મુંબઈ
‘શક્તિમાન’ ફેમ અભિનેતા મુકેશ ખન્નાએ તાજેતરમાં એક મોટું નિવેદન આપીને નવો વિવાદ જગાવ્યો છે. તેમણે દાવો કર્યો છે કે ભારતનું રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ નથી, પરંતુ તે ક્વીન એલિઝાબેથની પ્રશંસામાં લખવામાં આવ્યું હતું. આ સાથે તેમણે ‘જન ગણ મન’ની જગ્યાએ ‘વંદે માતરમ્’ને રાષ્ટ્રગાન બનાવવાની માંગ કરી છે.
‘જન ગણ મન’ અંગે મુકેશ ખન્નાનો દાવો અને તેની વાસ્તવિકતા
- ક્વીન એલિઝાબેથ સાથે કોઈ જોડાણ નથી: મુકેશ ખન્નાએ દાવો કર્યો હતો કે આ ગીત ક્વીન એલિઝાબેથને શ્રદ્ધાંજલિ છે. વાસ્તવિકતા એ છે કે ‘જન ગણ મન’ની રચના ૧૧ ડિસેમ્બર ૧૯૧૧ના રોજ થઈ હતી, જ્યારે ક્વીન એલિઝાબેથ (દ્વિતીય)નો જન્મ તેના ૧૫ વર્ષ પછી એટલે કે ૧૯૨૬માં થયો હતો. તેમણે ૧૯૫૨માં સત્તા સંભાળી હતી. આ સંજોગોમાં ક્વીન એલિઝાબેથના સન્માનમાં આ ગીત લખાયાનો દાવો સંપૂર્ણપણે કાલ્પનિક અને ઐતિહાસિક તથ્યોથી વિપરીત છે.
- બ્રિટિશ રાજા જ્યોર્જ પંચમ સાથે જોડાયેલી ગેરસમજ: ઘણીવાર એવો દાવો કરવામાં આવે છે કે આ ગીત બ્રિટિશ રાજા જ્યોર્જ પંચમના સ્વાગત માટે લખાયું હતું. ૧૯૧૧માં જ્યારે જ્યોર્જ પંચમ ભારત આવ્યા ત્યારે ૨૭ ડિસેમ્બર ૧૯૧૧ના રોજ કોંગ્રેસના કલકત્તા અધિવેશનમાં આ ગીત પ્રથમવાર ગવાયું હતું. તે સમયે કેટલાક બ્રિટિશ અને એંગ્લો-ઇન્ડિયન અખબારોએ ભૂલથી છાપ્યું હતું કે આ ગીત રાજાના સ્વાગતમાં લખાયું છે, પરંતુ તે અસત્ય હતું.
ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરનું સ્પષ્ટિકરણ
આ વિવાદ અંગે ખુદ નોબેલ પુરસ્કાર વિજેતા રવીન્દ્રનાથ ટાગોરે ૧૯૩૭માં લખેલા પત્રોમાં સ્પષ્ટ કર્યું હતું કે તેમણે આ ગીત કોઈ અંગ્રેજ શાસક માટે લખ્યું નહોતું. ટાગોરે જણાવ્યું હતું કે ‘અધિનાયક’ અને ‘ભારત ભાગ્ય વિધાતા’ શબ્દો કોઈ અંગ્રેજ હુકુમત કે રાજા માટે નહીં, પરંતુ એ શાશ્વત શક્તિ માટે પ્રયોજવામાં આવ્યા છે જે ભારતના રથને દરેક ઊતાર-ચઢાવમાં સંભાળતી રહી છે.
સંવિધાન સભાએ ૨૪ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ આના હિન્દી સંસ્કરણને ભારતનું રાષ્ટ્રગાન તરીકે સત્તાવાર રીતે અપનાવ્યું હતું. ઐતિહાસિક તથ્યોના આધારે મુકેશ ખન્નાનો આ દાવો તદ્દન પાયાવહોણો અને ખોટો સાબિત થાય છે.
