આગામી એશિયન ગેમ્સમાં ગુજરાતનો રેકોર્ડ: 9 ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે

Spread the love

2014માં માત્ર 3 ખેલાડીઓ હતા, હવે 9 ખેલાડીઓ સાથે ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટું પ્રતિનિધિત્વ; એક ખેલાડી રિઝર્વ તરીકે પણ પસંદ

અમદાવાદ:

ગુજરાત માટે રમતગમત ક્ષેત્રે વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ સામે આવી છે. જાપાનના આઈચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર, 2026 દરમિયાન યોજાનારી 20મી એશિયન ગેમ્સ માટે ગુજરાતના રેકોર્ડબ્રેક 9 ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે, જ્યારે એક ખેલાડીની રિઝર્વ તરીકે પસંદગી કરવામાં આવી છે. વર્ષ 2014ની એશિયન ગેમ્સમાં ગુજરાતમાંથી માત્ર ત્રણ ખેલાડીઓએ ભાગ લીધો હતો. 12 વર્ષ બાદ આ સંખ્યા ત્રણ ગણી વધીને નવ પર પહોંચી છે, જે રાજ્યમાં રમતગમતના સતત વિકાસનો પુરાવો માનવામાં આવી રહ્યો છે.

ગુજરાતે રચ્યો નવો ઇતિહાસ

આગામી એશિયન ગેમ્સ માટે ગુજરાતમાંથી વિવિધ રમતોના કુલ નવ ખેલાડીઓની પસંદગી થતાં રાજ્યએ પોતાનો જ અગાઉનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ સિદ્ધિ માત્ર ખેલાડીઓ માટે જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતના રમતગમત ક્ષેત્ર માટે ગૌરવની ક્ષણ બની છે. રાજ્યમાંથી વિવિધ રમતોમાં આંતરરાષ્ટ્રીય સ્તરની પ્રતિભા ઉભી થઈ રહી હોવાનું આ પરિણામ દર્શાવે છે.

વિવિધ રમતોના ખેલાડીઓને મળ્યું સ્થાન

ભારતીય ટીમમાં ગુજરાતના જે ખેલાડીઓની પસંદગી થઈ છે તેમાં શૂટર ઈલાવેનિલ વલારિવન, ટેબલ ટેનિસના હરમીત દેસાઈ, માનવ ઠક્કર અને માનુષ શાહ, સોફ્ટ ટેનિસના અનિકેટ પટેલ, તરણવીર આર્યન નેહરા, ટેનિસ ખેલાડીઓ અંકિતા રૈના અને વૈદેહી ચૌધરી તેમજ સ્પ્રિન્ટર દેવયાની ઝાલાનો સમાવેશ થાય છે. જ્યારે ટેનિસ ખેલાડી જીલ દેસાઈને રિઝર્વ ખેલાડી તરીકે સ્થાન મળ્યું છે.

લાંબા ગાળાની રમત નીતિનું પરિણામ

ગુજરાતમાં રમતગમત ક્ષેત્રે થયેલી આ પ્રગતિ પાછળ લાંબા ગાળાની આયોજનબદ્ધ નીતિ મહત્વપૂર્ણ રહી છે. ખેલ મહાકુંભ અને શક્તિદૂત યોજના જેવી પહેલોથી રાજ્યના ગામડાં સુધી રમતગમતને પ્રોત્સાહન મળ્યું હતું. તેના પરિણામે અનેક પ્રતિભાશાળી ખેલાડીઓ રાજ્યમાંથી ઉભરી આવ્યા છે અને હવે આંતરરાષ્ટ્રીય મંચ સુધી પહોંચી રહ્યા છે.

સરકાર વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ બનાવી રહી છે

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વિશ્વસ્તરીય રમતગમત સંસ્કૃતિ વિકસાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. સરકાર માત્ર ખેલાડીઓને તાલીમ જ નથી આપતી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતા મળે તે માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સંપૂર્ણ સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ પણ તૈયાર કરી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે ગુજરાતમાં વિશ્વસ્તરીય રમતગમત સુવિધાઓ ઉભી કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

ગુજરાત બની રહ્યું છે મલ્ટી-સ્પોર્ટ્સ પાવરહાઉસ

છેલ્લા એક દાયકામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ ઓલિમ્પિક, કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સ જેવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં સતત વધી રહ્યું છે. અગાઉ ક્રિકેટ માટે ઓળખાતું ગુજરાત હવે વિવિધ રમતોમાં પણ પોતાની મજબૂત હાજરી નોંધાવી રહ્યું છે. આગામી એશિયન ગેમ્સમાં રાજ્યના ખેલાડીઓના પ્રદર્શન પર સમગ્ર ગુજરાતની નજર રહેશે અને દેશને તેમની પાસેથી શ્રેષ્ઠ દેખાવની અપેક્ષા રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *