નમ્રતા અદાણીના નેતૃત્વમાં ISSOનું વિસ્તરણ, 630થી વધુ સ્કૂલો અને 28 હજાર વિદ્યાર્થી એથ્લિટ્સ જોડાશે

Spread the love

2026-27ની સિઝનમાં સ્કૂલ સ્પોર્ટ્સ માટે હાઈ પર્ફોર્મન્સ ટ્રેનિંગ, કોચ એજ્યુકેશન અને સ્પોર્ટ્સ કરિયર માર્ગદર્શન પર ભાર

અમદાવાદ

ઇન્ડિયન સ્કૂલ સ્પોર્ટ્સ ઓર્ગેનાઇઝેશન (ISSO) આગામી સિઝનમાં પોતાના નેટવર્કને 630થી વધુ શાળાઓ સુધી વિસ્તારી રહ્યું છે. ISSOના એડવાઈઝરી બોર્ડના સભ્ય તથા અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદના ફાઉન્ડિંગ ડિરેક્ટર અને પ્રમોટર નમ્રતા અદાણીના નેતૃત્વમાં 2026-27ની સિઝનમાં 28 હજારથી વધુ વિદ્યાર્થી એથ્લિટ્સને રમતગમતની વિવિધ તકો સાથે જોડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ વિસ્તરણ દ્વારા સ્કૂલ સ્પોર્ટ્સને માત્ર સ્પર્ધા પૂરતું મર્યાદિત ન રાખી, હાઈ પર્ફોર્મન્સ ટ્રેનિંગ, કોચિંગ, સ્પોર્ટ્સ કરિયર અને આંતરરાષ્ટ્રીય જોડાણ સાથેનું વ્યાપક ઈકોસિસ્ટમ ઊભું કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

બે વર્ષમાં 440થી 630 સ્કૂલો સુધી પહોંચ્યું નેટવર્ક

ISSOના નેટવર્કમાં છેલ્લા બે વર્ષમાં નોંધપાત્ર વધારો થયો છે. 2024-25માં 440 શાળાઓ અને 21,100 વિદ્યાર્થી એથ્લિટ્સ સાથે શરૂ થયેલી ભાગીદારી 2025-26માં વધીને 510 શાળાઓ અને 24,900 વિદ્યાર્થીઓ સુધી પહોંચી હતી. હવે 2026-27ની સિઝનમાં આ નેટવર્ક 630થી વધુ શાળાઓ અને 28 હજારથી વધુ વિદ્યાર્થી એથ્લિટ્સ સુધી પહોંચવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આ વૃદ્ધિ શાળાઓ, વાલીઓ અને શિક્ષણ સમુદાયમાં ISSO પ્રત્યે વધી રહેલા વિશ્વાસને દર્શાવે છે.

‘દરેક બાળકને રમતગમતમાં પોતાની ક્ષમતા શોધવાની તક મળે’

ISSOના વિકાસ અંગે નમ્રતા અદાનીએ જણાવ્યું હતું કે દરેક બાળકને રમતગમતની પરિવર્તનશીલ શક્તિને શોધવાની તક મળવી જોઈએ. તેમના જણાવ્યા મુજબ ISSO એવી ઇકોસિસ્ટમ તૈયાર કરી રહ્યું છે, જેમાં વિદ્યાર્થી ખેલાડીઓને માત્ર સ્પર્ધા કરવા માટે નહીં, પરંતુ નેતૃત્વ, શીખવાની પ્રક્રિયા અને વ્યક્તિગત વિકાસ માટે પણ પ્રોત્સાહન મળે. તેમણે પ્રતિભાને વિકસાવવા, કોચને સશક્ત બનાવવા અને વિદ્યાર્થીઓ માટે નવી તકો ઊભી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

ISSO IGNITEથી હાઈ પર્ફોર્મન્સ ટ્રેનિંગ

ISSO દ્વારા સ્પર્ધાઓની સાથે ઉચ્ચ સ્તરીય તાલીમ પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. ISSO IGNITE હેઠળ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત કોચ દ્વારા રેસિડેન્શિયલ હાઈ પર્ફોર્મન્સ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. તેનો હેતુ પ્રતિભાશાળી વિદ્યાર્થી ખેલાડીઓને વધુ વ્યવસ્થિત તાલીમ અને સ્પર્ધાત્મક વાતાવરણ પૂરું પાડવાનો છે.

આંતરરાષ્ટ્રીય ભાગીદારીથી કોચિંગ ઈકોસિસ્ટમ મજબૂત

ISSO એકેડેમી દ્વારા International School Sport Federation (ISF) Academy, FIBA, International Table Tennis Federation (ITTF), Badminton World Federation (BWF) અને Kukkiwon સાથેની ભાગીદારીના માધ્યમથી કોચિંગ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરના શિક્ષણ અને સર્ટિફિકેશન પ્રોગ્રામ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. આ પહેલનો હેતુ ભારતમાં સ્કૂલ સ્પોર્ટ્સ માટે વધુ કુશળ અને પ્રમાણિત કોચ તૈયાર કરવાનો છે.

SCOREથી સ્પોર્ટ્સ કરિયર માટે માર્ગદર્શન

વિદ્યાર્થીઓને રમતગમત સાથે જોડાયેલી કારકિર્દીની તકો અંગે માર્ગદર્શન આપવા ISSOએ SCORE (Sports Career Opportunities Reimagined) પણ શરૂ કર્યું છે. આ પહેલ હેઠળ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીઓ, ઇન્ડસ્ટ્રી લીડર્સ અને સ્પોર્ટ્સ પ્રોફેશનલ્સ સાથે જોડીને એકેડેમિક તથા કરિયર સંબંધિત યોગ્ય વિકલ્પો પસંદ કરવામાં મદદ કરવામાં આવે છે. ઉપરાંત, DP World Professional Golf Tour of India (PGTI) સાથેના જોડાણ દ્વારા યુવા ગોલ્ફર્સ માટે પણ માળખાગત માર્ગ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

સપ્ટેમ્બર સુધી અનેક રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ

ISSOની 2026-27 સિઝનનો તબક્કો સપ્ટેમ્બર 2026 સુધી આગળ વધશે. આ સમયગાળા દરમિયાન ફૂટબોલ, ટેનિસ, ચેસ, સ્વિમિંગ, જુડો, તાઈક્વાન્ડો, કરાટે અને બેડમિન્ટન સહિતની રમતોમાં રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ યોજાશે. સિઝનના પછીના મહિનાઓમાં અન્ય માર્કી ઈવેન્ટ્સનું પણ આયોજન કરવામાં આવશે.

નમ્રતા અદાણીના નેતૃત્વમાં ISSOનું વિસ્તરણ ભારતીય સ્કૂલ સ્પોર્ટ્સને વધુ સંગઠિત અને ભવિષ્યલક્ષી બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું બની રહ્યું છે. ગુણવત્તાસભર સ્પર્ધા સાથે વર્લ્ડ-ક્લાસ કોચિંગ, સ્પોર્ટ્સ કરિયર માર્ગદર્શન અને વૈશ્વિક જોડાણ દ્વારા ભાવિ એથ્લિટ્સ, કોચ અને રમતગમત ક્ષેત્રના પ્રોફેશનલ્સ માટે મજબૂત પાયો ઊભો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *