ગુજરાત વિધાનસભામાં ‘BHISHM Cube-R300’નું વિશિષ્ટ નિદર્શન, આપત્તિમાં મિનિટોમાં મોબાઈલ હોસ્પિટલ બનશે

Spread the love

300 જેટલા ઈજાગ્રસ્તોને એકસાથે ઇમરજન્સી સારવાર આપી શકશે; ટ્રોમા કેર, સર્જરી, મિની-લેબ અને ઓક્સિજન સહિતની સુવિધાઓથી સજ્જ

અમદાવાદ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગુજરાત વિધાનસભા ખાતે અદ્યતન પોર્ટેબલ મોબાઈલ ઇમરજન્સી મેડિકલ હોસ્પિટલ ‘BHISHM Cube-R300’ના વિશિષ્ટ નિદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. ભારત સરકારના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય (NSCS)ના માર્ગદર્શન હેઠળની આરોગ્ય મૈત્રી પહેલ અંતર્ગત વિકસાવવામાં આવેલી આ મોબાઈલ હોસ્પિટલ આપત્તિ અને કટોકટીના સમયમાં ઝડપી તબીબી સહાય પૂરી પાડવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

મંત્રીમંડળના સભ્યો અને ધારાસભ્યોની ઉપસ્થિતિ

આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા સહિત મંત્રીમંડળના સભ્યો અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ BHISHM Cube-R300 અંગેની શોર્ટ ફિલ્મ નિહાળી હતી અને તેની કામગીરી તથા વિવિધ તબીબી સુવિધાઓની માહિતી મેળવી હતી.

બે દિવસીય પ્રદર્શનનો હેતુ

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, 9 અને 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા બે દિવસીય પ્રદર્શનનો મુખ્ય હેતુ કટોકટી અને કુદરતી આપત્તિ જેવી પરિસ્થિતિઓમાં તાત્કાલિક આરોગ્ય સેવાઓ, ટેલિમેડિસિન, ડિજિટલ હેલ્થ ટેકનોલોજી, અત્યાધુનિક લોજિસ્ટિક્સ તથા સ્થિતિસ્થાપક આરોગ્ય માળખા અંગે નાગરિકોને માહિતગાર કરવાનો છે.

માત્ર 12 મિનિટમાં મોબાઈલ હોસ્પિટલ તૈયાર

મંત્રીએ જણાવ્યું કે BHISHM Cube-R300 અત્યંત જટિલ અને આપાતકાલીન પરિસ્થિતિમાં થોડી જ મિનિટોમાં તૈનાત કરી શકાય તેવી પોર્ટેબલ મોબાઈલ ઇમરજન્સી હોસ્પિટલ છે. આ સિસ્ટમ સ્થળ પર જ ટ્રોમા સારવાર, તાત્કાલિક શસ્ત્રક્રિયા, રોગ નિદાન અને અન્ય જીવનરક્ષક સેવાઓ પૂરી પાડી શકે છે. સમગ્ર સિસ્ટમને 72 મોડ્યુલર મિની-ક્યુબ્સમાં પેક કરવામાં આવે છે અને દરેક ક્યુબનું વજન 20 કિલોગ્રામથી ઓછું છે. સમગ્ર યુનિટને 12 મિનિટથી પણ ઓછા સમયમાં સ્થાપિત કરી શકાય છે અને એકસાથે આશરે 300 ઈજાગ્રસ્તોને ઇમરજન્સી સારવાર આપવાની ક્ષમતા ધરાવે છે.

જમીન, હવાઈ અને દરિયાઈ માર્ગે પરિવહન

BHISHM Cube-R300ને જમીન, હવાઈ અને દરિયાઈ માર્ગે સરળતાથી પરિવહન કરી શકાય છે. દુર્ગમ અને આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં જરૂરિયાત મુજબ તેને એરડ્રોપ પણ કરી શકાય છે. આ સુવિધા કુદરતી આપત્તિ બાદ જ્યાં પરંપરાગત આરોગ્ય માળખું ઉપલબ્ધ ન હોય ત્યાં તાત્કાલિક સારવાર પહોંચાડવામાં ઉપયોગી બની શકે છે.

400 જેટલી તબીબી સામગ્રીથી સજ્જ

પોર્ટેબલ હોસ્પિટલમાં વેન્ટિલેટર, મલ્ટી-પેરામીટર મોનિટર, મિની-લેબ અને સર્જિકલ સાધનો સહિત આશરે 400 જેટલી તબીબી સામગ્રી ઉપલબ્ધ છે. ઘટનાસ્થળે જ ‘ડેમેજ કંટ્રોલ સર્જરી’ કરી શકાય તેવું સ્ટેશન, પોતાની વીજ ઉત્પાદન ક્ષમતા અને ઓક્સિજન પુરવઠા સહિતની સુવિધાઓ તેને આત્મનિર્ભર બનાવે છે.

ગુજરાતની આપત્તિ વ્યવસ્થાપન ક્ષમતામાં વધારો

ભારત સરકારે યુક્રેન, માલદીવ્સ, જમૈકા, વેનેઝુએલા અને શ્રીલંકા જેવા દેશોમાં માનવતાવાદી સંકટ અને કુદરતી આપત્તિઓ દરમિયાન સહાયરૂપે આવા ક્યુબ મોકલ્યા છે. ગુજરાતનો વિશાળ દરિયાકાંઠો, ઔદ્યોગિક વિસ્તારો તેમજ વાવાઝોડા, પૂર અને ભૂકંપની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને રાજ્યમાં BHISHM Cubeની તૈનાતી આપત્તિ સમયે તાત્કાલિક આરોગ્ય પ્રતિસાદ ક્ષમતાને વધુ મજબૂત બનાવશે.

આરોગ્ય વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિ

કાર્યક્રમમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનો, આરોગ્ય કમિશનર (શહેરી) ડૉ. સંધ્યા ભુલ્લર, આરોગ્ય કમિશનર (ગ્રામ્ય) ડૉ. રતનકંવર ગઢવી ચારણ સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ, ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA), સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડ (SDRF)ના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *