ગુજરાત સ્ટેટ ફૂટબોલ: મંગળવારે અમદાવાદ અને બરોડા વચ્ચે ફાઇનલનો મહાસંગ્રામ

Spread the love

35મી બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફીમાં અમદાવાદે આણંદને 7-0 અને બરોડાએ ગાંધીનગરને 4-1થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો

ગાંધીનગર

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત 35મી બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી–2026 અંતર્ગત જૂનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ફાઇનલની બંને ટીમો નક્કી થઈ ગઈ છે. સોમવારે રમાયેલી સેમિફાઇનલમાં અમદાવાદ અને બરોડાની ટીમોએ શાનદાર જીત નોંધાવી ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. હવે મંગળવાર, 28 જુલાઈના રોજ સવારે 10 વાગ્યે અમદાવાદ અને બરોડા વચ્ચે ખિતાબી જંગ ખેલાશે.

અમદાવાદનો એકતરફી વિજય

પ્રથમ સેમિફાઇનલમાં અમદાવાદ અને આણંદ વચ્ચે મુકાબલો રમાયો હતો. મેચની શરૂઆતથી જ અમદાવાદની ટીમે આક્રમક રમત દાખવી અને સમગ્ર મેચ દરમિયાન પ્રભુત્વ જાળવી રાખ્યું. અમદાવાદ તરફથી પરમાર કર્મદીત્યાસિંહે હેટ્રિક ફટકારી ત્રણ ગોલ નોંધાવ્યા હતા. જ્યારે સાધવાની હરિદાન, પટેલ આદ્ય, નાયક પર્વ અને અર્ષ અનવરે એક-એક ગોલ કરીને ટીમને 7-0ની એકતરફી જીત અપાવી હતી.

બરોડાએ ગાંધીનગરને હરાવ્યું

બીજી સેમિફાઇનલમાં બરોડા અને ગાંધીનગર વચ્ચે રસપ્રદ મુકાબલો રમાયો હતો. બરોડા તરફથી જોએલ, દેસાઈ દર્શ, આયુષ ઉપાધ્યાય અને દેવેન્દ્ર રાઠવાએ એક-એક ગોલ નોંધાવ્યો હતો. ગાંધીનગર તરફથી સિંગમયુમ કિમતે એકમાત્ર ગોલ કર્યો હતો. બરોડાએ 4-1થી જીત મેળવી ફાઇનલમાં પ્રવેશ કર્યો.

આજે ખિતાબ માટે અમદાવાદ-બરોડા આમને-સામને

ટુર્નામેન્ટની ફાઇનલ મેચ મંગળવાર, 28 જુલાઈ 2026ના રોજ સવારે 10:00 કલાકે રમાશે. બંને ટીમોએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું હોવાથી ખિતાબી મુકાબલો રોમાંચક બનવાની સંભાવના છે.

23 જિલ્લાઓની ટીમોએ લીધો ભાગ

20 જુલાઈથી શરૂ થયેલી આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં ગુજરાતના 23 જિલ્લાઓની ટીમોએ ભાગ લીધો છે. આ સ્પર્ધા માત્ર ચેમ્પિયન ટીમ નક્કી કરવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ અહીંથી ગુજરાતની નેશનલ ટીમના કેમ્પ માટે પ્રતિભાશાળી ખેલાડીઓની પસંદગી પણ કરવામાં આવી રહી છે. રાજ્યના યુવા ફૂટબોલરો માટે આ ટુર્નામેન્ટ મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *