યંત્રો, જેમાં ‘સમ્રાટ યંત્ર’ (વિશ્વનું સૌથી મોટું ઘડિયાળ યંત્ર) સૌથી પ્રસિદ્ધ છે.
- સ્થળ: દિલ્હીની સંસદ માર્ગ (Parliament Street), કનોટ પ્લેસ પાસે.
- અન્ય વેધશાળાઓ: તે સમયની ૫ મુખ્ય વેધશાળાઓમાં દિલ્હી ઉપરાંત જયપુર, ઉજ્જૈન, વારાણસી અને મથુરાનો સમાવેશ થાય છે.
- વર્તમાન સ્થિતિ: ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા સંરક્ષિત. હાલમાં ખગોળીય ગણતરીઓને બદલે નાગરિકોની લોકતાંત્રિક અવાજ અને વિરોધ પ્રદર્શનો માટે જાણીતું છે.
