પ.બંગાળની ચૂંટણી હિંસા માટે મમતાના વિપક્ષો પર પ્રહાર

Spread the love

71,000 બૂથ પર ચૂંટણી યોજાઈ હતી પરંતુ હિંસાની ઘટનાઓ 60 બૂથો પર થઈ હોવાનો બંગાળના મુખ્યપ્રધાનનો દાવો


કોલકાતા
પશ્ચિમ બંગાળમાં યોજાયેલી પંચાયત ચૂંટણીના પરિણામો આવી ચૂક્યા છે જેમાં સત્તાધારી પાર્ટી ટીએમસીએ શાનદાર જીત મેળવી છે. આ જીત બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લોકોનો આભાર માન્યો હતો અને વિપક્ષને ઘેર્યું હતું. આ ઉપરાંત મમતાએ ચૂંટણી દરમિયાન થયેલી હિંસા પર પણ દુખ વ્યક્ત કર્યું હતું. આ સાથે તેમણે કહ્યું કે રાજ્ય સરકારે હિંસા પાછળ જે લોકો છે તેમની સામે કાર્યવાહી કરવા પોલીસને ખુલ્લી છૂટ આપી છે. આ દરમિયાન મમતા બેનર્જીએ ભાજપ ઉપરાંત ડાબેરીઓ અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું.
પશ્ચિમ બંગાળમાં હિંસાનો ઉલ્લેખ કરતા સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે, હું હિંસાની ઘટનાઓમાં થયેલા લોકોના મોતથી દુઃખી છું. 71,000 બૂથ પર ચૂંટણી યોજાઈ હતી પરંતુ હિંસાની ઘટનાઓ 60 બૂથો પર થઈ હતી. સીએમ એ દાવો કર્યો હતો કે 8 જૂને ચૂંટણીની તારીખ જાહેર થઈ ત્યારથી ચૂંટણી સંબંધિત હિંસામાં 19 લોકો મૃત્યુ પામ્યા જેમા મોટાભાગના તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના હતા. જોકે, પોલીસ સૂત્રો મૃત્યુઆંક 37 જણાવ્યો હતો.
મમતા બેનર્જીએ કોંગ્રેસ અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્કસિસ્ટ (સીપીઆઈ-એમ)ની પણ ટીકા કરી હતી અને ચૂંટણી હિંસા માટે સમાન રીતે જવાબદાર હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું, હું નફરત અને હિંસાની રાજનીતિ નથી કરતી. મને એ કહેતા દુઃખ થાય છે કે રામ (ભાજપ), ‘બામ’ (ડાબેરી પક્ષો) અને ‘શ્યામ’ (કોંગ્રેસ)એ કાવતરું ઘડ્યું અને હિંસાનો સહારો લીધો. હું વધારે કંઈ કહેવા નથી માંગતી કારણ કે અમારો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય સ્તરે (બિન-ભાજપ પક્ષોની) એકતાનો છે.
મમતા બેનર્જીએ વધુમાં કહ્યું કે, વિપક્ષ મારા પ્રત્યે આટલી બધી નફરત કેમ કરે છે? શું તે એટલા માટે છે કે હું એક સાધારણ પારિવારિક પૃષ્ઠભૂમિમાંથી આવું છું? શું તે એટલા માટે કે હું એકતા માટે બોલું છું?” તેણીએ ગ્રામીણ ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસની શાનદાર સફળતા માટે બંગાળના લોકોનો આભાર માન્યો હતો.
હિંસા પ્રભાવિત વિસ્તારોમાં ટીમો મોકલવા માટે મમતાએ ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધ્યું હતું. તેને ‘ભાજપ સંરક્ષણ સમિતિ’ અને ‘ઉશ્કેરણી સમિતિ’ ગણાવતા તેમણે પ્રશ્ન કર્યો કે, આવી ટીમોને જાતિ હિંસાગ્રસ્ત મણિપુર અથવા અગરતલામાં શા માટે મોકલવામાં નહોતી આવી. જ્યાં આ વર્ષની શરૂઆતમાં વિપક્ષી કાર્યકરો પર કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો. બેનર્જીએ કહ્યું, જ્યારે મણિપુર સળગી રહ્યું હતું ત્યારે ફેક્ટ-ફાઈન્ડિંગ ટીમ ક્યાં હતી? આસામ જ્યારે નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (એનઆરસી)ને લઈને સળગી રહ્યું હતું ત્યારે આ ટીમ ક્યાં હતી? આવી લગભગ 154 ટીમોને બે વર્ષમાં બંગાળ મોકલવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *