ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, પરંતુ પબ્લિક EV ચાર્જિંગ સ્ટેશનો પર ગ્રાહકોની પાંખી હાજરી જોવા મળી રહી છે. મોટાભાગના વાહનમાલિકો ઘરમાં કે ઓફિસે જ ગાડીઓ ચાર્જ કરવાનું પસંદ કરે છે.
નવી દિલ્હી
ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો (EV) ની વેચાણ સાથે ચાર્જિંગ સ્ટેશનોનું નેટવર્ક પણ ઝડપથી વિસ્તરી રહ્યું છે, પરંતુ વાસ્તવિક ચિત્ર કંઈક અલગ જ છે. રૂબિક્સ ડેટા સાયન્સીસ (Rubix Data Sciences) ના એક તાજેતરના અહેવાલ મુજબ, દેશમાં પબ્લિક EV ચાર્જિંગ સ્ટેશનોની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો હોવા છતાં, માત્ર 1% થી 5% લોકો જ તેનો ઉપયોગ કરી રહ્યા છે. ભારે ઉદ્યોગ મંત્રાલય (MHI) ના ડેટા પર આધારિત આ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે વર્ષ 2022માં જ્યાં માત્ર 5,000 સ્ટેશનો હતા, તે વધીને 2025 સુધીમાં 29,151 અને ઓગસ્ટ 2026 સુધીમાં બેટરી-સ્વેપિંગ સેન્ટર્સ સહિત કુલ 67,657 થઈ ગયા છે. આમ છતાં, આટલા મોટા પાયે ફેલાયેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ ખૂબ જ મર્યાદિત સ્તરે થઈ રહ્યો છે.
ચાર્જિંગ સ્ટેશનોના ઓછા ઉપયોગ પાછળનું મુખ્ય કારણ
પબ્લિક ચાર્જિંગ સ્ટેશનોનો ઉપયોગ ઘટવા પાછળનું સૌથી મોટું કારણ લોકોની પોતાની સગવડતા છે. મોટાભાગના EV માલિકો તેમની ગાડીઓને જાહેરમાં ચાર્જ કરવાના બદલે ઘરે કે ઓફિસમાં જ પ્લગ-ઇન કરવાનું વધુ પસંદ કરે છે. ઉદાહરણ તરીકે, ટાટા (Tata) EV ના આશરે 93% ગ્રાહકો તેમની ઇલેક્ટ્રિક કાર ઘર અથવા ઓફિસમાં જ ચાર્જ કરે છે. પબ્લિક ચાર્જિંગ સ્ટેશનોનો ઉપયોગ ફક્ત કોઈ ઈમરજન્સી સ્થિતિમાં કે પછી લાંબા અંતરની મુસાફરી (Long-distance travel) વખતે જ કરવામાં આવે છે. એથર એનર્જી (Ather Energy) ના આંકડા પણ દર્શાવે છે કે વર્ષ 2021માં તેમના 90 થી 95 ટકા ગ્રાહકો ઘરે જ ચાર્જિંગ કરવાનું પસંદ કરતા હતા.
ચાર્જિંગ પોઈન્ટ ઓપરેટર્સ (CPOs) ની આર્થિક મુશ્કેલીઓ
ઓપરેટર્સ માટે આ સ્થિતિ ભારે ચિંતાજનક બની ગઈ છે. સ્ટેશનોનો ઓખો ઉપયોગ થવાને કારણે ચાર્જ પોઈન્ટ ઓપરેટર્સ (CPOs) માટે બિઝનેસ ચાલુ રાખવો અને નફો રળવો મુશ્કેલ બન્યો છે. ઓપરેટર્સે જમીનનું ભાડું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, વીજળીનું બિલ અને મેન્ટેનન્સ પાછળ સતત ખર્ચ કરવો પડે છે જેથી સ્ટેશન ચોવીસ કલાક ચાલુ રહી શકે. આ ઉપરાંત, ભારતના અલગ-અલગ રાજ્યોમાં EV ચાર્જિંગ માટે વીજળીના દર 6 થી 12 રૂપિયા પ્રતિ kWh સુધી અલગ-અલગ છે, જેના કારણે સમગ્ર દેશમાં એક સરખા ભાવ નક્કી કરવા મુશ્કેલ બને છે.
ઇલેક્ટ્રિક કારોનું સતત વધતું વેચાણ
એક તરફ ચાર્જિંગ સ્ટેશનો ખાલી પડી રહ્યા છે, તો બીજી તરફ ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ દિવસે-દિવસે વધી રહી છે. વર્ષ 2025માં દેશમાં 23 લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનો (ટૂ-વ્હીલર, થ્રી-વ્હીલર અને ફોર-વ્હીલર) વેચાયા હતા. ઇન્ડિયા એનર્જી સ્ટોરેજ એલાયન્સ (IESA) ના અનુમાન મુજબ, વર્ષ 2032 સુધીમાં વાર્ષિક EV વેચાણ 3.04 કરોડ યુનિટ સુધી પહોંચી શકે છે. જેમ જેમ ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા વધશે, તેમ ભવિષ્યમાં ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની માંગ વધુ તીવ્ર બનવાની પૂરી સંભાવના છે.
2030 સુધીમાં 13 લાખ ચાર્જિંગ પોઈન્ટ્સની જરૂર પડશે
ભારતીય ઉદ્યોગ પરિસંઘ (CII) ના અંદાજ મુજબ, વર્ષ 2030 સુધીમાં ભારતને અંદાજે 13 લાખથી વધુ પબ્લિક ચાર્જિંગ પોઈન્ટ્સની જરૂર પડશે. એટલે કે દર 40 EV પર ઓછામાં ઓછા 1 ચાર્જરનું પ્રમાણ હોવું અનિવાર્ય છે. આ આંકડો વર્તમાન સંખ્યા કરતા લગભગ 20 ગણો વધુ છે, જે દર્શાવે છે કે આગામી સમયમાં આ ક્ષેત્રે મોટા પાયે કામગીરી કરવી પડશે.
