થલપતિ વિજય અને પત્ની સંગીતાના છૂટાછેડાના કેસમાં મોટો ટ્વિસ્ટ: અરજી પાછી ખેંચી, પારિવારિક વિવાદ ઉકેલાયો

Spread the love

થલપતિ વિજય અને સંગીતા હવે અલગ નહીં થાય, કોર્ટે કેસનો કર્યો નિકાલ

ચેન્નઈ:

તમિળનાડુના મુખ્યમંત્રી અને અભિનેતા થલપતિ વિજય (સી. જોસેફ વિજય) તથા તેમના પત્ની સંગીતાના છૂટાછેડાના વિવાદમાં એક મોટો વળાંક આવ્યો છે. સંગીતાએ તમિળનાડુની ચેંગલપટ્ટુ જિલ્લા કોર્ટમાંથી પોતાની છૂટાછેડાની અરજી સત્તાવાર રીતે પાછી ખેંચી લીધી છે. આ અરજી પાછી ખેંચાતાની સાથે જ કોર્ટે આ મામલાનો અંત આણ્યો છે અને હવે બંને વચ્ચેના છૂટાછેડા નહીં થાય.

ફેબ્રુઆરી ૨૦૨૬માં દાખલ કરી હતી અરજી

સંગીતા સોરનલિંગમે ફેબ્રુઆરી ૨૦૨૬માં વિજય વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે છૂટાછેડાની અરજી દાખલ કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે વિજયનું એક મહિલા અભિનેતા સાથે અફેર છે, જેની જાણ તેમને ૨૦૨૧માં થઈ હતી. સંગીતાએ દાવો કર્યો હતો કે વિજયને સંબંધ તોડી નાખવા માટે કહેવા છતાં તેમણે તે ચાલુ રાખ્યો હતો. આ ઉપરાંત, સંગીતાએ વિજય સામે માનસિક ત્રાસ આપવાના પણ આક્ષેપો કર્યા હતા અને તેઓ બ્રિટિશ નાગરિક હોવાથી ભારતમાં રહેવા માટે અન્ય કોઈ ઘર ન હોવાથી ચેન્નઈ સ્થિત વિજયના ઘરે જ રહેવાની મંજૂરી માંગી હતી.

વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા નોંધાવ્યું નિવેદન

તાજેતરમાં સંગીતા વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કોર્ટમાં હાજર રહ્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ હવે આ છૂટાછેડાના કેસને આગળ વધારવા માગતા નથી. ‘ઇન્ડિયા ટુડે’ના અહેવાલ મુજબ, કોર્ટના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે સંગીતાની આ દરખાસ્તના આધારે કોર્ટે તેમની અરજી મંજૂર કરી લીધી છે. પ્રતિવાદી (વિજય)ના વકીલને પણ નોટિસ મોકલવામાં આવી હતી, જેમણે અરજી પાછી ખેંચવા સામે કોઈ વાંધો દર્શાવ્યો ન હતો. આ સાથે જ બંને વચ્ચેના તમામ મતભેદો અને પારિવારિક વિવાદનો અંત આવ્યો છે અને તેઓ હવે સાથે જ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *