એમરેટિસ (Emeritus) ની ‘ઇન્ડિયા Gen Z આઉટલુક 2026’ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે, જેમાં વધતો ખર્ચ અને વિઝાની અનિશ્ચિતતા મુખ્ય કારણો છે
નવી દિલ્હી
ભારતીય વિદ્યાર્થીઓ માટે વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવું હંમેશાં લોકપ્રિય રહ્યું છે, પરંતુ યુવા પેઢી (Gen-Z) માં હવે વિદેશમાં ડિગ્રી મેળવવાની ઘેલછા ઓછી થઈ રહી છે. ગ્લોબલ એજ્યુકેશન ફર્મ ‘એમરેટિસ’ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલી ‘ઇન્ડિયા Gen Z આઉટલુક 2026’ રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. 15 થી 28 વર્ષના યુવાનો વચ્ચે કરવામાં આવેલા આ સર્વેમાં જાણવા મળ્યું છે કે વિદેશી અભ્યાસના વધતા ખર્ચ અને વિઝાના કડક નિયમોને કારણે યુવાનો હવે ભારતમાં જ ઉપલબ્ધ આંતરરાષ્ટ્રીય શિક્ષણ પર વધુ ધ્યાન આપી રહ્યા છે.
ત્રણ અલગ-અલગ જૂથો પર રિપોર્ટનો અભ્યાસ આ રિપોર્ટ તૈયાર કરવા માટે વિદ્યાર્થીઓ અને યુવાનોના ત્રણ મુખ્ય જૂથો બનાવવામાં આવ્યા હતા:
- પ્રિ-કૉલેજ વિદ્યાર્થીઓ (સ્કૂલના વિદ્યાર્થીઓ): આ સૌથી યુવા જૂથ છે, જેમાંથી 32% વિદ્યાર્થીઓ જ વિદેશ જવા વિચારે છે, જ્યારે 71% વિદ્યાર્થીઓ આગામી 2 વર્ષમાં ભારતમાં જ અભ્યાસ કરવા ઈચ્છે છે.
- અર્લી-કરિયર યુવાનો (નોકરી): આ જૂથના 85% લોકો વિદેશમાં અભ્યાસને ધ્યાનમાં લે છે, પરંતુ 60% યુવાનો આગામી બે વર્ષમાં ભારતમાં જ અભ્યાસ કરવા અથવા સ્કીલ વધારવામાં રસ ધરાવે છે.
- ટ્રાન્ઝિશન જૂથ (કન્ફ્યુઝન અને ટેન્શનમાં રહેતા વિદ્યાર્થીઓ): આ જૂથના 78% વિદ્યાર્થીઓ વિદેશ જવા વિચારે છે, પરંતુ 92% વિદ્યાર્થીઓ વિઝાની અનિશ્ચિતતાથી બચવા ભારતમાં જ કૉલેજ કે કેમ્પસ પસંદ કરવાનું વધુ યોગ્ય માને છે.
અમેરિકાને લઈને કેમ ઘટી રહી છે દિલચસ્પી? રિપોર્ટ અનુસાર, વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છતા Gen-Z નું સૌથી વધુ મોહભંગ અમેરિકાને લઈને થયું છે. વિદેશમાં ભણવા ઈચ્છતા 35% યુવાનોની નજરમાં અમેરિકા એક વિકલ્પ છે, પરંતુ તેમાંથી 42% યુવાનોએ સ્વીકાર્યું છે કે છેલ્લા એક વર્ષમાં અમેરિકા પ્રત્યે તેમનો રસ ઘટ્યો છે.
અમેરિકાથી મોહભંગ થવાના મુખ્ય કારણો નીચે મુજબ છે:
- 41% વિદ્યાર્થીઓ: અભ્યાસનો ભારે અને અસહ્ય ખર્ચ.
- 34% વિદ્યાર્થીઓ: કડક વિઝા અને ઇમિગ્રેશનના નિયમો.
- 31% વિદ્યાર્થીઓ: પરિવારનો પૂરતો આર્થિક સહયોગ ન મળવો.
વિદ્યાર્થીઓનું કહેવું છે કે યુએસમાં વિઝા મેળવવા અને બાદમાં ગ્રીન કાર્ડ કે નોકરી મેળવવાની પ્રક્રિયા અત્યંત જટિલ બની ગઈ છે, સાથે જ એજ્યુકેશન લોન સમયસર ચૂકવવાનું દબાણ પણ યુવાનોને સ્થાનિક વિકલ્પો પસંદ કરવા પ્રેરી રહ્યું છે.
