અમદાવાદમાં ‘Bharat Discourses on Water @2047’નું આયોજન; જળ સંરક્ષણ, ભૂગર્ભજળ, નદી પુનર્જીવન અને શહેરી જળ સુરક્ષા જેવા મુદ્દાઓ પર નિષ્ણાતોની ચર્ચા
અમદાવાદ
ભારતના જળ ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટે સરકાર, સંસ્થાઓ અને સમાજે સાથે મળીને કામગીરી કરવાની જરૂરિયાત પર ભાર મૂકાયો છે. જળ સંરક્ષણ, જવાબદાર પાણીનો ઉપયોગ અને ટકાઉ જળ વ્યવસ્થાપન અંગે જાગૃતિ વધારવાના હેતુથી ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેન્ટર ફોર વોટર પીસ (CWP), ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી રિસર્ચ ફાઉન્ડેશન (SPMRF) અને i-હબના સહયોગી અમદાવાદના KCG ઓડિટોરિયમમાં ‘ભારત ડિસકોર્સ ઓન વોટર @2047’નું આયોજન કરવામાં આવ્યું હતું.
જળ પડકારો અંગે નીતિ નિર્માતાઓ અને નિષ્ણાતોની ચર્ચા
પરિષદમાં નીતિ નિર્માતાઓ, વૈજ્ઞાનિકો, જળ નિષ્ણાતો, ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ, ગ્રાસરૂટ્સ સ્તરે કાર્યરત આગેવાનો અને યુવા ઇનોવેટર્સ એક મંચ પર આવ્યા હતા. આ દરમિયાન ભારત સામેના જળ પડકારો, ભૂગર્ભજળ સંરક્ષણ, જળવાયુ પરિવર્તન, નદી પુનર્જીવન, શહેરી જળ સુરક્ષા, નવીનતા અને ટકાઉ જળ વ્યવસ્થાપન સહિતના વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
‘Water for All’ માટે દરેક વ્યક્તિની જવાબદારી જરૂરીઃ ડો. અનિલ પ્રકાશ જોશી
પદ્મ ભૂષણ ડો.અનિલ પ્રકાશ જોષીએ પાણીના સંરક્ષણને સામૂહિક જવાબદારી ગણાવતાં જણાવ્યું હતું કે ભારતની દિશા ‘Water for All’ની હોવી જોઈએ. તેમણે કહ્યું કે આ વિઝન ત્યારે જ સાકાર થઈ શકે, જ્યારે દરેક વ્યક્તિ પ્રકૃતિ સાથેના પોતાના સંબંધને સમજે અને પાણીના દરેક ટીપાને બચાવવાની જવાબદારી સ્વીકારે.
તેમણે વધુમાં જણાવ્યું કે જળ સુરક્ષા માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાથી શક્ય નથી. તેના માટે વિચારસરણી, જીવનશૈલી અને કુદરતી સંસાધનો પ્રત્યેના અભિગમમાં પરિવર્તન જરૂરી છે. સરકાર, સંસ્થાઓ, સમુદાયો અને નાગરિકો સાથે મળીને કાર્ય કરશે તો જ વર્તમાન અને આવનારી પેઢી માટે પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી શકાશે.
જળ સંરક્ષણને સરકારી કાર્યક્રમ નહીં, જનઆંદોલન બનાવવાની જરૂરઃ ઉમાશંકર પાંડે
પદ્મશ્રી ઉમાશંકર પાંડેએ જળ સંરક્ષણમાં જનભાગીદારીના મહત્વ પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે ભારતના જળ પડકારોનો ઉકેલ માત્ર સરકારના પ્રયાસોથી નહીં, પરંતુ દરેક ગામ, સમુદાય અને નાગરિકની સક્રિય ભાગીદારીથી શક્ય બનશે.
