રાજકોટમાં બી.ટી. સવાણી કિડની હોસ્પિટલની મુલાકાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા

Spread the love

ડાયાલિસિસ, રોબોટિક સર્જરી, આઈ.સી.યુ. અને કિડની ટ્રાન્સપ્લાન્ટ વિભાગનું નિરીક્ષણ; દર્દીઓ સાથે સંવાદ કરી આરોગ્ય સુવિધાઓ અંગે સૂચનો આપ્યા

રાજકોટ

ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ પાનશેરીયાએ રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલી બી.ટી. સવાણી કિડની હોસ્પિટલની મુલાકાત લઈને હોસ્પિટલમાં દર્દીઓને આપવામાં આવતી વિવિધ આરોગ્ય સેવાઓનું નિરીક્ષણ કર્યું હતું. મંત્રીશ્રીએ હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લઈ તબીબી સુવિધાઓ, સાધનો, દવાઓનો સ્ટોક અને દર્દીઓની સારવાર વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.

મંત્રી પ્રફુલ પાનશેરીયાએ હોસ્પિટલના ડાયાલિસિસ વિભાગ, રોબોટિક સર્જરી યુનિટ, પુરુષ તથા સ્ત્રીઓના જનરલ વિભાગ, ઓપરેશન થિયેટર, આઈ.સી.યુ. અને કિડની ટ્રાન્સપ્લાન્ટ વિભાગની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત નિર્માણાધીન મલ્ટી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટરનું પણ નિરીક્ષણ કર્યું હતું.

હોસ્પિટલમાં ઉપલબ્ધ તબીબી સાધનો, દવાઓના સ્ટોક તેમજ દર્દીઓને આપવામાં આવતી સારવાર અંગે તેમણે સંબંધિત અધિકારીઓ અને તબીબી ટીમ પાસેથી વિગતો મેળવી હતી. આરોગ્ય સેવાઓની ગુણવત્તા જળવાઈ રહે અને દર્દીઓને સમયસર જરૂરી સારવાર મળી રહે તે માટે મંત્રીશ્રીએ જરૂરી સૂચનો કર્યા હતા.

હોસ્પિટલની મુલાકાત દરમિયાન મંત્રીએ સારવાર લઈ રહેલા દર્દીઓ સાથે પણ સંવાદ કર્યો હતો. તેમણે દર્દીઓના સ્વાસ્થ્ય અંગે ખબરઅંતર પૂછી તેમની સારવાર અને તેમને મળી રહેલી સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી. દર્દીઓ સાથે સીધો સંવાદ કરીને તેમણે આરોગ્ય વ્યવસ્થામાં દર્દીકેન્દ્રિત અભિગમના મહત્વ પર ભાર મૂક્યો હતો.

મુલાકાત બાદ હોસ્પિટલના બોર્ડ રૂમમાં ટ્રસ્ટીઓ અને તબીબી ટીમ સાથે બેઠક યોજાઈ હતી. બેઠકમાં જન આરોગ્ય સાથે સંકળાયેલા વિવિધ મુદ્દાઓ ઉપરાંત સરકારી આરોગ્ય યોજનાઓનો લાભ છેવાડાના દર્દીઓ સુધી પહોંચાડવા તથા ગુણવત્તાયુક્ત કિડની સારવાર વધુ અસરકારક રીતે ઉપલબ્ધ કરાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

મંત્રીએ જણાવ્યું હતું કે દર્દીઓના સ્વાસ્થ્ય માટે હોસ્પિટલ પરિસરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે જરૂરી છે. આ માટે આરોગ્ય વિભાગ દ્વારા સરકારી સિવિલ હોસ્પિટલોમાં હાઉસકીપિંગ વ્યવસ્થા પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે.

પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લાભાર્થી દર્દીઓને ડાયાલિસિસ સહિત વિવિધ સારવારની સુવિધા આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા વ્યક્તિના જન્મથી લઈને જીવનના વિવિધ તબક્કાઓ દરમિયાન જરૂરી તબીબી સહાય ઉપલબ્ધ કરાવવા માટે આરોગ્ય ક્ષેત્રે વિશાળ બજેટ ફાળવવામાં આવે છે.

૧૪ એમ્બ્યુલન્સથી શરૂ થયેલી ૧૦૮ સેવાનું આજે ૧૫૦૦ વાહનોનું નેટવર્ક

મંત્રીએ ગુજરાતની ૧૦૮ ઈમરજન્સી સેવાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે રાજ્યમાં ૧૦૮ સેવા શરૂઆતમાં માત્ર ૧૪ એમ્બ્યુલન્સથી શરૂ થઈ હતી. આજે આ સેવા વટવૃક્ષ બનીને અંદાજે ૧,૫૦૦ જેટલા એમ્બ્યુલન્સ વાહનોના વિશાળ નેટવર્ક સાથે સમગ્ર ગુજરાતમાં કાર્યરત છે.

તેમણે જણાવ્યું કે હાલમાં સરેરાશ સાડા બાર મિનિટે એક કોલ પ્રાપ્ત થાય છે અને ૧૦૮ સેવાની ટીમ ત્વરિત રીતે પીડિત સુધી પહોંચીને જરૂરી તબીબી સહાય પૂરી પાડે છે. વિદેશની સેવાઓ સાથે સરખામણી કરતાં ગુજરાતની આ ઈમરજન્સી રિસ્પોન્સ સેવા ઝડપી હોવાનું તેમણે જણાવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય રમેશ ટીલાળા, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી આર. આર. ફૂલમાળી, આરોગ્ય અધિકારી પી. કે. સિંઘ, કિડની ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન નાનુ મકવાણા, અગ્રણી વિજય ડોબરીયા સહિત હોસ્પિટલના ટ્રસ્ટીઓ, તબીબો અને મેડિકલ સ્ટોરના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *