રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં આવેલા BSF, CRPF અને ITBPના જવાનોના આરોગ્ય માટે ખાસ વ્યવસ્થા : દરેક બ્લોક દીઠ 4 આરોગ્ય કર્મચારીઓની નિમણૂક કરવા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના આદેશ
ગાંધીનગર
રાજ્યમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા સહિતના વાહકજન્ય રોગોના નિયંત્રણ અને અટકાયતી પગલાંને લઈને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે હાઇ-લેવલ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મહાનગરપાલિકા વિસ્તારોમાં વાહકજન્ય રોગોની સ્થિતિની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
પરેડ જવાનોના આરોગ્ય માટે વિશેષ વ્યવસ્થા
રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં ભાગ લેવા માટે વિવિધ રાજ્યોમાંથી BSF, CRPF અને ITBPના જવાનો 21 સપ્ટેમ્બરથી ગાંધીનગર ખાતે આવી પહોંચ્યા છે. આ જવાનોના નિવાસ માટે ગાંધીનગર શહેરના સેક્ટર-28 અને 29માં આવેલા સરકારી આવાસમાં કામચલાઉ વ્યવસ્થા કરવામાં આવી છે. નવા બનેલા આ સરકારી આવાસ વિસ્તારમાં પાણી ભરાવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે કેટલાક જવાનોમાં ડેન્ગ્યુના કેસ નોંધાયા છે અને તેઓ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ સ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જવાનોના આરોગ્ય અંગે વિગતવાર માહિતી મેળવી અધિકારીઓને તાત્કાલિક અને સઘન કામગીરીના આદેશ આપ્યા હતા.
દરેક બ્લોકમાં ચાર આરોગ્ય કર્મચારીઓ તૈનાત
આરોગ્ય વિભાગની ટીમોને અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન ફોગિંગ, દવાઓનો છંટકાવ અને પેશન્ટ ટ્રેકિંગની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. જવાનોના નિવાસસ્થાન તેમજ પરેડ ગ્રાઉન્ડ ખાતે તાવના કેસો અંગે સતત સર્વેલન્સ, પોરાનાશક કામગીરી અને દૈનિક ફોગિંગ હાથ ધરાશે.
જવાનોના સરકારી આવાસના દરેક બ્લોક દીઠ ચાર આરોગ્ય કર્મચારીઓ નિયુક્ત કરવા માટે પણ આરોગ્ય મંત્રીએ સ્પષ્ટ આદેશ આપ્યો છે. આવાસ પરિસરના કોઈપણ ખૂણામાં પાણી ભરાઈ ન રહે તેની સઘન ચકાસણી કરી પાણીનો તાત્કાલિક નિકાલ કરવા પણ અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે.
ચાંદીપુરા વાયરસ પર પણ નિયંત્રણ
બેઠક દરમિયાન આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં છેલ્લા બે મહિનામાં ચાંદીપુરા વાયરસનો એક પણ નવો કેસ નોંધાયો નથી. રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો ત્યારથી આરોગ્ય વિભાગની ટીમોએ સતત અને સઘન કામગીરી કરીને વાયરસના ફેલાવાને સફળતાપૂર્વક અટકાવ્યો છે. આ કામગીરી બદલ તેમણે આરોગ્ય વિભાગની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
મેલેરિયા અને ડેન્ગ્યુના કેસોમાં ઘટાડો
આરોગ્ય મંત્રીના જણાવ્યા મુજબ, આરોગ્ય વિભાગની સતત કામગીરી અને વ્યાપક જાગૃતિ અભિયાનના પરિણામે વર્ષ 2026માં ગત વર્ષની સરખામણીએ રાજ્યમાં મેલેરિયાના કેસોમાં 39.6 ટકા અને ડેન્ગ્યુના કેસોમાં 20.6 ટકાનો ઘટાડો નોંધાયો છે.
ચાલુ વર્ષે 40મા સપ્તાહ સુધીમાં રાજ્યભરમાં 1.39 કરોડથી વધુ લોહીના નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાં 1,401 દર્દીઓમાં મેલેરિયાનું નિદાન થયું છે. ડેન્ગ્યુના સચોટ નિદાન માટે રાજ્યની મેડિકલ કોલેજો સાથે સંલગ્ન 42 હોસ્પિટલોમાં ખાસ નિદાન કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. આ કેન્દ્રોમાં 40મા સપ્તાહ સુધીમાં 1.50 લાખથી વધુ સીરમ સેમ્પલની તપાસ કરવામાં આવી હતી, જેમાં 2,345 દર્દીઓ ડેન્ગ્યુ પોઝિટિવ મળ્યા હતા.
નાગરિકોને પાણી ન ભરાવા દેવા અપીલ
રાજ્યમાં મેલેરિયા વિરોધી દવાઓ, જંતુનાશક દવાઓ, લાર્વિસાઇડ્સ તેમજ અન્ય જરૂરી સાધન-સામગ્રીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું. તેમણે રાજ્યના નાગરિકોને પોતાના ઘર અને આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ ન રહે તેની ખાસ તકેદારી રાખવા તથા મચ્છરજન્ય રોગોથી બચવા જરૂરી સાવચેતી રાખવા અપીલ કરી હતી.
