છેલ્લા ૧૨ વર્ષમાં ભારતે ટેલિકોમ અને ડિજિટલ ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. ૨૦૧૪માં ૨૫.૧૫ કરોડ રહેલા ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા વધીને હવે ૧૦૯ કરોડને વટાવી ગઈ છે, જ્યારે ગ્રામીણ વિસ્તારોને જોડતી ભારતનેટ યોજના પણ ઝડપથી આગળ વધી રહી છે.
નવી દિલ્હી
કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, માર્ચ ૨૦૧૪માં દેશમાં ઇન્ટરનેટ યુઝર્સની કુલ સંખ્યા ૨૫.૧૫ કરોડ હતી, જે વધીને માર્ચ ૨૦૨૬માં ૧૦૯.૨૭ કરોડ સુધી પહોંચી ગઈ છે. છેલ્લા ૧૨ વર્ષના આ સમયગાળામાં દેશના ઇન્ટરનેટ યુઝર્સમાં આશરે ૮૪ કરોડનો જબરદસ્ત વધારો નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન ટેલિફોન કનેક્શન્સ પણ ૯૩.૩ કરોડથી વધીને ૧૩૩ કરોડથી વધુ થઈ ગયા છે. દેશમાં 4G થી 5G સુધીની ટેક્નોલોજીનો વ્યાપ વધ્યો છે અને સસ્તા ડેટા પ્લાન્સને કારણે સામાન્ય જનતા સુધી ઇન્ટરનેટ સરળતાથી ઉપલબ્ધ બન્યું છે.
ભારતનેટ પ્રોજેક્ટથી ગ્રામીણ ભારત કનેક્ટ
સરકારની મહત્ત્વાકાંક્ષી યોજના ‘ભારતનેટ’ દ્વારા દેશના દૂર-દૂરના ગામડાઓને હાઈ-સ્પીડ ઇન્ટરનેટથી જોડવામાં આવી રહ્યા છે. જૂન ૨૦૨૬ સુધીના આંકડા મુજબ આ પ્રોજેક્ટ અંતર્ગત ૨.૨૧ લાખ ગ્રામ પંચાયતોને ‘સર્વિસ રેડી’ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, આશરે ૮૦,૪૭૨ ગ્રામ પંચાયતોમાં ભારતનેટના ‘પોઈન્ટ ઓફ પ્રેઝન્સ’ (PoP) પણ સક્રિય થઈ ચૂક્યા છે, જેનાથી ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ સેવાનો વ્યાપ સતત વધતો જોવા મળી રહ્યો છે.
BSNL 5G ની સ્થિતિ અને UPI ની ક્રાંતિ
એક તરફ જ્યાં ખાનગી ટેલિકોમ કંપનીઓએ 5G સેવાઓ સમગ્ર દેશમાં ફેલાવી દીધી છે, ત્યાં સરકારી ટેલિકોમ કંપની BSNL હજુ 5G લોન્ચ કરવામાં પાછળ છે. ગત વર્ષે BSNL નું 4G લોન્ચ કરવામાં આવ્યું હતું અને હવે દિલ્હી-મુંબઈ જેવા મોટા શહેરોમાં BSNL 5G શરૂ કરવાની વાતો ચાલી રહી છે. બીજી તરફ, પેમેન્ટ ક્ષેત્રે યુપીઆઈ (UPI) ગેમચેંજર સાબિત થયું છે. આજે ૭૩૧ बैंकों દ્વારા સપોર્ટેડ UPI ૫૫.૪૯ કરોડથી વધુ ગ્રાહકો અને ૬.૫ કરોડ વેપારીઓને સેવાઓ પૂરી પાડી રહી છે, જેમાં ફોનપે, ગૂગલપે અને પેટીએમ મુખ્ય ખેલાડીઓ છે.