તેમણે જણાવ્યું કે લોકો પોતાના સ્થાનિક જળસ્રોતોની જવાબદારી સ્વીકારે, પરંપરાગત જળ વ્યવસ્થાઓનું સંરક્ષણ કરે અને સામૂહિક રીતે કામગીરી કરે તો જળ સંરક્ષણ સરકારી કાર્યક્રમ પૂરતું સીમિત ન રહે અને જનઆંદોલનનું સ્વરૂપ ધારણ કરી શકે. ભારતની પરંપરાગત જ્ઞાન પરંપરામાં પાણીના સન્માન અને સંરક્ષણની સમજ પહેલેથી જ રહેલી છે, જેને ફરીથી રોજિંદા જીવનનો હિસ્સો બનાવવાની જરૂર છે.
જળ સુરક્ષા માટે જાગૃતિ અને વર્તણૂકમાં પરિવર્તન જરૂરી
ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ડો.મયુર જોષીએ જણાવ્યું હતું કે જળ સુરક્ષા માત્ર સરકારોના પ્રયાસોથી પ્રાપ્ત થઈ શકે નહીં. તેના માટે જાગૃતિ, વર્તણૂકમાં પરિવર્તન અને સામૂહિક પ્રયાસ જરૂરી છે.
તેમણે જણાવ્યું કે સંસ્થાનો પ્રયાસ જળ અંગેની ચર્ચાને કોન્ફરન્સ હોલથી આગળ લઈ જઈને સમુદાયો સુધી પહોંચાડવાનો છે, જેથી જળ સંરક્ષણ સૌની સહિયારી જવાબદારી બની શકે.
પરંપરાગત જળસંચય પ્રણાલીઓના પુનઃજીવન પર ભાર
પરિષદમાં ભારતની પરંપરાગત જળ સંરક્ષણ પદ્ધતિઓને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું હતું. જોહડ, બાઓલી, કુંડ અને અન્ય પરંપરાગત જળસંચય પ્રણાલીઓના સંરક્ષણ તથા પુનઃજીવન અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉપરાંત ભૂગર્ભજળનું સંરક્ષણ, નદી પુનર્જીવન, જળવાયુ સ્થિતિસ્થાપકતા અને શહેરોમાં વધતી જળ જરૂરિયાતોને પહોંચી વળવા માટે ટકાઉ જળ વ્યવસ્થાપનના અભિગમ અંગે પણ નિષ્ણાતોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા.
અનેક આગેવાનો અને નિષ્ણાતોની ઉપસ્થિતિ
પરિષદમાં વિનય સહસ્રબુદ્ધે, ભૂતપૂર્વ સંસદસભ્ય, રાજ્યસભા અને ભૂતપૂર્વ પ્રમુખ, ICCR; બિનય કુમાર સિંઘ, ડાયરેક્ટર, SPMRF; પદ્મશ્રી સતપાલ સિંહ; ડૉ. વિવેક કુમાર, હેડ, સેન્ટર ફોર રૂરલ ડેવલપમેન્ટ એન્ડ ટેકનોલોજી, IIT દિલ્હી; પ્રો.(ડૉ.) અમી ઉપાધ્યાય, માન. વાઇસ ચાન્સેલર, BAOU; દિલીપ રાણા IAS, કમિશ્નર ઓફ હાયર ટેક્નિકલ એજ્યુકેશન, ગુજરાત સરકાર; ઉમાકાંત ઉમરાવ, વરિષ્ઠ IAS અને મુખ્ય સચિવ, મધ્ય પ્રદેશ સરકાર; પદ્મશ્રી મહેશ શર્મા; ચિરંજીવી પટેલ ‘ગ્રીનમેન ઓફ ઈન્ડિયા’ તરીકે ભૂતપૂર્વ વિજય બઘેલ સહિતના અગ્રણીઓ અને નિષ્ણાતોની ઉપસ્થિતિ રહી હતી.
‘Bharat Water Manifesto 2047’ને અપાશે આકાર
પરિષદ દરમિયાન થયેલી ચર્ચાઓ અને રજૂ થયેલા વિચારોના આધારે પ્રસ્તાવિત ‘Bharat Water Manifesto 2047’ને આકાર આપવામાં આવશે. પરિષદનો મુખ્ય સંદેશ રહ્યો કે જળ સુરક્ષિત ભારતનું નિર્માણ સરકારની નીતિઓ સાથે જનભાગીદારી, જવાબદાર વપરાશ અને આજે બચાવવામાં આવતા પાણીના દરેક ટીપાથી શરૂ થાય છે.
