ટ્રેનના સમયમાં ફેરફારની આગોતરી જાણ ન કરવા બદલ કેરળના ગ્રાહક આયોગનો મોટો આદેશ
નવી દિલ્હી:
ભારતીય રેલવેની મોટી બેદરકારી સામે આવી છે, જેમાં સમય કરતાં આશરે 3 કલાક વહેલી ટ્રેન દોડાવવા અને મુસાફરને તેની કોઈ પણ પ્રકારની પૂર્વ સૂચના ન આપવા બદલ તિરુવનંતપુરમ જિલ્લા ગ્રાહક વિવાદ નિવારણ આયોગે રેલવે વિરુદ્ધ સખત વલણ અપનાવ્યું છે. આ મામલામાં ગ્રાહકે રેલવે સામે કાનૂની લડત જીતી લીધી છે અને હવે રેલવેએ વ્યાજ સહિત આશરે ₹૩૨,૦૦૦નું વળતર ચૂકવવું પડશે.
શું છે સમગ્ર મામલો?
શિકાયતકર્તા પ્રશાંત કુમાર પી. નામના મુસાફરે મૂકાંબિકા મંદિરના પરિવાર સાથે દર્શન કર્યા બાદ ૩ નવેમ્બર ૨૦૧૯ના રોજ મંગલુરુથી તિરુવનંતપુરમ પરત ફરવા માટે ‘NZM-TVC સુપરફાસ્ટ એક્સપ્રેસ’માં ૧૦ લોકો માટે રિટર્ન ટિકિટ બુક કરાવાવી હતી. જ્યારે આ તમામ મુસાફરો સાંજે આશરે ૫ વાગ્યે મંગલુરુ સ્ટેશન પહોંચ્યા, ત્યારે તેમને જાણવા મળ્યું કે સમયપત્રકમાં ફેરફાર થવાને કારણે આ ટ્રેન બપોરે ૨:૫૦ વાગ્યે જ રવાના થઈ ચૂકી હતી. ટ્રેન છૂટી જવાથી આ પરિવારે અંત્યોદય એક્સપ્રેસમાં જનરલ ક્લાસની ટિકિટ ખરીદીને ભારે મુશ્કેલી સાથે ઘર તરફ પરત ફરવું પડ્યું હતું.
રેલવેની દલીલો ગ્રાહક આયોગે ફગાવી
આ મામલો ગ્રાહક ફોરમમાં પહોંચ્યા બાદ રેલવેએ પોતાની સફાઈમાં દલીલ કરી હતી કે ૧ નવેમ્બર ૨૦૧૯થી નોન-મોન્સૂન સમયપત્રક લાગુ કરવામાં આવ્યું હતું. તેની માહિતી અખબારો અને ટિકિટો પર લખેલી સૂચનાઓ દ્વારા આપવામાં આવી હતી. રેલવેએ એવું પણ કહ્યું કે શિકાયતકર્તાએ અધિકૃત એપ (NTES)ને બદલે એક પ્રાઈવેટ એપ પર ભરોસો કર્યો હતો.
ગ્રાહક ફોરમે રેલવેની આ તમામ દલીલોને ફગાવી દીધી હતી. આયોગે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે મુસાફરોને સમયસર અને ગુણવત્તાસભર સેવા મેળવવાનો સંપૂર્ણ અધિકાર છે. તેઓ રેલવે પ્રશાસનની મનમાનીનો ભોગ બની શકે નહીં. જો સાર્વજનિક પરિવહને ટકી રહેવું હોય, તો પોતાની કાર્યશૈલી સુધારવી પડશે. મુસાફરો અધિકારીઓની દયા પર જીવી રહ્યા નથી. આયોગે નોંધ્યું કે રેલવે એ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યું કે તેણે મુસાફરને સમય બદલાયા અંગે કોઈ વ્યક્તિગત અથવા યોગ્ય નોટિસ મોકલી હતી.
રેલવેએ કેટલું વળતર ચૂકવવું પડશે?
ગ્રાહક આયોગે રેલવે પ્રશાસનને નીચે મુજબની રકમ ચૂકવવાનો આદેશ આપ્યો છે:
- ₹૩,૭૮४: ટિકિટની મૂળ રકમ (૩ નવેમ્બર ૨૦૧૯થી ૬% વાર્ષિક વ્યાજ સાથે).
- ₹૨૫,૦૦૦: માનસિક ત્રાસ અને અગવડતા બદલ વળતર.
- ₹૩,૦૦૦: કાનૂની લડાઈનો ખર્ચ.
આ ઉપરાંત, આયોગે કડક ચેતવણી આપી છે કે જો રેલવે એક મહિનાની અંદર આ રકમની ચુકવણી નહીં કરે, તો કેસના ખર્ચ સિવાયની બાકીની સમગ્ર રકમ પર દર વર્ષે ૯% લેખે વ્યાજ ચૂકવવું પડશે.
