અમદાવાદમાં ભારતે પ્રથમ દાવમાં 315 રનનો મજબૂત સ્કોર નોંધાવ્યો, તન્મય બલોડાની ઘાતક બોલિંગથી ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગ્સ પણ લથડી
અમદાવાદ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ‘એ’ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલી ઓસ્ટ્રેલિયા અંડર-19ની ભારત ટૂરની મલ્ટી-ડે સિરીઝ 2026-27ની મેચમાં ભારત અંડર-19એ પ્રથમ દાવમાં શાનદાર બેટિંગ પ્રદર્શન કરતાં 78.4 ઓવરમાં 315 રનમાં ઓલઆઉટ થયું હતું. ઓસ્ટ્રેલિયા અંડર-19ની બીજી ઈનિંગ્સમાં પણ શરૂઆત મુશ્કેલ રહી હતી અને બીજા દિવસના અંતે ટીમે 26 ઓવરમાં 4 વિકેટે 86 રન બનાવ્યા હતા. અગાઉ ઓસ્ટ્રેલિયાએ તેના પ્રથમ દાવમાં 174 રન બનાવ્યા હતા.
ભારતની ઇનિંગ્સમાં અભિપ્રાઈ બિશ્વાસના આક્રમક 73 રન
ટોસ જીતીને ભારત અંડર-19એ પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી. જોકે મેચની પરિસ્થિતિ અનુસાર ભારતને પ્રથમ બેટિંગ કરવાની તક મળ્યા બાદ ટીમે ઉપયોગી સ્કોર ઊભો કર્યો હતો. વિકેટકીપર-બેટર અભિપ્રાઈ બિશ્વાસે 62 બોલમાં 73 રનની આક્રમક ઇનિંગ્સ રમી હતી, જેમાં 11 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે.
કુશાગ્ર ઓઝાએ 61 બોલમાં 61 રન બનાવી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. કેપ્ટન યશવર્ધન ચૌહાણે 83 બોલમાં 52 રન બનાવી ઇનિંગ્સને સ્થિરતા આપી હતી. માનલ ચૌહાણે પણ 50 બોલમાં 34 રનનું યોગદાન આપ્યું હતું. પ્રિયાંશુ સિંહે 66 બોલમાં અણનમ 30 રન બનાવ્યા હતા.
સ્પેલન્સર ગ્રીનની છ વિકેટ
ઓસ્ટ્રેલિયાના બોલિંગ આક્રમણમાં સ્પેલન્સર ગ્રીન સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 29 ઓવરમાં 7 મેડન સાથે 110 રન આપીને ભારતની 6 વિકેટ ઝડપી હતી. થોમસ વાસેઓએ 19 ઓવરમાં 72 રન આપી 3 વિકેટ ઝડપી હતી, જ્યારે જેકોબ પીએટ્ઝને એક વિકેટ મળી હતી.
તન્મય બલોડાની ઘાતક બોલિંગ
315 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયા અંડર-19ની શરૂઆત સારી રહી નહોતી. ભારતીય બોલર તન્મય બલોડાએ શાનદાર બોલિંગ કરતાં માત્ર 8 ઓવરમાં 28 રન આપી 4 વિકેટ ઝડપી હતી. તેની ઘાતક બોલિંગના કારણે ઓસ્ટ્રેલિયાની ટોચની બેટિંગ લાઇન-અપ દબાણમાં આવી ગઈ હતી.
ઓસ્ટ્રેલિયા તરફથી બ્લેક કેટલે અણનમ 40 રન બનાવી ટીમની ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. એલી બ્રેઈને 35 રનની ઝડપી ઇનિંગ્સ રમી હતી. કેપ્ટન મેથ્યુ લોફ 11 રન બનાવી આઉટ થયો હતો, જ્યારે ઝેડ હોલિક 13 રને અણનમ રહ્યો હતો.
ભારતને પ્રથમ દાવમાં 141 રનની લીડ
દિવસની રમત પૂર્ણ થતાં ઓસ્ટ્રેલિયા અંડર-19ના સ્કોરબોર્ડ પર 26 ઓવરમાં 4 વિકેટે 86 રન હતા. ભારતે પ્રથમ દાવમાં 315 રન બનાવ્યા હોવાથી ઓસ્ટ્રેલિયા હજુ 55 રનથી પાછળ છે. રમતના હજુ બે દિવસ બાકી છે ત્યારે ભારત પ્રવાસી ટીમને વહેલામાં વહેલી તકે આઉટ કરીને આસાન વિજય મેળવવા પ્રયાસ કરશે.
સ્કોર સંક્ષેપ:
ઓસ્ટ્રેલિયા અંડર-19: પ્રથમ ઈનિંગ્સઃ 174
ભારત અંડર-19:પ્રથમ ઈનિંગ્સઃ 315/10 (78.4 ઓવર)
ઓસ્ટ્રેલિયા અંડર-19: પ્રથમ ઈનિંગ્સઃ 86/4 (26 ઓવર)
