સલમાન ખાનની ‘માતૃભૂમિ’ની રિલીઝને લઈને પણ ચર્ચા તેજ, નવી ગાઇડલાઇનમાં વિદેશી દેશો સાથેના સંબંધો અંગે ખાસ જોગવાઈ
નવી દિલ્હી:
ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે ફિલ્મોના સર્ટિફિકેશનને લઈને સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. આશરે એક દાયકા બાદ CBFCના પુનર્ગઠન સાથે જ ફિલ્મોના કન્ટેન્ટને લઈને આ નવા નિયમો ઉમેરાયા છે. નવી ગાઇડલાઇનમાં હિંસા અને ગુનાના મહિમામંડનથી લઈને ડ્રગ્સ, સાંપ્રદાયિકતા, અંધશ્રદ્ધા અને રાષ્ટ્રવિરોધી વિચારોને પ્રોત્સાહન આપતા કન્ટેન્ટ અંગે સાવચેતી રાખવા જણાવાયું છે. સાથે જ ભારતના અન્ય દેશો સાથેના મૈત્રીપૂર્ણ સંબંધોને નુકસાન પહોંચાડે તેવા કન્ટેન્ટ અંગે પણ ખાસ ધ્યાન આપવાનું કહેવામાં આવ્યું છે.
હિંસા અને ગુનાના મહિમામંડન પર રોક
નવી માર્ગદર્શિકા અનુસાર ફિલ્મોમાં હિંસાનું મહિમામંડન ન થવું જોઈએ. ગુનેગારોની કામગીરી કરવાની રીત અથવા લોકોને ગુનો કરવા માટે ઉશ્કેરતા દૃશ્યો અને સંવાદો અંગે પણ સાવચેતી રાખવાની રહેશે. ફિલ્મોમાં દર્શાવવામાં આવતા હિંસક કન્ટેન્ટને સમાજ પર થતી અસરના સંદર્ભમાં જોવામાં આવશે.
સાંપ્રદાયિક અને રાષ્ટ્રવિરોધી કન્ટેન્ટ અંગે નિયમ
નવી ગાઇડલાઇનમાં સાંપ્રદાયિકતા, અંધશ્રદ્ધા, વિજ્ઞાનવિરોધી વિચારો અથવા રાષ્ટ્રવિરોધી વિચારધારાને પ્રોત્સાહન આપતા દૃશ્યો અને શબ્દો અંગે પણ નિયમો સામેલ કરવામાં આવ્યા છે. ફિલ્મ સર્ટિફિકેશન દરમિયાન આવા કન્ટેન્ટને ધ્યાનમાં લેવાનું CBFCને જણાવાયું છે.
વિદેશી દેશો સાથેના સંબંધો અંગે ખાસ જોગવાઈ
માર્ગદર્શિકામાં જણાવાયું છે કે ફિલ્મના કન્ટેન્ટથી ભારતના અન્ય દેશો સાથેના મૈત્રીપૂર્ણ સંબંધો પર પ્રતિકૂળ અસર ન થવી જોઈએ. આ જોગવાઈને કારણે સલમાન ખાન અભિનીત ફિલ્મ ‘માતૃભૂમિ: મે વૉર રેસ્ટ ઇન પીસ’ની ચર્ચા ફરી શરૂ થઈ છે. આ ફિલ્મ અગાઉ ‘બેટલ ઑફ ગલવાન’ નામથી આવવાની હતી. ફિલ્મની 17 એપ્રિલ 2026ની નિર્ધારિત રિલીઝ મુલતવી રાખવામાં આવી હતી અને ત્યારથી તેના સર્ટિફિકેશન અંગે અનિશ્ચિતતા છે.
‘માતૃભૂમિ’માં ચીનના ઉલ્લેખને લઈને પેચ
રિપોર્ટ્સ અનુસાર ફિલ્મની વાર્તા 2020ની ગલવાન અથડામણ દરમિયાન ભારત-ચીન વચ્ચેના સૈન્ય તણાવની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. અગાઉ એવી પણ માહિતી સામે આવી હતી કે ફિલ્મમાં ચીનના સીધા ઉલ્લેખ અને ગલવાન ઘટનાના ચિત્રણ અંગે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. આ કારણે કેટલાક દૃશ્યોમાં ફેરફાર અને રી-શૂટ કરવામાં આવ્યા હોવાના અહેવાલો છે. જોકે, ફિલ્મને લઈને અંતિમ સર્ટિફિકેશન અંગે સત્તાવાર નિર્ણયની વિગતો અલગથી સ્પષ્ટ થવાની બાકી છે.
ડ્રગ્સના દૃશ્યો માટે ડિસ્ક્લેમર જરૂરી
નવી માર્ગદર્શિકામાં નશીલા અને સાઇકોટ્રોપિક પદાર્થોના ઉપયોગ, સેવન અથવા તસ્કરી દર્શાવતા દૃશ્યો અંગે પણ કડક જોગવાઈ કરવામાં આવી છે. આવા દૃશ્યો સાથે કાનૂની ચેતવણી અથવા ડિસ્ક્લેમર દર્શાવવાનું રહેશે, જેમાં નશીલા પદાર્થોના નુકસાન અને તેના કારણે થતી કાનૂની સજાની જાણકારી આપવાની રહેશે.
લોકોની લાગણીઓ અને સંવેદનાઓનું ધ્યાન
ગાઇડલાઇન્સમાં લોકોની લાગણીઓ અથવા સંવેદનાઓને ઠેસ પહોંચાડી શકે તેવા કન્ટેન્ટ અંગે પણ સાવચેતી રાખવાની વાત કરવામાં આવી છે. બાળકો સાથે દુર્વ્યવહાર, મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ અને બિનજરૂરી હિંસાના દૃશ્યો પર પણ નિયંત્રણની જોગવાઈ કરવામાં આવી છે.
UAથી A સુધીના સર્ટિફિકેશનમાં ફેરફાર
CBFC ફિલ્મોને હવે તેમના સ્વરૂપ, કન્ટેન્ટ અને થીમના આધારે UA, UA 7+, UA 13+, UA 16+ અથવા A કેટેગરીમાં સર્ટિફિકેટ આપી શકશે. જો ફિલ્મ અન્ય માપદંડો પૂર્ણ કરતી હોય છતાં સગીર દર્શકો માટે યોગ્ય ન ગણાય તો તેને માત્ર પુખ્ત વયના દર્શકો માટે એટલે કે A કેટેગરીમાં સર્ટિફાઇ કરી શકાય છે. જ્યારે માતા-પિતાના માર્ગદર્શનની જરૂરિયાત જણાય ત્યારે ફિલ્મને UA 7+, UA 13+ અથવા UA 16+ કેટેગરીમાં રાખી શકાય છે.
