આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના પ્રયાસોથી કિશનભાઈ પેથાણીનું સફળ પ્રત્યારોપણ, બે વર્ષથી હૃદયની ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા
સુરત/અમદાવાદ
આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાના પ્રયાસો અને દર્દીની ગંભીર સ્થિતિને ધ્યાને લઈને અમદાવાદની યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલ દ્વારા હાથ ધરાયેલી ઝડપી પ્રત્યારોપણ પ્રક્રિયાના પરિણામે સુરતમાં રહેતા 37 વર્ષીય કિશન રણછોડ પેથાણીનું સફળ હૃદય ટ્રાન્સપ્લાન્ટ થયું છે. મૂળ અમરેલીના વતની કિશનભાઈની આ જટિલ સર્જરી યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવી હતી. ટ્રાન્સપ્લાન્ટ બાદ તેઓ સ્વસ્થ થઈ હવે સામાન્ય જીવન તરફ પરત ફર્યા છે.
બે વર્ષથી હૃદયની ગંભીર બીમારીથી પીડાતા હતા
કિશને જણાવ્યું હતું કે તેઓ છેલ્લા બે વર્ષથી હૃદયની ગંભીર સમસ્યાથી પીડાઈ રહ્યા હતા. મુંબઈ, અમદાવાદ અને સુરતના હાર્ટ સ્પેશ્યાલિસ્ટ તબીબો પાસેથી સારવાર ચાલી રહી હતી. સુરતની ખાનગી હોસ્પિટલમાં બે સ્ટેન્ટ પણ મૂકવામાં આવ્યા હતા. જોકે, સમય જતાં હૃદયને ગંભીર નુકસાન થયું અને અંતે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સિવાય કોઈ વિકલ્પ રહ્યો નહોતો.
મંત્રીના પ્રયાસોથી સારવારનો માર્ગ સરળ બન્યો
કિશને પોતાની બીમારી તેમજ નબળી આર્થિક સ્થિતિ અંગે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાને રજૂઆત કરી હતી. મંત્રીએ તેમની સ્થિતિને ધ્યાને લઈને યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર માટે ભલામણ કરી હતી. તેમના પ્રયાસોના પરિણામે ગત 27 જૂને કિશનનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.
તબીબોની ટીમે જટિલ સર્જરી સફળ બનાવી
ડો. વિશાલ શર્માના માર્ગદર્શન હેઠળ ડો. ચિરાગ દોશી અને ડો. પ્રતિક માણેક સહિતની તબીબી ટીમે હૃદય પ્રત્યારોપણની જટિલ પ્રક્રિયા સફળતાપૂર્વક પાર પાડી હતી. કિશને જણાવ્યું કે ટ્રાન્સપ્લાન્ટ બાદ તેમને જાણે નવું જીવન મળ્યું હોય એવો અહેસાસ થઈ રહ્યો છે.
હોસ્પિટલમાં જન્મદિવસની ઉજવણી બની યાદગાર
ટ્રાન્સપ્લાન્ટ બાદ 3 જુલાઈએ કિશનનો જન્મદિવસ હતો. આ પ્રસંગે યુ.એન. મહેતા હોસ્પિટલના તબીબો અને નર્સિંગ સ્ટાફે તેમની સાથે કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી હતી. કિશનભાઈ માટે આ ક્ષણ જીવનભરનું યાદગાર સંભારણું બની ગઈ છે. સ્વસ્થ થયા બાદ તેમણે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની રૂબરૂ મુલાકાત લઈને આભાર વ્યક્ત કર્યો હતો.
એક અંગદાતાથી અનેક લોકોને મળે છે નવજીવન
આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે એક બ્રેઈનડેડ વ્યક્તિના અંગદાનથી 7થી 8 લોકોને નવજીવન મળી શકે છે. આ ઉપરાંત ચામડી, આંખના કોર્નિયા, હાડકાં અને હૃદયના વાલ્વ જેવા ટીસ્યુના દાનથી અંદાજે 50થી 75 જેટલા જરૂરિયાતમંદ લોકોના જીવનમાં પણ ઉજાસ લાવી શકાય છે.
અંગદાન માટે વધુમાં વધુ લોકોને આગળ આવવા અપીલ
મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં વિવિધ એનજીઓ અને તબીબોના સહયોગથી અંગદાન તથા અંગ પ્રત્યારોપણ અંગે જાગૃતિનું ઉત્તમ કાર્ય થઈ રહ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ, કિડની હોસ્પિટલ અને સુરત સિવિલ હોસ્પિટલ જેવી સરકારી સંસ્થાઓએ અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી છે.
સ્વજન ગુમાવવાના ભારે દુઃખ વચ્ચે પણ અંગદાનનો નિર્ણય લેનારા પરિવારની ઉદારતાને બિરદાવતા મંત્રીએ તેને મહામાનવતાવાદી કાર્ય ગણાવ્યું હતું. તેમણે લોકોને ‘અંગદાન મહાદાન’ની ચળવળમાં સહભાગી બની બ્રેઈનડેડ કેસોમાં વધુમાં વધુ અંગદાન માટે આગળ આવવા અપીલ કરી હતી.
