શ્રાવણ માસ અને ગણેશોત્સવ વચ્ચે વિશ્વ હિન્દુ પરિષદનું મહાનગરપાલિકા સમક્ષ આવેદનપત્ર; ઈસનપુરમાં માંસ ફેંકવાની ઘટનાને ગંભીર ગણાવી કાયદેસરની કાર્યવાહીની માગ
અમદાવાદ
કર્ણાવતી મહાનગરમાં મ્યુનિસિપલ કતલખાનાને કાયમી ધોરણે બંધ કરવાની માંગ ઉઠી છે. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા કણૉતરી મહાનગરપાલિકાના મેયર તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને આવેદનપત્ર પાઠવી આ માંગ કરવામાં આવી છે. શ્રાવણ માસ, શ્રી ગણેશોત્સવ તથા જૈન સમાજના પવિત્ર પર્વોને ધ્યાનમાં રાખીને કતલખાનું બંધ રાખવા તેમજ શહેરમાં માંસના અવશેષો ફેંકવાની ઘટનાઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે.
ધાર્મિક લાગણી અને શહેરની શાંતિનો મુદ્દો
વિશ્વ હિન્દુ પરિષદના ઉત્તર ગુજરાત પ્રાંતના પ્રચાર-પ્રસાર પ્રમુખ રક્ષેશ મહેતાએ જણાવ્યું હોવાનું જણાવાયું છે કે શ્રાવણ માસ, ગણેશોત્સવ અને જૈન પર્વો દરમિયાન મોટી સંખ્યામાં નાગરિકો ધાર્મિક ઉપવાસ, પૂજા, જપ-તપ તથા વિવિધ ધાર્મિક અનુષ્ઠાનોમાં જોડાય છે. આવા પવિત્ર સમયગાળા દરમિયાન ધાર્મિક સ્થળો અને રહેણાંક વિસ્તારોની આસપાસ માંસનું વેચાણ તથા તેને લગતી પ્રવૃત્તિઓથી ધાર્મિક લાગણીઓને ઠેસ ન પહોંચે અને શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવા જોઈએ.
ઈસનપુરની ઘટનાનો ઉલ્લેખ
VHPએ ખાસ કરીને ઈસનપુર વિસ્તારમાં મહાદેવજી મંદિર સામે તેમજ ભગવાનનગર સોસાયટી નજીક શ્રાવણ માસ દરમિયાન માંસ ફેંકવાની બનેલી ઘટનાને ગંભીર ગણાવી છે. સંસ્થાના જણાવ્યા મુજબ આવી ઘટનાઓ માત્ર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતી નથી, પરંતુ શહેરની સામાજિક સમરસતા અને કાયદો-વ્યવસ્થા સામે પણ ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. આ સાથે મ્યુનિસિપલ કતલખાનું બંધ કરવા કાયદાકીય જોગવાઈઓનો ઉપયોગ કરવાની માંગ કરવામાં આવી છે.
કાયદાની કલમ 329નો આધાર
આવેદનપત્રમાં Gujarat Provincial Municipal Corporations Act, 1949ની કલમ 327 અને 329નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રેસનોટ મુજબ કલમ 327 હેઠળ કોર્પોરેશનની માલિકી અથવા જાળવણી હેઠળનું કતલખાનું “Municipal Slaughter-house” ગણાય છે. જ્યારે કલમ 329 હેઠળ મ્યુનિસિપલ કમિશનરને કોર્પોરેશનની મંજૂરીથી કોઈપણ સમયે મ્યુનિસિપલ કતલખાનું બંધ કરવાની સત્તા આપવામાં આવી છે. VHPએ આ જોગવાઈના આધારે કતલખાનું કાયમી બંધ કરવા કાયદેસર પ્રક્રિયા હાથ ધરવાની માંગ કરી છે.
VHPની મુખ્ય માંગણીઓ
વિશ્વ હિન્દુ પરિષદે મ્યુનિસિપલ કતલખાનું કાયમી બંધ કરવા ઉપરાંત નિર્ણય ન થાય ત્યાં સુધી ધાર્મિક પર્વો દરમિયાન તેને બંધ રાખવાની માંગ કરી છે. ગેરકાયદેસર અથવા લાઇસન્સ વિના ચાલતા કતલખાના તથા કતલની પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવા અને ધાર્મિક સ્થળો તથા રહેણાંક વિસ્તારોની આસપાસ માંસના અવશેષો કે કચરો ન ફેંકાય તે માટે વિશેષ દેખરેખ રાખવા પણ રજૂઆત કરવામાં આવી છે.
પોલીસ-મહાનગરપાલિકાની સંયુક્ત દેખરેખની માગ
ઈસનપુર જેવી ઘટનાઓમાં જવાબદાર તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સાથે પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત પેટ્રોલિંગ તથા દેખરેખ વધારવાની માંગ પણ કરવામાં આવી છે. VHPએ સ્પષ્ટ કર્યું છે કે તેની માંગ કોઈ વ્યક્તિ કે સમાજવિરુદ્ધ નહીં, પરંતુ કાયદાનું પાલન, જાહેર સ્વચ્છતા, નાગરિકોની ધાર્મિક લાગણીઓનું સન્માન, સામાજિક સૌહાર્દ અને શહેરની શાંતિના હિતમાં હોવાનું જણાવ્યું છે.
પગલાં નહીં લેવાય તો આંદોલનની ચીમકી
જો તંત્ર દ્વારા આ મુદ્દે તાત્કાલિક અને અધિકારપૂર્વકના પગલાં લેવામાં નહીં આવે તો વિશ્વ હિન્દુ પરિષદ લોકશાહી અને કાયદેસર માર્ગે જનજાગૃતિ તથા આંદોલનાત્મક કાર્યક્રમો હાથ ધરવા મજબૂર થશે. કાર્યક્રમ દરમિયાન સજમીત શાહ, કૈલાશ શાહ જપુરીયા, અંકુરભાઈ ભાલોદિયા, ઉપેન્દ્રસિંહ રાઠોડ અને નિપુણ ભટ્ટ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
