૨૨ સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીની ઉપસ્થિતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે ભવ્ય સમારોહ
રાજપીપલા
ભારતીય સિનેમાના પ્રતિષ્ઠિત ૭૨મા નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહનું આયોજન આગામી ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરવામાં આવનાર છે. ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાનારા આ ભવ્ય સમારોહની પૂર્વ તૈયારીઓને લઈને એકતાનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં સમારોહને સફળતાપૂર્વક પાર પાડવા માટેની વિવિધ વ્યવસ્થાઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
પ્રથમ વખત નવી દિલ્હી બહાર નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ
વર્ષ ૧૯૫૪માં નેશનલ ફિલ્મ એવોર્ડની શરૂઆત થયા બાદ પ્રથમ વખત આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સમારોહનું આયોજન નવી દિલ્હી બહાર કરવામાં આવી રહ્યું છે. વિશ્વપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ એકતાનગર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારા આ કાર્યક્રમને લઈને સ્થાનિક વહીવટી તંત્ર તેમજ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો દ્વારા તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. આ આયોજન ગુજરાત માટે પણ ગૌરવપૂર્ણ ક્ષણ બની રહેવાની અપેક્ષા છે.
માહિતી અને પ્રસારણ મંત્રાલયની અધ્યક્ષતામાં બેઠક
સમારોહની પૂર્વ તૈયારીઓ અને વ્યવસ્થાઓની સમીક્ષા માટે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના અધિક સચિવ પ્રભાતજીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં કાર્યક્રમ સાથે સંકળાયેલા કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓએ ઉપસ્થિત રહી વિવિધ કામગીરી અંગે ચર્ચા કરી હતી. સમારોહના દરેક પાસાને સુચારુ રીતે સંકલિત કરવા માટે જરૂરી આયોજન અંગે અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પ્રોટોકોલ અને સુરક્ષા વ્યવસ્થાઓ પર વિશેષ ભાર
બેઠક દરમિયાન માનનીય રાષ્ટ્રપતિશ્રીના પ્રોટોકોલને અનુરૂપ જરૂરી વ્યવસ્થાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત પુરસ્કાર વિજેતાઓ, આમંત્રિત મહાનુભાવો અને વીવીઆઈપી મહેમાનો માટેની સુવિધાઓ, સુરક્ષા વ્યવસ્થા, પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગો, મહાનુભાવોના આગમન-પ્રસ્થાન તેમજ પરિવહન વ્યવસ્થા સહિતના વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન કોઈપણ પ્રકારની અગવડ ન સર્જાય તે માટે વિભાગવાર જવાબદારીઓ અંગે પણ ચર્ચા થઈ હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટી બસ-બે ખાતે સ્થળ નિરીક્ષણ
ઉચ્ચસ્તરીય બેઠક બાદ અધિકારીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી બસ-બે ખાતે કાર્યક્રમ માટે નિર્ધારિત સ્થળની મુલાકાત લીધી હતી. સ્થળ પર કાર્યક્રમના આયોજન સાથે સંકળાયેલી વિવિધ વ્યવસ્થાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મહાનુભાવોના આગમન અને પ્રસ્થાન, પાર્કિંગ, સુરક્ષા, પ્રોટોકોલ તથા અન્ય જરૂરી વ્યવસ્થાઓ અંગે સ્થળ પર જ સંબંધિત અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
કેન્દ્ર અને રાજ્યના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિ
બેઠકમાં ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના સંયુક્ત સચિવ કે.કે. નિરાલા અને ડૉ. અજય નાગભૂષણ, નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NFDC)ના વરિષ્ઠ અધિકારીઓ, નર્મદા જિલ્લા કલેક્ટર ગંગા સિંઘ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા, જિલ્લા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત માહિતી અને પ્રસારણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, દૂરદર્શન અને આકાશવાણીના અધિકારીઓ, જિલ્લા વહીવટી તંત્ર તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના વરિષ્ઠ અધિકારીઓ અને સંબંધિત વિભાગોના અધિકારીઓએ પણ બેઠકમાં ભાગ લીધો હતો. આગામી ૨૨ સપ્ટેમ્બરે યોજાનારા આ ઐતિહાસિક સમારોહને ભવ્ય, સુવ્યવસ્થિત અને સફળ બનાવવા માટે વિવિધ વિભાગો વચ્ચે સંકલન સાથે કામગીરી આગળ ધપાવવામાં આવી રહી છે.
